જાદુની દુનિયાનો સિતારો આથમી ગયો !!!

જાદુના ખેલ જોવાનો શોખ કોને ન હોય ? નાનાથી લઈને માટા સૌ કોઈને જાદુના ખેલ જોવાનો ભારે હરખ હોય જ. હવે થીયેટરોનો જમાનો આવ્યો. મોબાઈલની દુનીયા આવી પણ એક સમય એવો હતો કે જાદુના ખેલની કક્ષા સૌથી ઉપરી મનાતી હતી જોકે થીયેટરો અને મોબાઈલના અભરખા વચ્ચે પણ અનેક જાદુગરોએ પોતાની આગવી સુઝબુઝથી જાદુ કલાને જીવંત રાખી હતી. તેમાનું એક નામ એટલે કે.લાલ (જુ)એ વિશ્ર્વવિખ્યાત જાદુગર કે.લાલ કે જેઓનું સાચુ નામ કાંતિલાલ વોરા હતુ. તેઓ અમરેલીના બગસરા ગામના વતની હતા તેઓએ પોતાની જાદુની કલાથી સૌ કોઈને અભિભૂત કર્યા હતા. આજે પણ કે.લાલનું નામ સૌરાષ્ટ્રમાં ગૌરવભેર લેવાય છે. તેઓએ સૌરાષ્ટ્રને સમગ્ર વિશ્ર્વમાં ગૌરવ અપાવ્યું છે. તેઓનો શો હંમેશા હાઉસફૂલ જ રહેતો. એક શોમાં લોકો દંગ રહી જાય તેવા એકથી એક ચડે તેવા 300 કરતબો તેવો દેખાડતા હતા. આ કે.લાલનાં સુપુત્ર એટલે કે લાલ (જુ.) જેઓનું નામ હર્ષદરાય વોરા હતુ. મોરના ઈંડાને ચીતરવા ન પડે તેમ કે.લાલ (જુ.) પણ પોતાના પિતાની જેમજ પોતાની નામના રાજયનાં સીમાડા વટાવી દેશ-પરદેશ સુધી પ્રસરાવવામાં સફળ રહ્યા હતા. કે.લાલ (જુ.) સ્વભાવનાં એકદમ સરળ અને સૌમ્ય તેઓએ જાદુ કળાને જીવંત રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જોકે કુદરત સામે તેઓનો જાદુ ન ચાલ્યો અને તેઓને કોરોના ભરખી ગયો. આ કોરોનાએ જાદુના એક યુગનો પણ અસ્ત કરી નાખ્યો. કે.લાલ જુનિયર જાદુ-કળાનું એવું અસ્તિત્વ હતું કે હવે તેનું પુનરાવર્તન થવું અશકય જેવું છે. જાદુ કળાને અંદાજે પાંચ હજાર વર્ષ જુની માનવામાં આવે છે. આ કળાના વારસાને જાળવી રાખવામાં તેઓનો હિસ્સો અહમ હતો.