શેરબજાર પડીને પાદર: 1450થી વધુ પોઇન્ટનો તોતીંગ કડાકો

નિફ્ટીમાં પણ 430થી વધુ પોઇન્ટનું ગાબડું

ડિસેમ્બર સુધી બજારમાં મંદીના વાદળો ઘેરાયેલા રહેશે

ભારે વેચવાલીના કારણે આજે ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે મંદીનો કડાકો બોલી ગયો હતો. ઉઘડતી બજારે સેન્સેક્સમાં 1200 અને નિફ્ટીમાં 350થી વધુ પોઇન્ટનો ઘટાડો નોંધાતા રોકાણ કારોની રાડ બોલી ગઇ હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ તૂટ્યો હતો. ડિસેમ્બર માસના અંત સુધી બજારમાં મંદીના વાદળો ઘેરાયેલા રહેશે.

સપ્તાહના પ્રથમ દિવસથી શરૂ થયેલી મંદી આજે સપ્તાહના અંતિમ દિવસે પણ જારી રહ્યા પામી હતી. આજે ઉઘડતી બજારે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સો પડીને પાદર થઇ જવા પામ્યા હતા. સેન્સેક્સે ઇન્ટ્રા-ડેમાં 58 હજારની સપાટી તોડતા રોકાણ કારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બંબાટ તેજીમાં જે રીતે સેન્સેક્સ 62 હજારને પાર થઇ ગયો હતો આવી જ ગતિથી સેન્સેક્સ પટકાઇ રહ્યો છે.

આજે ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 57420.29ની નીચલી સપાટીએ જ્યારે નિફ્ટી 17123.55 ની લોએસ્ટ સપાટીએ પહોંચી જવા પામી હતી. વેચવાલીનું દબાણ વધવાના કારણે બજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે. બેન્ક નિફ્ટી અને નિફ્ટી મીડકેપ-100માં પણ તોતીંગ કડાકા બોલી ગયા છે. આજ શેરબજારમાં ભારેખમ મંદી વચ્ચે પણ સીટલા, ડો.રેડ્ડીઝ લેબ, ડેવીસ લેબ અને બ્રિટાનિયા જેવી કંપનીના શેરોના ભાવમાં 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ટાટા મોટર્સ, ઓએનજીસી, હિન્દાલ્કો અને બજાજ ફિનસર્વના ભાવ મુખ્ય હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તૂટ્યો હતો.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 1359 પોઇન્ટના ઘટાડા સાથે 57435 નિફ્ટી 401 પોઇન્ટના ઘટાડા સાથે 17134 ઉપર કામકાજ કરી રહ્યાં છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 13 પૈસાની નબળાઇ સાથે 73.64 પર ટ્રેડ કરી રહ્યો છે.