Abtak Media Google News

સોમનાથમાં કેશ ક્રેડીટ કેમ્પમાં લાભાર્થીઓને કુલ 1.76 કરોડના લાભોનું વિતરણ

રાજ્ય સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં શ્રીરામ મંદિર ઓડિટોરિયમ હોલ સોમનાથ ખાતે દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સ્વસહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ રૂ. 1,76,60,000 જેટલી રકમ કેશ ક્રેડિટ, રિવોલ્વિંગ ફંડ તથા કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ અંતર્ગત જિલ્લા ભરના સ્વસહાય જૂથોને ચૂકવવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાયના ચેક તેમજ શ્રેષ્ઠ કામગીરી કરતા સ્વસહાય જૂથોને સન્માનપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Credit Camp 9

આ તકે પોતાના ઉદ્બોધનમાં મંત્રી  બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, બહેનો એ દરેક પરિવારની કરોડરજ્જુ સમાન હોય છે. પરિવારને એકસૂત્રતાના તાંતણે બાંધવામાં બહેનો જ મહત્વની ભૂમિકા ભજવે છે. ગ્રામ પંચાયત થકી ગામડું સ્વનિર્ભર બને. ગામના નાગરિકો તેમજ ખાસ બહેનો આત્મનિર્ભર બને તેમજ ગામડામાં કૌશલ્યવિકાસ કેન્દ્રો, કૃષિ બજાર વિકાસ પામે તે ખુશીની વાત છે. ભારતીય સંસ્કૃતિમાં પરમાર્થની ભાવના વણાયેલી છે. જેને ધ્યાનમાં લઈને જ સરકાર વિવિધ જનસુખાકારીની યોજનાઓ ધ્યાનમાં રાખી વિકાસના પંથે આગળ વધી રહી છે.

આ પ્રસંગે સાંસદ   રાજેશભાઈ ચુડાસમાએ કહ્યું હતું કે, આ કેશ ક્રેડિટ કાર્યક્રમ જિલ્લાની બહેનોને કેમ્પ સાથે જોડી આત્મનિર્ભર કઈ રીતે બનાવી શકાય તે અંગે સહાય અને માહિતી આપતો કાર્યક્રમ છે.

જિલ્લા પંચાયત પ્રમુખ   રામીબહેન વાજાએ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ આપી કહ્યું હતું કે, જેમ ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય તે રીતે મહિલાઓ પણ સહાય હેઠળ સખીમંડળને વેગવંતુ બનાવી રહી છે. સરકારની ગંગા સ્વરુપા યોજના, યશોદા એવોર્ડ. પોષણ સુધા જેવી અનેક લોકોપયોગી યોજનાઓ થકી સરકાર હંમેશા ગરીબો અને વંચીતોની પડખે ઉભી રહી છે. એવું કહી તેમણે સરકારની યોજનાનો લાભ વધુમાં વધુ લોકો લે તેવી અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ  માનસિંહભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ   પિયુષભાઈ ફોફંડી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સીમાબહેન પાઠક, અગ્રણી  બચુભાઈ વાજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ જિલ્લા વિકાસ અધિકારી   રવિન્દ્ર ખતાલે, વેરાવળ તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિતના અધિકારીઓ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમ ને સુગમ્ય બનાવ્યો હતો. આ તકે શાબ્દિક પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એસ.જે.ખાચરે જ્યારે આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી   આર.સી.મકવાણાએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.