ઝુપડપટ્ટી પુનર્વસનના પ્રોજેકટ બિલ્ડરોને ચાંદી…ચાંદી કરી દેશે !!

રાજકોટ – સૌરાષ્ટ્રના થોકબંધ ઝુપડપટ્ટીના રહેવાસીઓમાં પણ આશાવાદનો માહોલ : સરકારે યોગ્ય નિર્ણય કરવો જરૂરી

દેશના આર્થિક પાટનગર મુંબઇ ખાતેની ઝુપ્પડપટ્ટીના પુનર્વસન માટે બોમ્બે હાઇકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. મુંબઇ જેવા શહેરમાંથી ઝુપ્પડપટ્ટી દૂર કરી દરેક ઝુપ્પડપટ્ટીના રહેવાસીઓને પાકા મકાન બનાવી આપનાર પ્રોજેકટને મંજૂરી મળતા શહેરની ગંદકી દૂર થશે અને સુંદરતામાં પણ વધારો થશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, ઝુપ્પડપટ્ટી પુનર્વસન પ્રોજેકટ ઝુપ્પડપટ્ટીના રહેવાસીઓને સોનેરી તક છે જ પણ બિલ્ડરોને પણ ચાંદી હી ચાંદી કરાવી દેશે. બીજી બાજુ જ્યારે મુંબઇ જેવા શહેરમાં આ પ્રકારના પ્રોજેકટને મળી છે તો સૌરાષ્ટ્ર – ગુજરાતમાં આવા પ્રોજેકટ ક્યારે અમલી બનશે તે માટે પણ રાહ જોવાઇ રહી છે.

શાપૂરજી પાલોનજી ગ્રુપ કે જે દેશભરના સૌથી મોટા બિલ્ડર ગ્રુપ પૈકીનું એક છે તેને વર્ષ ૨૦૧૨માં ઝુપ્પડપટ્ટી પુનર્વસન પ્રોજેકટ માટે દરખાસ્ત મૂકી હતી. જે બાદ પ્રોજેકટ વિવાદમાં સપડાયું હતું જેથી આશરે ૮ વર્ષ સુધી પ્રોજેકટ ઘોંચમાં ફસાયો હતો પરંતુ અંતે બોમ્બે હાઇકોર્ટે મંગળવારે હુકમ કરતા શાપૂરજી પાલોનજી ગ્રુપને દક્ષિણ મુંબઈના  કફ પરાડે વિસ્તારમાં પ્રોજેકટ શરૂ કરવા ૧.૧૩ લાખ ચોરસ મીટર જગ્યાની ફાળવણી પણ કરવામાં આવી છે. મંગળવારે બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ નીતિન જામદારની બેંચે આ હુકમ કર્યો છે. ડાઈના એસ્ટેટ પ્રા. લી. અને ડો. બાબાસાહેબ આંબેડકર નગર સહકારી ગૃહ નિર્માણ સંસ્થા દ્વારા કોર્ટમાં કરાયેલી અરજી અંગેની સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, ઝુપ્પડપટ્ટીના રહેવાસીઓ આ પ્રોજેકટની તરફેણમાં છે અને તેઓ આ પ્રોજેકટ ક્યારે અમલી બને તેની વાટ બે દાયકાથી જોઈ રહ્યા છે. કોર્ટે નોંધ્યું હતું કે, ગંદી બસ્તીઓને દૂર કરી, ઝુપ્પડપટ્ટીવાસીઓને નવા સુઘડ મકાન આપનારા પ્રોજેકટને ફક્ત ટેક્નિકલ આંટીઘૂંટીની આડશને કારણે ઘોંચમાં મૂકી શકાય નહીં.

આ પ્રોજેકટ શાપૂરજી પાલોનજી ગ્રુપની ભગીની સંસ્થા પ્રીકોશન પ્રોપર્ટીઝ પ્રા. લી. દ્વારા વર્ષ ૨૦૧૨ માં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રોજેકટ પૂર્ણ કરવા કંપની પાસે જરૂરી નાણાં ભંડોળ નહીં હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં પ્રોજેકટને પડકારતી અરજી કરવામાં આવી હતી. જે મામલે કોર્ટે ૬૩ પાનાનો આદેશ કરતા નોંધ્યું હતું કે, કંપની દ્વારા જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે તેને ધ્યાને રાખીને એવું કહી શકાય નહીં કે, શાપૂરજી પાલોનજી ગ્રુપ તેમજ પ્રીકોશન પ્રોપર્ટીઝ પ્રા.લી. પાસે પ્રોજેકટ પૂર્ણ કરવા જરૂરી નાણાં ભંડોળની અછત છે. કંપની દ્વારા માન્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનજ સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યું છે જેથી પ્રોજેકટ માટે ગ્રુપને મંજૂરી આપવામાં આવી છે.

