Abtak Media Google News
  • રસાયણ, ભૌતિક, ઝેર શાસ્ત્ર, ડોક્યુમેન્ટ સહિતના વિશ્લેષણમાં રાજકોટની કચેરી માહેર
  • સૌરાષ્ટ્રભરની ગૌ માંસ પરીક્ષણ મોબાઈલ વેન રાજકોટ એકમના તાબા હેઠળ!!

હવેનો સમય ટેક્નિકલ અને ડિજિટલ બનતો જઈ રહ્યો છે ત્યારે ગુનેગારોની ગુન્હો આચરવાની પદ્ધતિ પણ ડિજિટલ બનતી જઈ રહી છે. હવેના ગુન્હેગારો પણ અમુક અંશે ’ડિજિટલ’ અને ’સ્માર્ટ બનતા જઈ રહ્યા છે તેવા સમયે ગુન્હાનો ભેદ ઉકેલવા પોલીસે પણ ટેક્નિકલ અને સ્માર્ટ બનવાની જરૂર હોય છે અને આવું કરવા માટે મહત્વપૂર્ણ કડી બને છે એફએસએલ વિભાગ.

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે એફએસએલ. જેને આપણી માતૃભાષામાં ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા નામ આપવામાં આવ્યું છે. ગુન્હાના કામે જ્યારે ઝીણવટભરી તપાસ કરવાની હોય ત્યારે એફએસએલની ભૂમિકા ખૂબ વધી જતી હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે પ્રાથમિક દ્રષ્ટિએ સામાન્ય દેખાતો બનાવ  એફએસએલના રિપોર્ટ બાદ અતિ ગંભીર ગુન્હામાં તબદીલ થઈ જતો હોય છે જેના લીધે એફએસએલ વિભાગની ભૂમિકા કોઈ પણ તપાસમાં મહત્વની બની જતી હોય છે. બીજી બાજુ જ્યારે નામદાર અદાલતમાં ગુન્હો સાબિત કરવા પુરાવાની જરૂર પડે ત્યારે એફએસએલના વિશ્લેષણો અતિ મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતેની પ્રાદેશિક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા(રિજિયોનલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)નું કાર્યક્ષેત્ર 8 જિલ્લામાં છે. જેથી રાજકોટની કચેરીનું આગવું મહત્વ છે. 8 જિલ્લામાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીધામ-ભુજ સહિતનો સમાવેશ થાય છે.

રાજકોટની એફએસએલ કચેરીમાં હાલ કુલ 7 વિષયો પર પરીક્ષણ અને વિશ્લેષણ કરી શકાય છે. જેમાં રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, પ્રોહીબિશન, ઝેર શાસ્ત્ર(ટોક્સિકોલોજી), ફિંગરપ્રિન્ટ ને ડોક્યુમેન્ટ આધારિત વિશ્લેષણનો સમાવેશ થાય છે. આ તમામ બાબતોના સૌરાષ્ટ્રભરના વિશ્લેષણો રાજકોટ ખાતે થાય છે. મહત્વપૂર્ણ બાબત છે કે, ટૂંક સમયમાં હવે ડીએનએ અને સાયબર આધારિત વિશ્લેષણો પણ શરૂ કરી દેવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ છે. નોંધનીય છે કે, સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતના ગૌ માંસ પરીક્ષણ મોબાઈલ વેન પણ રાજકોટ ખાતેથી હેન્ડલ કરવામાં આવે છે.

અનેકવિધ એવા ગુન્હા બનતા હોય છે જેમાં કોઈ પણ જાતના પુરાવાઓ નહિ હોવા છતાં પણ જ્યારે ફોરેન્સિક કરવામાં આવે ત્યારે અનેક ચોંકાવનારી વિગતો સામે આવતી હોય છે જેના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવે છે. રાજકોટની નજીક આવેલા ખોડિયાર આશ્રમ-કાગદડીના મહંત આપઘાત કેસમાં વિશેરા, સ્થળ તપાસ અને વિવિધ નમૂનાઓમાં એફએસએલ વિભાગે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દાઝવા અને આગ લાગવાના કેસોને સચોટ દિશા આપવા કેમિકલ આધારિત વિશ્લેષણ અતિ મહત્વપૂર્ણ

