મિલકતનું માલિકીપણું નકકી કરવાનો હક્ક તંત્રને નથી: સુપ્રીમ કોર્ટ

હક્કપત્રમાં દર્શાવેલ માલિક કાયદેસરના માલિક ન હોય તેવું પણ બની શકે છે: સુપ્રીમ

મિલકતની માલિકી માત્ર રેવન્યુ રેકર્ડ પરથી નક્કી કરી શકાય નહીં: જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ

સામાન્ય સંજોગોમાં જમીન/મિલકતને લગતા વેચાણ, ખરીદ તથા અન્ય વહેવાર રેવન્યૂ રેકર્ડ એટલે કે ૭:૧૨ તથા હક્કપત્રકને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે, રેવન્યૂ રેકર્ડ પર જે વ્યક્તિ માલિક તથા કબજેદાર દર્શાવ્યા હોય તેને માલિક કબજેદાર માની લઈ જમીનના વ્યવહાર તેવી વ્યક્તિ સાથે કરવામાં આવે છે, પરંતુ કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લેતાં ૭:૧૨ હકક પત્રક એટલે રેવન્યૂ રેકર્ડ પર જેઓના નામ માલિક/ કબજેદાર દર્શાવ્યા હોઈ તે કાયદેસરના માલિક/કબજેદાર ન પણ હોય અથવા તેઓની સાથે અન્ય વ્યક્તિ પણ સહમાલિક હોઈ શકે છે, અથવા જેઓના નામ ૭:૧૨/હક્કપત્રકમાં દર્શાવેલ હોય તેઓ માલિક/કબજેદાર ન હોતા અન્ય કોઈ વ્યક્તિ માલિક/કબજેદાર હોઈ શકે છે, આમ મિલકતની માલિકી માત્ર રેવન્યૂ રેકર્ડના આધારે નક્કી થઈ શકે નહીં.

સુપ્રીમનું અવલોકન : મિલકતનું માલિકીપણું નક્કી કરવાનો સ્વતંત્ર અધિકાર ફક્ત સિવિલ કોર્ટ પાસે

સામાન્ય રીતે મહેસૂલી અધિકારીઓ દરેક મિલકતના તબદીલીના વ્યવહારો મુજબના હક્ક પત્રકના રેવન્યૂ રેકર્ડમાં ફેરફારની નોંધ કરતા હોય છે, વારસાઈ, વેચાણ, બક્ષિશ, વહેંચણ વગેરે જેવા વ્યવહારો જે તે મિલકતના રેવન્યૂ રેકર્ડમાં સક્ષમ મહેસૂલી અધિકારી નોંધ કરતા હોય છે. પરંતુ માત્ર રેવન્યૂ રેકર્ડમાં થયેલ નોંધ મિલકતના એકલા અને સાચા માલિક હોવાનું કદાચ સાચું હોઇ શકે નહીં અને મિલકતમાં ટાઇટલ ક્લિયર છે કે કેમ તેવું પણ કહી શકાય નહીં. કોઈપણ મિલકતમાં રેવન્યૂ રેકર્ડમાં ગમે તે મતલબની નોંધ હોય તેમ છતાં મિલકતની માલિકીનો પ્રશ્ન હોય તો તે નક્કી કરવાની હકૂમત અને સત્તા માત્ર અને માત્ર સિવિલ કોર્ટને જ છે તેવું સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે.

રેવન્યૂ રેકર્ડની નોંધોનું મહત્ત્વ ફક્ત નાણાકીય વસૂલાતની સવલત રહે તે પૂરતી મર્યાદિત

જ્યારે કોઇ મિલકતની માલિકી અંગે સિવિલ કોર્ટમાં દાવો થાય ત્યારે તે મિલકત સંબંધી મહેસૂલ અધિકારી દ્વારા ગામ દફતરે નોંધાયેલ રેવન્યૂ રેકર્ડ સિવિલ દાવાના કામે આખરી એટલે કે અંતિમ પુરાવા નથી. સિવિલ કોર્ટના દાવાના કામમાં રેવન્યૂ રેકર્ડ બંધનકર્તા નથી. રેવન્યૂ રેકર્ડનો ઉપયોગ માત્ર નાણાકીય હેતુ માટે એટલે કે સરકાર દ્વારા મહેસૂલની રકમ વસૂલવા માટે જ કરાવામાં આવે છે અને તે મુજબની પરિસ્થિતિ સ્થાપિત થયેલી છે કે, રેવન્યૂ રેકર્ડની નોંધોનું મહત્ત્વ ફક્ત નાણાકીય વસૂલાતની સવલત રહે તે પૂરતી મર્યાદિત છે, અને તે કોઇ મિલકતમાં કોઈ હક્ક, અધિકાર કે ટાઈટલ ઉત્પન્ન કરતા નથી, કે તેનાથી કોઈના હક્ક, અધિકાર કે ટાઇટલ છીનવાઈ જતા નથી. મિલકતોમાંથી માલિકી રેવન્યૂ રેકર્ડમાં કરવામાં આવેલી નોંધના આધાર પર નક્કી કરી ન શકાય.

જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની ખંડપીઠનો મહત્વપૂર્ણ નિર્ણય

જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કર્ણાટક હાઈકોર્ટના તે નિર્ણયની વિરુદ્ધ ગ્રેટર બેંગ્લોર મેટ્રોપોલિટન પાલિકા દ્વારા દાખલ અપીલનો નિકાલ કરતી વખતે આ વાત કરી હતી, જેમાં અમુક પક્ષોના નામે સંપત્તિ પરિવર્તન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.  દલીલ એવી હતી કે, વિષયની મિલકતના સંદર્ભમાં એક શીર્ષક દાવો બાકી છે અને તેથી હાઇકોર્ટે પરિવર્તન માટેની દિશા જારી કરવી જોઈએ નહીં.

કોર્ટે કહ્યું કે હાઈકોર્ટના ચુકાદામાં સમજૂતી છે કે પરિવર્તન માટેની માર્ગદર્શિકા કર્ણાટક મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ૧૯૫૬ હેઠળ ઉપલબ્ધ કોઈપણ અન્ય ઉપાયની શોધને આધિન હશે અને તે કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરશે. કોર્ટે કોર્પોરેશનને વચગાળાની રાહત આપવાનો ઇનકાર પણ કરી દીધો હતો કે, સક્ષમ સિવિલ કોર્ટ સમક્ષ તેનું ધ્યાન રાખવું જોઈએ જ્યાં કાર્યવાહી બાકી છે.

Loading...