ભાજપમાંથી ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકર્તાઓને પ્રદેશ નિરિક્ષકો સાંભળશે

  • ભાજપના વિધાનસભા નિરિક્ષકો 27મીથી ત્રણ દિવસ કરશે તમામ જિલ્લાઓનો પ્રવાસ
  • નિરિક્ષકોની ટીમ પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ, મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ચૂંટાયેલા સભ્યો અને ઉમેદવારી કરવા ઇચ્છુક કાર્યકર્તાઓને મળશે: પ્રવાસ બાદ વિધાનસભા વાઇઝ વિસ્તૃત અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાશે
  • દિવાળી પછી વિધાનસભાની તમામ 182 બેઠકો પર ભાજપનું વિરાટ સ્નેહમિલન: ખૂદ વડાપ્રધાન કાર્યકરોને વર્ચ્યૂઅલ સંબોધન કરશે: જે.પી.નડ્ડા અને અમિત શાહ પણ જોડાશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન દિવાળીના તહેવાર પૂર્ણ થતાની સાથે જ કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાઇ રહી છે. સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આગામી 27 થી 29 ઓક્ટોબર દરમિયાન પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વિધાનસભાના નિરિક્ષકો તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરશે અને ભાજપના પ્રતિક પરથી ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકર્તાઓને રૂબરૂ મળી તેઓને સાંભળશે. દરમિયાન 1લી નવેમ્બરના રોજ વિધાનસભાની તમામ 182 બેઠકો પર સ્નેહમિલનના કાર્યક્રમ યોજાશે. જેમાં ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યૂઅલી જોડાશે અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા દ્વારા આજે જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વિધાનસભા નિરિક્ષકો આગામી 27, 28 અને 29 ઓક્ટોબરના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરશે. આ નિરિક્ષકોની ટીમ દરેક જિલ્લાઓમાં વસતા પ્રદેશના પદાધિકારીઓ ઉપરાંત જે-તે જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ, મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતા કાર્યકર્તાઓને મળશે આટલું જ નહિં ભાજપના પ્રતિક એવા કમળ પરથી ચૂંટણી લડવા ઇચ્છુક તમામ કાર્યકરો અને આગેવાનોને મળી તેઓ રૂબરૂ સાંભળશે. ત્રણ દિવસનો જિલ્લા કક્ષાનો પ્રવાસ પૂર્ણ થયા બાદ વિધાનસભાના નિરિક્ષકો દ્વારા તમામ 182 વિધાનસભા બેઠકો માટેનો વિસ્તૃત અહેવાલ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી સમક્ષ રજૂ કરવામાં આવશે.

સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખની ઘોષણા કરી દેવામાં આવશે. ત્યારે કાર્યકરોમાં ચૂંટણીનો માહોલ સર્જવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં જાહેર સભા સંબોધી રહ્યા છે. દરમિયાન આગામી 1લી નવેમ્બરના રોજ ભાજપ દ્વારા તમામ 182 બેઠકો પર વિરાટ સ્નેહમિલન યોજાશે. જેમાં ખૂદ વડાપ્રધાન વર્ચ્યૂઅલ સંબોધન કરે તેવી સંભાવના જણાઇ રહી છે. આ સંમેલનમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ જોડાશે. ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અલગ-અલગ ચૂંટણીલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સંભવત: 1 અથવા 2 નવેમ્બરે મોડામાં મોડી વિધાનસભાની ચૂંટણીની તારીખનું એલાન કરી દેવામાં આવે તેવું દેખાઇ રહ્યું છે.