રસાયણ આધારીત એટલે કે કેમિકલ વિશ્લેષણોમાં દાઝવાના કેસો, આગના બનાવ, સળગાવીને હત્યા નિપજાવવી, એન્ટી કરપ્સન બ્યુરોના કેસ, કેમિકલમાં ભેળસેળ, પ્રોહીબિશનના કેસોમાં સડેલો ગોળ વગેરેની એસિડિક તેમજ બેઝિક અસરો અંગેનું તારણ કેમિકલ આધારિત વિશ્લેષણમાં મેળવવામાં આવે છે. જેના આધારે તપાસનો સચોટ દિશા પૂરું પાડી શકાય છે. જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે ખરા અર્થમાં બનાવ શું હતો તેનો તાગ આ પ્રકારના વિશ્લેષણ પરથી મેળવી શકાય છે.

‘ઝેરના પારખા’ પણ એફએસએલની જવાબદારી!!

જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ ફોરેન્સિક માટે ખસેડવામાં આવે ત્યારે મૃતદેહમાં વિશેરાનું પરીક્ષણ એફએસએલ કરતું હોય છે. શરીરમાં કંઈ ઝેરી દવા દાખલ કરાઈ છે? તેની માત્રા શું હતી? રસાયણનો પ્રકાર, એસિડ અને ઓવરડોઝ સુધીના તમામ તારણ એફએસએલનું ઝેરશાસ્ત્ર વિભાગ કાઢતું હોય છે.

ઘટના સ્થળે મળેલાં ફિંગરપ્રિન્ટ કોના ?

ચોરી, લૂંટ, મર્ડર સહિતની ઘટનાઓમાં ઘણીવાર અન્ય કોઈ પુરાવા હોતા નથી પરંતુ અમુક જગ્યાએથી ફિંગરપ્રિન્ટ મળી આવતા હોય છે ત્યારે એ ફિંગરપ્રિન્ટ પરથી જ તમામ તપાસ કરવાની હોય છે તેવા સમયમાં ફિંગરપ્રિન્ટ ડેવલોપમેન્ટની પ્રક્રિયા એફએસએલ કરતું હોય છે.

દુષ્કર્મના કેસમાં પુરાવાનો તમામ દારોમદાર પ્રયોગશાળા પર !!

જ્યારે પણ કોઈ દુષ્કર્મનો બનાવ બને ત્યારે તે અર્થેનહ પરીક્ષણ એફએસએલનું બાયોલોજી વિભાગ કરે છે. દુષ્કર્મનો પુરાવો, દુષ્કર્મ આચરનાર ઇસમની ઓળખ સ્થાપિત કરવા એફએસએલ વિભાગની મદદ લેવામાં આવે છે. ઉપરાંત હથિયાર, કપડા પર લાગેલા લોહીબુ પરીક્ષણ પણ બાયોલોજી વિભાગમાં થાય છે.

લાંચ માંગ્યાનો પુરાવાની ચકાસણી ફિઝિક્સ વિભાગના શિરે !!

જ્યારે કોઈ સરકારી અધિકારી/કર્મચારી લાંચ માંગે અથવા મેળવે ત્યારે તેનું વોઇસ એનલિસીસી, મેસેજ સહિતની ચકાસણી એફએસએલના ફિઝિક્સ વિભાગમાં થાય છે. ઉપરાંત સોર્ટ સર્કિટ, ટ્રેંડમાર્કની નકલ પરીક્ષણ સહિતના વિશ્લેષણ પણ અહીં જ થાય છે. ઉદાહરણરૂપે વાત કરીએ તો પંખામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધાની ઘટનામાં ખરેખર માનવ શરીરનો વજન ઝીલી લેવાની પંખાની અને દોરડાંની ક્ષમતા હતી કે કેમ? તેની ચકાસણી અહીં થતી હોય છે.

