એશિયામાં સૌથી ઊંચો 460 ફૂટનો તિરંગો અટારી બોર્ડર ઉપર લહેરાશે

રાષ્ટ્રધ્વજ બોર્ડરથી અંદાજે 200 મીટર વધુ નજીક લવાશે, ઊંચાઇમાં પણ 100 ફૂટનો વધારો કરવા દરખાસ્ત

પાકિસ્તાન સાથેની અટારી બોર્ડર પર શાન વધારી રહેલો દેશનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ બોર્ડરથી અંદાજે 200 મી. વધુ નજીક લવાશે. સાથે જ તેની ઊંચાઇમાં પણ 100 ફૂટનો વધારો કરવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલાયો છે. જેથી ગેલેરીમાં બેસીને બીએસએફની બીટિંગ ધ રિટ્રીટ સેરેમની જોતા પાક.ના દર્શકોને પણ તિરંગો દેખાય.

હાલ તેને શિફ્ટ કરવા નવી જગ્યાએ ગોળાકાર પ્લેટફોર્મ પણ બનાવી દેવાયું છે. કોરોનાને કારણે હાલ અટારી બોર્ડર પર રિટ્રીટ જોવા જાહેર જનતાનો પ્રવેશ 17 મહિનાથી બંધ છે. અહીં રોજ 30થી 40 હજાર સહેલાણીઓ આવતા, જેમને બેસવા માટે ગેલેરી નાની પડતી. ઝીરો લાઇનથી થોડાં ડગલાં દૂર બનેલા સુવર્ણ જયંતી દ્વાર સામે તિરંગો સ્થાપવા હાઇવે ઓથોરિટીએ ગોળાકાર પ્લેટફોર્મ બનાવી દીધું છે, જ્યાં તિરંગો લહેરાવાશે.

બીજી તરફ સ્વતંત્રતા દિને ભારતીય સૈન્યના પ્રયાસોથી ગુલમર્ગના પ્રસિદ્ધ સ્કી-રિસોર્ટમાં 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવાશે, જે કાશ્મીરનો સૌથી ઊંચો તિરંગો હશે. રાજ્યમાં 1 હજાર સ્થળોએ તિરંગો લહેરાવાશે.ગેલેરીમાં બેઠેલા લોકોને ધ્વજ નથી દેખાતો જ્યારે પાક.નો 400 ફૂટ ઊંચો ઝંડો દેખાય છે. આ સંદર્ભે દર્શકોએ ઘણીવાર વાંધો ઉઠાવ્યો. તેના પગલે હાઇવે ઓથોરિટીના સૂચનથી શિફ્ટિંગ તથા ઊંચાઈ વધારવા પહેલ કરી. અધિકારીઓના મતે, ધ્વજ શિફ્ટ થશે ત્યારે ઊંચાઈ પણ 100 ફૂટ વધારાશે, એટલે કે 460 ફૂટનો એશિયાનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ બની જશે.

માર્ચ 2017માં દેશનો સૌથી ઊંચો ધ્વજ સ્થાપિત કરાયો હતો. થાંભલાની ઊંચાઈ 360 ફૂટ, વજન 55 ટન છે, તિરંગાની લંબાઈ 120 અને પહોળાઇ 80 ફૂટ હતી.જે સ્થળે ધ્વજ લાગશે તેની બંને તરફ રસ્તાની સાઇડમાં એલઇડી લાગશે, જેથી ગેલેરીમાં ન પહોંચી શકે તેઓ ત્યાંથી રિટ્રીટનો નજારો જોઇ શકશે. ત્યાં સેલ્ફી પોઇન્ટ પણ બનાવાઇ રહ્યા છે.