• થોડાક માટે રહી ગયા
  • આંખમાં આંસુ દેખાતા નથી પણ હૃદય રડે છે: આણંદમાં સી.આર.પાટીલે ફરી અફસોસ વ્યકત કર્યો

ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં રાજયની તમામ 182 બેઠકો  જીતવાનો  લક્ષ્યાંક  રાખવા છતા માત્ર થોડી બેઠકો માટે આ ટારગેટ પૂર્ણ ન  થતા ગુજરાત પ્રદેશ  ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ હજી ભારે દુ:ખી છે. આણંદ ખાતે  ગઈકાલે એક  કાર્યક્રમમાં  તેઓએ આ  અંગે ફરી એકવાર દુ:ખ વ્યક્ત કર્યું હતુ.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

આ તકે પ્રદેશ ભાજપ અધ્યક્ષે  જણાવ્યું હતુ કે  આજે સમગ્ર દેશ રામમય બન્યો છે અને ચિરાગભાઈ એ આ ઘરવાપસીનાં કાર્યક્રમને રામમંદિર સાથે જોડ્યો તેના માટે ખુબ ખૂબ અભિનંદન. ગુજરાતમાં વિકાસ થયો છે અને આ વિકાસમાં ખંભાત પાછળ નહિ રહી જાય તેની આપ સૌને હું ખાતરી આપું છું.

મેં 182 સીટનો સંકલ્પ કર્યો હતો કારણ કે મને આપ સૌ પર વિશ્વાસ હતો કે 182 સીટ લાવવાની આપ સૌની તાકાત છે. નેશનલ એક્ઝીક્યુટીવમાં કહ્યું હતું કે આંખમાં આંસુ દેખાતા નથી પરંતુ હૃદય રડે છે કારણ કે 156 આવી અને થોડાક માટે રહી ગયા. ઘણા લોકો ફાંકા મારતા હતા અને મુખ્યમંત્રી બનવાના સપના જોતા હતા.

તેઓએ વધુમાં જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સંકલ્પ કરે છે અને સંકલ્પબધ્ધ હોય છે. આજે ઉમેદવારોની જાહેરાત થયા પહેલા જ 26 એ 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આવું કાર્ય બીજે દેશમાં ક્યાય જોવા નહિ મળે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ રેકોર્ડ કરવા માટે ટેવાયેલો છે.

પાટીલએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન દેશના યુવાન, કિસાન, મહિલા અને ગરીબ માટે કામ કરવાનો સંકલ્પ કર્યો છે દેશના છેવાડાનાં માનવી સુધી તમામ યોજનાઓ પહોંચે અને દેશના વિકાસમાં ફાળો આપતા તમામ લોકોને તેમની જરૂરીયાત પૂરી થાય તે પ્રાકારના કાર્યો  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કર્યા છે. પહેલાની સરકારમાં સુત્ર આપવામાં આવ્યું હતું કે ગરીબી હટાવો પરંતુ ગરીબી ન હટી શકી અને પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી  એક પણ સુત્ર આપ્યા વગર 24 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા અને બાકીના લોકોને પણ ગરીબી માંથી બહાર લાવવવાનો સંકલ્પ કર્યો છે. આપણે સૌ એ સંકલ્પ કરવાનો છે અને  નરેન્દ્રભાઈ મોદીનાં હાથ મજબુત કરવાના છે. આજે મોદી અને અમિતભાઈ શાહ સાહેબ દેશમાં પ્રવાસ કરીને દેશને મજબુત કરવામાં લાગેલા છે આપણે પણ લોકસભામાં સંકલ્પ કરીને 5 લાખથી વધુની લીડથી 26 લોકસભાને વિજયી બનાવીએ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.