Abtak Media Google News

નવાબ વિરૂદ્ધ લોકોએ ભારે બળવો પોકાર્યો: પરિણામસ્વરૂપ પોતાની અમુક પત્નીઓ અને કૂતરાને લઈને નવાબ પાકિસ્તાન છૂમંતર થઈ ગયા

મિત્રો અથવા સગા-સંબંધીઓમાંથી કોઇ એકાદ વ્યક્તિને પણ અગર નારાજગી હોય તો એને મનાવવાનું કામ કેટલું ભયંકર લાગે છે એની કલ્પના સૌને છે! એમાં આ તો રાજા-રજવાડાની વાત! પોતાની તમામ સુખ-સવલતો અને સત્તાનો ત્યાગ કરી પોતાનું રાજ્ય સરકારને સોંપી દો એવું કહેવા માટે સૌપ્રથમ લોખંડી મનોબળ અને સ્પષ્ટ વિચારધારા જોઇએ. વલ્લભભાઈ એનું નામ! જેનાં કર્મોએ એમને દેશનાં ‘સરદાર’ બનાવ્યા. ભારતનાં એ પહેલા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર.

સમય એવો હતો કે દેશનો લગભગ 48 ટકા વિસ્તાર રાજા-રજવાડાઓનાં શાસનથી ‘આચ્છાદિત’! જેમાં વસવાટ ધરાવનાર જનતાની ટકાવારી 28! બ્રિટિશ ઇન્ડિયાનો ભાગ ન હોવાને લીધે એમાંના અમુક તો એકદમ અલ્લડ અને પોતાનાં મનનું ધાર્યુ કરનારા હતાં. 1947નાં ‘ધ ઇન્ડિયન ઇન્ડિપેન્ડેન્સ એક્ટ’ હેઠળ બ્રિટિશ ગવર્નમેન્ટ દ્વારા તમામ રાજ્યોને પોતાની પસંદગી અનુસાર ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાઈ શકવાની છૂટછાટ આપવામાં આવી હતી.

એ માટે 500થી પણ વધુ રજવાડાઓને એક કરી નવા ભારતનો નકશો તૈયાર કરવો એ લોઢાનાં ચણા ચાવવા કરતાં પણ વધુ અઘરું કામ! પરંતુ સિંહનાં ગળે ઘંટ બાંધે કોણ? કેટલાય રાજાઓ તો રાહ જ જોઈ રહ્યા હતાં કે બ્રિટિશ ઇન્ડિયાનાં શાસનમાંથી મુક્ત થઈએ એટલે પોતાનાં રજવાડાને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરીને વર્લ્ડ-મેપ પર એને અલાયદું સ્થાન અપાવીએ, જેથી વંશનું નામ પણ ઉંચુ થઈ શકે! અનેક વિટંબણાઓ, રાજાઓનાં સ્વાભિમાન અને બ્રિટિશ ઇન્ડિયાનાં કાવાદાવા! અને એ વખતે સરદાર ચિત્રમાં આવ્યા.

દરેક રાજવી સાથે પર્સનલ મુલાકાત લઈ, એમની અંદરનાં દેશભક્તને જગાડવાનું કામ સરદારે કર્યુ. ફક્ત એટલું જ નહીં, જે પણ વ્યક્તિ એમની વાત સાથે સહમત ન થાય એ આખેઆખા રોયલ ફેમિલીને પુષ્કળ માત્રામાં ધનરાશિ આપીને મનાવવાનું કાર્ય પણ એમણે કર્યુ. મોટાભાગનાં કિસ્સાઓમાં કામ બની જતું. રાજાઓએ પોતાનાં મહેલો, દર-દાગીના, જાગીર, ગામડા સહિત તમામ ધનદૌલત દેશને નામ ન્યોછાવર કરી આપી. ભારત સરકારને 12,000 માઇલ્સ લાંબી રેલ્વે-સિસ્ટમ પણ મળી ગઈ. 15 ઓગસ્ટ, 1947 સુધીમાં રજવાડાઓને એક કરવાની પ્રક્રિયા લગભગ પૂરી થઈ ચૂકી હતી. એમ છતાં અંતરાય બનીને ઉભા હતાં જોધપુર, પિપલોડા, હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢ!

પિપલોડાની સમસ્યા એટલી લાંબી ચાલી કે માર્ચ, 1948 સુધી ભારત સાથે એનું સંધાન ન થયું. હવે વારો આવ્યો, જોધપુરનો! હૈદરાબાદ અને કાશ્મીરે તો સ્વતંત્ર રહેવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો. જોધપુર હવે જૂનાગઢ સાથે મળીને પાકિસ્તાનમાં જોડાઈ જવાનો વિચાર કરતું હતું, કારણકે એમને પાકિસ્તાન તરફથી ઘણી લોભામણી લાલચો મળી રહી હતી!

જૂન, 1947માં મહારાજા હનવંતસિંહ જોધપુરનાં રાજસિંહાસન પર બિરાજ્યા. એમનાં પૂર્વસૂર્યો દ્વારા ભારત સાથે જોડાવાનાં નિર્ણયનો અનાદર કરીને એમણે પાકિસ્તાન સાથે ડીલ કરવાની કોશિશ કરી. મોહમ્મદ અલી ઝીણા સાથે વાટાઘાટમાં ઉતરીને એમણે પોતાની માંગણીઓ મૂકવાની શરૂ કરી. કહેવાય છે કે, મોહમ્મદ અલી ઝીણાએ એમને પોતાનાં હસ્તાક્ષર કરેલો એક કોરો કાગળ આપ્યો હતો, જેમાં મહારાજા હનવંતસિંહને ઇચ્છા થાય એ પ્રમાણેની માંગણીઓ લખવાની છૂટ આપવામાં આવી હતી. મોહમ્મદ અલી ઝીણા આંખ બંધ કરીને એમની તમામ ઇચ્છાઓ પૂરી કરવા માટે તૈયાર હતાં!

