નાના-મોટા ઉદ્યોગોને ગુજરાતમાં લાવવા રાજય સરકાર ટૂંકમાં નવી પોલીસી લાવશે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શહેર અને જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો

અબતક, રાજકોટ

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શહેર ભાજપ અને  જિલ્લા ભાજપના કાર્યકર્તા સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો . આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે આજના ભવ્ય રોડ – શો અને સ્વાગત કાર્યક્રમમાં લોકોએ પ્રેમ – સ્નેહ વરસાવેલ છે.

આ તકે શહેર ભાજપના હોદેદારો , જિલ્લા ભાજપના હોદેદારો , રાજકોટ મહાનગરપાલિકાના હોદેદારો અને જીલ્લા પંચાયતના હોદેદારોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ફુલહારથી ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું . આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યકર્તાઓને સંગઠનની વિવિધ જવાબદારી અને કામગીરી સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપીને રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપીને તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું .

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવેલ કે ગુજરાતમાં નાનામોટા ઉદ્યોગો આવે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે . આ માટે રાજય સરકાર પોલીસી લાવી રહી છે. અને આ પોલીસ વાઈબ્રન્ટ સમિટ પહેલા લાવવા માંગી છીએ . અને રાજય સરકાર નાના ઉદ્યોગોના એકમોને પ્રોત્સાહન આપશે . તેણે વધુમાં જણાવેલ કે રાજય સરકાર પ્રાકૃતીક ખેતીને પ્રોત્સાહન આપે છે અને ખેડુતોએ પ્રાકૃતીક ખેતી પધ્ધતી તરફ વળવુ જોઈએ . ખેતીમાં રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગથી માનવી બીમારીનો ભોગ બને છે.પ્રાકૃતીક ખેતી અપનવવાથી ખાતરમાં અપાતી સબસીડીની રકમ પણ બચશે . તેમણે આ તકે સૌર ઉર્જા ને પવન ઉર્જા તરફ વળવા પણ અનુરોધ કર્યો હતો .તેમણે કાર્યકર્તાઓનું માન સન્માન જળવાય, લોકોનું કામ લઈને આવે અને એ કામ નિયમ મુજબ હોય તો તે કામ થાય છે કે નહીં તેની તકેદારી રાખવા જણાવ્યું હતું . આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દરેક ઉમેદવાર ચૂંટાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું અને રાજયની 182 ની સીટ પર કમળ ખીલે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો .

આ બેઠકમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી , ગ્રામ વિકાસ મંત્રી અર્જુનભાઈ ચૌહાણ , વાહન વ્યવહાર રાજય મંત્રી અરવીંદભાઈ રૈયાણી , સાંસદોહો મોહનભાઈ કુંડારીયા , રામભાઈ મોકરીયા , રાજકોટ શહેર સંગઠનના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર , શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા , ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ , લાખાભાઈ સાગઠીયા , કુવરજીભાઈ બાવળીયા , જયેશભાઈ રાદડીયા , મેયર ડો . પ્રદિપભાઈ ડવ , સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી નિતીન ભારઘ્વાજ , રાજકોટ જિલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા , શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી , કીશોર રાઠોડ , નરેન્દ્રસિંહ ઠાકુર , જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી , નાગદાનભાઈ ચાવડા , મનીષ ચાંગેલા , સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ સહીતના ઉપસ્થિત રહયા હતા .

આ તકે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તેમના વકતવ્યમાં ચાર માસ દરમ્યાન રાજય સરકારે કરેલ કામગીરીની સિધ્ધીઓ વર્ણવી હતી . તેમણે રાજકોટના ભાજપના કાર્યકર્તાઓની કાર્યશૈલીના ખુબજ વખાણ કર્યા હતા . આજે ભવ્યાતિભવ્ય સ્વાગતના કાર્યક્રમનો સંદેશ રાજય અને દેશમાં પહોંચેલ છે .

આ બેઠકમાં મુખ્યમંત્રીને રાજકોટ શહેર ભાજપ , જીલ્લા ભાજપના હોદેદારો , વિવિધ મોરચા – સેલના હોદેદારો , મહાનગરપાલિકાના હોદ્દેદારો , કોર્પોરેટરો , જીલ્લા પંચાયતના સભ્યો અને હોદેદારો , જીલ્લા પંચાયત તાલુકા પંચાયતો અને નગરપાલિકાના સભ્ય , હોદેદારો અને રાજકોટ શહેરના 18 વોર્ડના પ્રમુખ મહામંત્રી , પ્રભારીઓએ તેમનો વ્યકતિગત પરીચય આપ્યો હતો .

આ કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ અને અંતમાં આભાર વિધિ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ કરેલ.