Abtak Media Google News

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોનો ભોગ લેવાની ઘટનામાં ઓરેવા કંપની તેમજ પાલિકાતંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી.જેને લઇ  હાઇકોર્ટ દ્વારા સુઓમોટો લેવાયા બાદ હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી કડક કાર્યવાહી બાબતે આદેશ આપતા જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહીની સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી. જે બાદ આજે રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને શા માટે સુપર સિડ ન કરવી તે માટે કારણ દર્શક નોટિસ ફટકારી છે.

નગરપાલિકાને શા માટે સુપરસિડ ન કરવી? રપમી સુધીમાં જવાબ આપવા તાકીદ: થોડા દિવસોમાં સાધારણ સભા મળે તેવી શકયતા

મળતી માહિતી અનુસાર, મોરબી નગરપાલિકાને રાજય સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને શા માટે સુપર સિડ ન કરવી તે માટે કારણ દર્શક નોટિસ ફટકારી છે. જેનો આગામી તા.25 જાન્યુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા નોટિસ અપાઈ છે ત્યારે હાઇકોર્ટ માં મોરબી ઝુલતા પુલ કેસ ની સુનાવણી હોય અને આજે મોરબી નગરપાલિકા ને નોટિસ ફટકારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થવા મામલે હાલમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો રીટ પિટિશન સંદર્ભે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કર્યા બાદ પ્રાદેશીક કમિશનર કચેરી દ્વારા રાજ્ય સરકારમાં મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા દરખાસ્ત પણ કરવામાં આવી હતી.

ત્યારબાદ આજે સરકારે નગરપાલિકાના પ્રમુખને પાલિકાને સુપરસિડ કરવા મામલે નોટિસ ફટકારી છે. સાધારણ સભામાં આ અંગે ચર્ચા કરી બાદમાં તા.25મી સુધીમાં જવાબ રજૂ કરવાનું પણ જણાવાયું છે. જેથી હવે પાલિકા તાકીદે સાધારણ સભા બોલાવે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.