Abtak Media Google News

પટેલ યુવાને ભરવાડ યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા રોષે ભરાયેલા યુવતીના પરિવારે ઘંટેશ્ર્વર પાસે લઇ જઇ ધોકા, પાઇપ અને લાકડીથી મારી જલદ પ્રવાહી છાંટી સળગાવવા કરાયો પ્રયાસ: બે શખ્સો પોલીસ સકંજામાં

સુરતના પટેલ યુવાને રાજકોટની ભરવાડ યુવતી સાથે 18 દિવસ પહેલાં પ્રેમ લગ્ન કરી યુવતીના પરિવારથી બચવા સુરતના કામરેજ વિસ્તારમાં છુપાયા હોવાની યુવતીના મામાને મળેલી માહિતીના આધારે પ્રેમ લગ્ન કરનાર દંપત્તીનું નવ જેટલા શખ્સો બળજબરીથી કારમાં અપહરણ કરી ઘંટેશ્ર્વર પાસે લઇ જઇ ધોકા, પાઇપ અને લાકડીથી માર મારી જલદ પ્રવાહી છાટી સળગાવી દેવાનો પ્રયાસ કરી કોરા સ્ટેમ્પ પેપરમાં સહી કરાવી યુવતીને પોતાની સાથે લઇ ગયા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બે શખ્સોને સકંજામાં લઇ અન્ય શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

આ અંગેની પોલીસમાથી પ્રાપ્ત વિગત મુજબ સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા યોગેશભાઇ રામજીભાઇ ભૂત નામના 22 વર્ષના પટેલ યુવાન અને તેની પત્ની મિતલબેન પોતાના ઘરે હતા ત્યારે રાજકોટ આજી જીઆઇડીસી વિસ્તારમાં રહેતા મિતલબેનના મામા લાખાભાઇ બધા, ભુપત રાજુ ભરવાડ, જીવણ લખમણ ભરવાડ, સજંય ભરવાડ અને પાંચ અજાણ્યા શખ્સોએ સુરતથી આઇ-20 કારમાં અપહરણ કરી વડોદરા લાવી ત્યાંથી બંનેને સ્વીફટ કારમાં રાજકોટના ઘંટેશ્ર્વર પાસે લાવી માર મારી છુટાછેડાના લખાણ કરવા માટે પાઇપ અને ધોકા મારી જલદ પ્રવાહી છાટી સળગાવવા પ્રયાસ કર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બે ભરવાડ શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.

યોગેશભાઇ ભૂત રાજકોટના આજી જીઆઇડીસી વિસ્તારમાં અમન ઓર્નામેન્ટ નામના કારખાનામાં કામ કરતો હતો ત્યારે ત્યાં કારખાને કામે આવતી મિતલબેન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

યોગેશ ભૂત અને તેની પ્રેમિકા મિતલબેન ભરવાડ ગત ફેબ્રુઆરી માસમાં ભાગી ગયા હતા પરંતુ મિતલબેનના મામા અને પિતા સુરત કામરેજ પોલીસ મથકમાં સમાધાન કરી પરત લાવ્યા હતા.

મિતલ ભરવાડે ગત એપ્રિલ માસમાં પોતાના પ્રેમી યોગેશ ભૂતને ફોન કરી રાજકોટથી લઇ જવાનું જણાવતા યોગેશ ભૂત રાજકોટ આવી પ્રેમિકા મિતલબેન ભરવાડને રાજકોટથી જામનગરના નાઘેડી ગામે લઇ ગયા બાદ 18 દિવસ પહેલાં પ્રેમ લગ્ન કરી બંને સુરત કામરેજ ખાતે રહેવા જતા રહ્યા હતા.

યોગેશ ભૂત સાથે મિતલબેન ભરવાડે કરેલા લગ્ન યુવતીના પરિવારને મંજુર ન હોવાથી ગઇકાલે મિતલબેન ભરવાડના મામા સહિત નવ જેટલા શખ્સો કામરજે ગયા હતા અને ત્યાંથી બંનેને રાજકોટ ઘંટેશ્ર્વર પાસે લાવી ધોકા અને પાઇપથી માર મારી જલદ પ્રવાહી છાટી છુટાછેડા કરવા માટે કોરા સ્ટેમ્પ પેપર પર સહી કરાવી લીધી હતી. ઘવાયેલા યોગેશ ભૂતને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ બે શખ્સોની અટકાયત કરી લઇ અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.