Abtak Media Google News
  • ધોરણ-10માં 3 વિષય અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવનાર હોવાથી પરીક્ષા 13 દિવસ સુધી ચાલશે

શિક્ષણ બોર્ડ દ્વારા 24 જૂનથી લેવામાં આવનારી ધોરણ-10ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 24 જૂનથી શરૂ થનારી પૂરક પરીક્ષા 6 જુલાઈના રોજ પૂર્ણ થશે. આ વખતે ધોરણ-12 સાયન્સમાં તમામ વિષય, ધોરણ-10માં 3 વિષય અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવનાર હોવાથી પરીક્ષા 13 દિવસ સુધી ચાલશે. અગાઉ પૂરક પરીક્ષા 3 દિવસમાં પૂર્ણ થતી હતી. ધોરણ-12 સાયન્સની પરીક્ષા 3 જુલાઈના રોજ, ધોરણ-10ની પરીક્ષા 4 જુલાઈના રોજ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 6 જુલાઈના રોજ પૂર્ણ થશે. પૂરક પરીક્ષા માટે રાજ્યના 2.26 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાના પરિણામમાં 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ આ વખતે પૂરક પરીક્ષા આપી શકે તેવો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી ધોરણ-10માં એક અથવા બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની જ પૂરક પરીક્ષા લેવાતી હતી, પરંતુ પૂરક પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલા ધરખમ ફેરફારને પગલે આ વખતે 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું. ધોરણ-10ની પૂરક પરીક્ષા માટે 15 મેથી પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 23 મે સુધી વિદ્યાર્થીઓના ફોર્મ બોર્ડ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાંથી ધોરણ-10ના 1,35,837 વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં અત્યાર સુધી એક જ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાતી હતી. તેના બદલે આ વખતથી સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે 56061 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જ્યારે ધોરણ-12 સાયન્સમાં ગમે તેટલા વિષયમાં નાપાસ હોય અથવા તો પાસ થયા હોય અને પરિણામ સુધારવા માંગતા હોય તેઓ પણ પૂરક પરીક્ષા આપી શકે તેવો નિર્ણય લેવાયો હતો. જેના પગલે સાયન્સમાં 34 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. જેમાં 8 હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા બાદ પરિણામ સુધારવા પરીક્ષા આપી રહ્યા છે. આમ, કુલ 2.26 લાખ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અનુસાર 24 જૂનથી પૂરક પરીક્ષાનો પ્રારંભ થશે અને 6 જુલાઈના રોજ પરીક્ષા પૂર્ણ થશે. ધોરણ-10ની પરીક્ષા સવારના સેશનમાં ધોરણ-12 સાયન્સની પરીક્ષા બપોરના સેશનમાં લેવાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં વિષયોની સંખ્યા વધુ હોવાથી સવાર અને બપોર એમ બંને સેશનમાં પરીક્ષા ગોઠવવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.