Abtak Media Google News

જગતાત માટે 225 કરોડનું સહાય પેકેજ જાહેર કરાયુ: કમિટીનો અહેવાલ આવ્યા બાદ વધુ સહાય જાહેર કરવાની બાહેંધરી

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં રૂ.225 કરોડનું સહાય પેકેજ જાહેર કરાયું છે. ખેડૂતોના પ્રશ્ર્નો સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા એક કમિટીની રચના કરાશે. કમિટીના અહેવાલ બાદ રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું છે કે, ખેડૂતોનું કલ્યાણ એ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી જનહિતલક્ષી સરકારનો નિર્ધાર છે. ખેડૂત કલ્યાણના મંત્રને વરેલી  રાજ્ય સરકારે ખેડૂતના હિત માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે. કુદરતા આપદા હોય કે અન્ય આપત્તિ કાળમાં જ્યારે જ્યારે પણ ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે ત્યારે ખેડૂતોનું બાવડું પકડીને બેઠા કરવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે.

ગાંધીનગર ખાતે આરોગ્ય અને જળ સંપતિ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી  બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિગતો આપતા કહ્યું હતું કે, ભારતીય કિસાન સંઘ દ્વારા જે રજૂઆતો કરાઈ હતી તે તમામ રજૂઆતોને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે અને આ પ્રશ્નોના સત્વરે નિરાકરણ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ કમિટીમાં ભારતીય સંઘના બે અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સભ્ય તરીકે રહેશે. આ કમિટી રાજ્ય સરકારને રિપોર્ટ આપશે ત્યારબાદ ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે.

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે રૂપિયા 225 કરોડનું સહાય પેકેજ જાહેર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ખેડૂતોની માંગણી મુજબ હાલમાં 7.5 હોર્સપાવરના કનેક્શનનો ફિક્સ મીટર ચાર્જ રૂ. 20 લેખે વસૂલવામાં આવે છે, જેમાં 50 ટકા ઘટાડો કરીને 10 રૂપિયા ચાર્જ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી દર મહિનને 15 લાખ ખેડૂત પરિવારોને સીધો લાભ થશે. આ માટે રાજ્ય સરકારને રૂ. 225 કરોડનો બોજો પડશે.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ખેડૂતોની અન્ય માંગણીઓ જેવી કે,  દર બે મહિને બિલિંગ, સ્વૈચ્છિક લોડ વધારો વગેરેનો લાભ ખેડૂતોને મળશે. આ ઉપરાંત વીજ મીટર બળી જવાના કિસ્સામાં વીજકંપનીની જવાબદારી નક્કી કરાઈ છે. ચાલુ કનેક્શનની સિક્યુરીટી ડિપોઝીટમાં રૂ.300ના નજીવા ચાર્જ સાથે સીધી-આડી લીટીના વારસદારોને ટ્રાન્સફર કરી શકાશે. રાજ્યવ્યાપી કેટલાંક વિસ્તારોમાં ઓછા વોલ્ટેજની સમસ્યા ક્યારેક ઉદભવે છે તેનું સમાધાન કરવામાં આવશે. 100 કિલોવોટથી વધુ લોડ ધરાવતા ખેડૂતોને 200 કેવીનું ટીસી (ટ્રાન્સફોર્મર) ખેતીવાડીના ભાવે મંજૂર કરાશે.

ખેડૂતોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે મંત્રીએ જણાવ્યું હતું કે, મટીરીયલની એકસાથે ઉદભવતી માંગના કિસ્સામાં સમયસર મટીરિયલ જે-તે વીજકંપની પાસે ઉપલબ્ધ હોય તેવી હાલની વ્યવસ્થા વધુ મજબૂત કરાશે. ઔદ્યોગિક એકમો અને ખેતીના વીજજોડાણોને એકબીજાના ભોગે અસર ન થાય તેવી સુચારું વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. ખાનગી કૃષિ યુનિવર્સિટીઓનું કડક રીતે દેખરેખ અને મૂલ્યાંકન કરવામાં આવશે. ડાર્ક ઝોનમાં આવતા 36 તાલુકાઓમાં ડ્રીપ ઇરિગેશન માટે ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે લાભ આપાશે, જે અન્વયે 85 ટકા જેટલો જીએસટી સરકાર ભોગવશે. પશુપાલકોના હિતમાં તબેલાના કનેક્શનમાં કોમર્શિયલ ભાવ ન ગણતા રાહત દરે વીજળી આપવા અંગેનો પ્રશ્ન કમિટિ સમક્ષ મૂકવામાં આવશે. ટ્રેક્ટર-ટ્રોલી જેવા કૃષિ સાધનો પરના ટેક્સમાં સુધારા અંગે વાહન વ્યવહાર તથા અન્ય સંબંધિત વિભાગો સાથે સરકાર મુક્તમને વિચારણા કરશે.

મંત્રીએ ખેડૂતોના અન્ય પડતર પ્રશ્નો અંગે જણાવ્યું હતું કે,  વર્ષ 2019-20ના પાક વીમા ચુકવણી અંગેનો મુદ્દે કોર્ટમાં ચાલી રહેલા કેસ અંગે સરકાર સકારાત્મક વિચારણા કરશે. તેમજ રિ-સરવે અંગેની ખેડૂતોની રજૂઆતો અન્વયે મહેસૂલ વિભાગ દ્વારા કામગીરી હાલ પ્રગતિમાં છે.

મંત્રીએ ભારતીય કિસાન સંઘ મારફતે  ખેડૂતોની જૂની માંગણી બાબતે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, મીટર, હોર્સપાવર, સમાન વીજદર જેવી ખેડૂતોની માંગણીના મુદ્દે રાજ્ય સરકાર ભારતીય કિસાન સંઘના બે હોદ્દેદારો તેમજ સરકારના વિવિધ વિભાગોના સચિવો સહિતની એક કમિટિ બનાવશે. આ અંગે કમિટિના અવલોકનો બાદ સરકાર હકારાત્મક અને ખેડૂતલક્ષી યોગ્ય નિર્ણયો કરશે.

પ્રવક્તા મંત્રી ઉમેર્યું કે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો સંદર્ભે જે ધરણા ચાલી રહ્યાં હતાં તે સંદર્ભે ખેડૂત આગેવાનો સાથે અનેકવાર બેઠકો રાજ્ય સરકારે કરી છે અને આજે પણ તેઓના આગેવાનો સાથે બેઠક કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે આ સહાય પેકેજ જાહેર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતોના આગેવાનો દ્વારા પણ આ અંગે સંતોષ વ્યક્ત કરીને તેમના ધારણાનો કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.