ગુજરાતના યુવાનોની તાકાત….એક હાંકલ પડીને અમરેલીના 400 યુવકોએ પળવારમાં ‘અજવાળું’ પાથર્યું

અબતક, રાજકોટ : તાઉતે વાવાઝોડાએ પીજીવીસીએલને ભારે નુકસાન પહોંચાડ્યા બાદ હજુ સુધી સમારકામ ચાલી રહ્યું છે. પીજીવીસીએલે પોતાની હજારો કર્મચારીઓની ફૌજ કામે લગાડી છે પણ નુકસાન એટલુ મોટું હોય આ કામ લાંબો સમય સુધી ચાલે તેમ છે. જો કે પરિસ્થિતિની ગંભીરતા સમજીને અમરેલી વિસ્તારમાં યુવાનો પીજીવીસીએલના કર્મચારીઓની મદદે આવ્યા છે. તેઓએ 400 જેટલા વીજપોલ ઉભા કરાવ્યા છે.

સાથી હાથ બઢાના…

યુવાનો હોંશભેર વીજકર્મી સાથે મળી શ્રમદાન કરીને વીજ પોલ ઉભા કરે છે

અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી ફીડરોને ભારે નુકસાન પહોંચ્યું હોય ઉપરથી કર્મચારીઓની શોર્ટેજ હોય તેવામાં પરિસ્થિતિનો તાગ મેળવી ગામના 400 જેટલા યુવાનો આગળ આવ્યા છે. તેઓ દિવસ રાત વીજ કર્મચારીઓ સાથે રહીને સમારકામમાં મદદ કરી રહ્યા છે. યુવાનોએ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં 65 વીજ પોલ ઉભા કરીને તેને ઠીક કરાવ્યા છે. જેનાથી 400 જેટલા વીજ કનેક્શનોમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો છે.

ગામના યુવાન સંજય ખૂટે આ અંગે જણાવ્યું કે તેઓએ 40 લોકોની એક ટીમ બનાવી છે. તેઓએ 5 દિવસમાં 400 વીજ પોલ ઉભા કરવાનું આયોજન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસુ માથે છે. તેવામાં ચોમાસા પૂર્વે ખેતીવાડી ફીડરનું સમારકામ પૂરું થઈ જાય તેવા ગ્રામજનોએ પણ પ્રયાસો હાથ ધર્યા છે.