ટેલિકોમ ક્ષેત્રને આજે મળી શકે છે સારા સમાચાર: રાહત પેકેજની જાહેરાત કરી શકે છે સરકાર

ટેલિકોમ કંપનીઓને પર સ્પેક્ટ્રમ પેમેન્ટ સ્થગિત કરવા આદેશ આપશે સરકાર ? 

કેન્દ્રીય કેબિનેટ આજે ટેલિકોમ ક્ષેત્ર માટે રાહત પેકેજ પર વિચાર કરી શકે છે. આ બાબતની જાણકારી ધરાવતા ત્રણ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રના પેકેજ હેઠળ ટેલિકોમ કંપનીઓને સ્પેક્ટ્રમ પેમેન્ટ થોડા સમય માટે અટકાવી શકાય છે.  આવા પગલાથી વોડાફોન આઈડિયા જેવી ટેલિકોમ કંપનીઓને ઘણી રાહત મળશે જેમના હજારો કરોડ રૂપિયાના ભૂતકાળના વૈધાનિક લેણાં છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રાહત પેકેજ પર વિચારણા હેઠળ ટેલિકોમ કંપનીઓને ચાર વર્ષના સ્થગિત સમયગાળા દરમિયાન સ્પેક્ટ્રમ લેણાં પર વ્યાજને સરકારી ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ મળશે.  મુશ્કેલીગ્રસ્ત વોડાફોન આઈડિયા લિ. તેના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ ૪ ઓગસ્ટના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આશરે છ અઠવાડિયા પછી રાહત પેકેજ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

એક સૂત્રએ જણાવ્યું હતું કે, ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજ હેઠળ એકંદરે આ ક્ષેત્રમાં સુધારાઓ દર્શાવવામાં આવશે. જેમાં એરિયર્સ પર સ્થગિતતા, એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(એજીઆર)ને ફરીથી વ્યાખ્યાયિત કરવી અને સ્પેક્ટ્રમ વપરાશના ચાર્જમાં ઘટાડો શામેલ હોઈ શકે છે.

વોડાફોન આઈડિયા કંપની વોડાફોન ઈન્ડિયા, યુકે ટેલિકોમ્યુનિકેશન કંપનીની ભારતીય શાખા અને બિરલાની ટેલિકોમ કંપની આઈડિયા સેલ્યુલર લિમિટેડના વિલીનીકરણથી અસ્તિત્વમાં આવી હતી.

વોડાફોન આઈડિયા અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીના ડેટા અનુસાર કંપની પર ૧ લાખ ૮૦ હજાર કરોડથી વધુનું દેવું છે.  આમાં લગભગ ૯૬૨૭૦ કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ ચાર્જ છે.  બેંકોના લેણાં ૨૩ હજાર કરોડની નજીક છે અને એજીઆર લેણાં ૫૮૨૫૪ કરોડ છે.  કંપનીએ અત્યાર સુધી માત્ર ૭૮૫૪ કરોડ એજીઆર લેણાં ચૂકવ્યા છે.  હજુ પણ કંપનીએ ૫૦ હજાર કરોડ રૂપિયાથી વધુ જમા કરાવવાના છે.