કરાચી પોર્ટ પર ફ્રી એક્સેસથી માંડીને હથિયારોનાં મેન્યુફેક્ચરિંગ તેમજ આયાત માટેની તમામ શરતો એ કાગળ પર લખવામાં આવી. બોર્ડર નજીક આવેલા જોધપુર વિશે સરદાર ખાસ્સા ચિંતિત થઈ ગયા. તુરંત એમણે હનવંતસિંહ સાથે મીટિંગ ગોઠવી. વાતચીત દરમિયાન મહારાજાને સમજાયું કે પાકિસ્તાન સાથેનો સોદો તો સાવ ખોટનો છે! એનાં કરતાં ભારત સાથે જોડાઈ જવું સારું. મોહમ્મદ અલી ઝીણાનાં બ્લેન્ક ચેકની અવગણના કરીને જોધપુર ભારત સાથે જોડાઈ ગયું. ધિસ વોઝ ધ પાવર ઓફ સરદાર!

જોધપુર સમસ્યાનો ઉકેલ આવ્યો ત્યાં સુધીમાં બીજો માથાનો દુ:ખાવો બની ચૂક્યું હતું, જૂનાગઢ! 80 ટકા હિંદુ વસ્તી સાથે ઉભું થયેલા આ શહેરનો રાજવી પોતે મુસ્લિમ શાસક. 15 સપ્ટેમ્બર, 1947નાં રોજ એણે નિર્ણય કર્યો કે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડી દઈએ! શહેરનાં કેટલાય ભાગોમાં દંગલ ફાટી નીકળવા જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ. નવાબ વિરૂદ્ધ લોકોએ ભારે બળવો પોકાર્યો. પરિણામસ્વરૂપ, પોતાની અમુક પત્નીઓ અને કૂતરાને લઈને નવાબ પાકિસ્તાન છૂમંતર થઈ ગયા.

સરદાર પટેલે પાકિસ્તાનને વિનંતી કરી કે જૂનાગઢ સાથે જોડાવાનાં એમનાં આગ્રહને પડતો મૂકીને એની માલિકી ભારત સરકારનાં હસ્તક સોંપી દે. પરંતુ પાકિસ્તાન એકનું બે ન થયું. સરદાર પાસે પણ અન્ય કોઇ વિકલ્પ શેષ ન બચતાં એમણે 1 નવેમ્બર, 1947નાં રોજ ઇન્ડિયન આર્મીને ત્યાં મોકલી આપી. નોંધનીય બાબત તો એ હતી કે જૂનાગઢનાં 99 ટકા લોકો એવું ઇચ્છતાં હતાં કે એમનું શહેર પાકિસ્તાન સાથે ન જોડાઈને ભારતનો હિસ્સો બને!

અફઘાનિસ્તાન, તિબેટ અને ચીનની બોર્ડર સાથે જોડાયેલા કાશ્મીરનો કેસ તો વળી આનાથી પણ વધુ કોમ્પ્લિકેટેડ! ધરતીનાં સ્વર્ગ સમા કાશ્મીરને પોતાની સાથે સમાવી લેવાનાં હેતુસર પ્રવૃત્ત બનેલા પાકિસ્તાનથી સરદાર બિલકુલ અજાણ નહોતાં. ત્યાં પણ તાત્કાલિક ધોરણે નિર્ણયો લેવામાં આવ્યા. 22 ઓક્ટોબર, 1947નાં દિવસે 5000 પાકિસ્તાની લશ્કર સાથેની આર્મીએ કાશ્મીરને હડપવાની કોશિશ કરી. બે દિવસ બાદ, મહારાજા હરિસિંહે ભારતને મિલિટરી હેલ્પ ઓફર કરી. 26 ઓક્ટોબરે જમ્મુનાં આ મહારાજા પાસેથી ઓફિશિયલી ભારત સાથે જોડાવા માટેની મંજૂરી લઈ લેવામાં આવી.

નેહરૂ, સરદાર અને ડિફેન્સ મિનિસ્ટર બલદેવ સિંહની કુનેહને લીધે જમ્મુ પાકિસ્તાનનાં હાથોમાં જતાં બચી ગયું.હૈદરાબાદ કેસમાં, ત્યાંના નિઝામને નાથવો હવે મુશ્કેલ લાગી રહ્યો હતો. દિવસે ને દિવસે એનાં લશ્કરનું બળ વધતું જતું હતું. યુરોપથી મંગાવવામાં આવતાં હથિયારો એમનાં પ્રભાવને સતત વધારી રહ્યા હતાં. સરદારની વિનંતીઓ અને ધમકીઓએ નિઝામ પર કોઇ અસર ન દેખાડ્યો,. અંતે, 17 સપ્ટેમ્બર 1948નાં દિવસે ‘ઓપરેશન પોલો’ હેઠળ હૈદરાબાદ ખાતે ઇન્ડિયન ફોર્સ દ્વારા ચડાઈ કરવામાં આવી. ચારેક દિવસ સુધી ચાલેલા ઘર્ષણ બાદ નિઝામે ઘૂંટણ ટેકવ્યા અને હૈદરાબાદને ભારત સાથે જોડાવાની મંજૂરી આપી દીધી. આઝાદીનાં 13 મહિના બાદ ભારત ખરા અર્થમાં સ્વતંત્ર બન્યું!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.