દસ્તાવેજમાં કરેલી સહી સાચી કે બોગસ?: એફએસએલના રિપોર્ટ પરથી જ મળે છે તારણ

હાલના સમયમાં શરીર સંબંધી ગુન્હાની સાપેક્ષે મિલકત સંબંધી ગુન્હાઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે ત્યારે દસ્તાવેજ સાચો છે કે ખોટો? બોગસ દસ્તાવેજનું વિશ્લેષણ, દસ્તાવેજમાં કરાયેલી સહી બોગસ છે કે કેમ? આ તમામ બાબતોની ચકાસણી પણ એફએસએલ વિભાગ કરતું હોય છે અને ત્યારબાદ રિપોર્ટ આગળ સબમીટ કરાતો હોય છે જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

એફએસએલ-રાજકોટની કચેરી દર મહિને સરેરાશ 250થી વધુ ગુન્હા સ્થળની કરે છે મુલાકાત !!

એફએસએલ-રાજકોટની કચેરી હેઠળ કુલ 8 જિલ્લાનો કાર્યક્ષેત્ર છે ત્યારે જાણવા મળતી વિગતો મુજબ ફક્ત રાજકોટ શહેરમાં જ દર મહિને 30 થી 40 જેટલા ગુન્હા સ્થળની તપાસ કરવામાં આવે છે. ઉપરાંત રાજકોટ ગ્રામ્યમાં દર મહિને સરેરાશ 40 થી 50 ગુન્હા સ્થળની મુલાકાત લેવામાં આવે છે.

રાજકોટની કચેરી ઝંખે છે ડીએનએ અને સાયબર લેબોરેટરી !!!

હાલ રાજકોટની કચેરી ખાતે 7 વિભાગો કાર્યરત છે ત્યારે હવે ફક્ત ડીએનએ અને સાયબર લેબોરેટરીની જ કમી છે. જો રાજકોટની કચેરીને આ બે મહત્વપુર્ણ લેબોરેટરી મળી જાય તો આ કચેરી પણ ગાંધીનગર અને સુરતની સમકક્ષ થઈ જશે. જો કે, આ અંગે દરખાસ્ત પણ મૂકી દેવામાં આવી છે હવે મંજૂરી મળે તેની રાહ છે.  આ બે લેબોરેટરી મંજુર લરી દેવામાં આવે તો મોબાઈલ ક્લિપિંગ, કોમ્પ્યુટર, ઓનલાઈન છેતરપિંડી સહિતના વિશ્લેષણ પણ રાજકોટની કચેરીથી થઈ શકશે. ઉપરાંત દુષ્કર્મ અને પોકસોના કેસોમાં સિમેન્સ મેચ કરવા સહિતના રિપોર્ટ માટે ચેક અમદાવાદ-ગાંધીનગર સુધી લાંબુ થવું નહીં પડે.

મુન્દ્રા બંદરેથી ઝડપાયેલા 21 હજાર કરોડના ડ્રગ્સ પ્રકરણમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ કરી હતી મહત્વપુર્ણ કામગીરી

જ્યારે કોઈ પણ નાર્કોટિક્સને લગતું પદાર્થ પકડવામાં આવે છે ત્યારે પ્રથમ તો તે પદાર્થની ઓળખ માટે એફએસએલની મદદ લેવામાં આવતી હોય છે. ત્યારબાદ તેમાં ક્યાં દ્રવ્યનો કેટલો જથ્થો હાજર છે તે સહિતનો રિપોર્ટ પણ વિશ્લેષણ કરીને એફએસએલ વિભાગ આપે છે. મુન્દ્રા બંદરેથી ઝડપાયેલા રૂ. 21 હજાર કરોડના ડ્રગ્સ પ્રકરણમાં રાજકોટની કચેરીએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.

પ્રોહીબિશનના ગુન્હામાં એફએસએલની ભૂમિકા ચાવીરૂપ

જ્યારે પણ પોલીસ ખાતા દ્વારા પ્રોહીબિશનનો કેસ દાખલ કરવામાં આવે ત્યારે ઝબ્બે મુદ્દામાલમાં આલ્કોહોલની માત્રા છે કે નહીં તેની ચકાસણી એફએસએલ વિભાગ કરતું હોય છે જેના આધારે રિપોર્ટ તૈયાર કરીને કેસ કરવામાં આવતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.