પુનર્વસન પ્રોજેકટ થકી ગરીબ પ્રજા, બિલ્ડરો અને સરકારને ફાયદા હી ફાયદા

મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ પ્રોજેકટથી ફક્ત ઝુપ્પડપટ્ટીવાસીઓને તો ફાયદો છે જ પણ સાથોસાથ બિલ્ડરોને પણ ફાયદો થનાર છે. બિલ્ડરો આ પ્રોજેકટ થકી સબસીડીથી માંડી અનેક સરકારી સહાય તેમજ પ્રોત્સાહનનો લાભ પણ લઈ શકશે. જેની સાબિતીની જો વાત કરવામાં આવે તો જે કંપની દ્વારા શાપૂરજી પાલોનજી ગ્રુપના પ્રોજેકટને પડકારતી અરજી કરવામાં આવી હતી તે ડાયના એસ્ટેટ દ્વારા ૧૮ એપ્રિલ ૨૦૧૩ માં ૭૨૫૨ ચોરસ મીટરમાં ઝુપ્પડપટ્ટી પુનર્વસન પ્રોજેકટ કરવાની દરખાસ્ત મૂકી હતી. ઉપરાંત લાઈમાઉથ ક્ધસ્ટ્રક્શન, દોષી દર્શન ગ્રુપ અને શ્રી લેખ એન્ટરપ્રાઇઝ દ્વારા પણ રીડેવલોપમેન્ટ ઓથોરિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી.

રાજકોટ – સૌરાષ્ટ્રમાં પણ ઢગલાબદ્ધ ઝુપડપટ્ટીઓ

બીજી બાબત એ પણ છે કે, જ્યારે મુંબઇ જેવા શહેરમાં આ પ્રકારના પ્રોજેકટને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યના પરિપેક્ષમાં વાત કરવામાં આવે તો રાજ્યના દરેક શહેરમાં ઝુપ્પડપટ્ટી આવેલા છે જેમાં ગંદકીના ગંજથી માંડી ગેરયકાયદેસર પ્રવૃતિઓથી ભરપૂર હોય છે. ઝુપ્પડપટ્ટીમાં રહેતા લોકોમાં શિક્ષણનો પણ અભાવ જોવા મળે છે જેથી પેટિયું રળવા તેઓ ગેરયકાયદેસર પ્રવૃત્તિઓ તરફ વળતા હોય છે. આ પ્રકારની ઝુપ્પડપટ્ટીવાસીઓના પુનર્વસન પ્રોજેકટ હેઠળ પાકા મકાન આપી ઝુપ્પડપટ્ટી દૂર કરવાથી શહેરોની સુંદરતામાં તો વધારો થશે જ પણ સાથોસાથ ગેરયકાયદેસર પ્રવૃતિઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. રાજકોટ શહેરના પરિપેક્ષમાં પણ એવું જ છે. શહેરની ભાગોળે અનેક ઝુપ્પડપટ્ટીઓ જેમ કે, કુબલિયાપરા, ગંજીવાડા, મારવાડા નિવાસ, વાવડી ઝુપ્પડપટ્ટી, રૈયાધાર સ્લમ, લક્ષ્મીનગર સ્લમ, છોટુનગર સ્લમ, ઢેબર કોલોની પાસેની ઝુપ્પડપટ્ટી, રૂખડીયાપરા, લોહાનગર સહિતની ઝુપ્પડપટ્ટીઓ શહેરની સુંદરતામાં કલંક સમાન છે જ્યાં ગેરયકાયદે પ્રવૃતિઓ પણ જોરોશોરથી થતી હોય છે. અહીં વસતા લોકોને પુન: વસવાટ કરાવીને ગેરયકાયદે પ્રવૃતિઓને નેસ નાબૂદ કરી શકાય છે.