“શરીયત”ની શરતો મહિલાઓની સ્વતંત્રતા ઉપર ત્રાપ સમાન ???

તાલિબાને 1996થી 2001 દરમિયાનના શાસન વખતે શરીયા કાયદાના નામે અત્યાચાર કર્યો, પણ હવે શરીયા કાયદામાં કેવા નિયમો હશે તે અંગે ફોડ પડયો નથી

અબતક, નવી દિલ્હી : તાલીબાન તેમની બર્બર સજાઓ માટે ખૂબ જ કુખ્યાત છે. મહિલાઓ માટે બનાવવામાં આવેલ નિયમને તોડવામાં આવશે તો તે વ્યક્તિને ક્રૂર સજા આપવામાં આવશે. તાલીબાન રાજ દરમિયાન મહિલાઓનું સાર્વજનિક રીતે અપમાન કરવું અને તેમને માર મારીને મારી નાંખવી તે ખૂબ જ સામાન્ય સજા હતી. અડલ્ટ્રી કે અવૈધ સંબંધો રાખવાથી મહિલાઓને સાર્વજનિક રીતે મારી નાંખવામાં આવે છે.

ટાઈટ કપડા પહેરે તો પણ તેમને આ જ સજા આપવામાં આવે છે. જો કોઈ યુવતી અરેન્જ મેરેજ કરીને ત્યાંથી ભાગવાની કોશિશ કરે તો તેમનું નાક અને કાન કાપીને મરવા માટે છોડી દેવામાં આવે છે. જો કોઈ મહિલા નેઈલ પેન્ટ કરે તો તેમની આંગળી કાપીને ક્રૂર સજા આપવામાં આવે છે. આવા નિયમોને શરીયા કાયદા હેઠળ અગાઉના સાશનમાં અમલમાં મુકવામાં આવ્યા હતા. ટૂંકમાં શરીયતની શરતો મહિલાઓની સ્વતંત્રતા ઉપર ત્રાપ સમાન હોવાનો મત વધુ પ્રમાણમાં છે.

તાલિબાને કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓને ઇસ્લામી કાયદાના દાયરામાં કે શરિયા મુજબના અધિકારો હશે. જોકે, તેના અર્થ સ્પષ્ટ નથી. તાલિબાને પાછલા શાસનમાં મહિલાઓ માટે બહાર કામ કરવા પર રોક લગાવી હતી. કન્યા શિક્ષણ બંધ કરી દીધું હતું. સરાજાહેર કોરડાં પણ માર્યા હતા. હાલ તાલિબાને એ નથી જણાવ્યું કે તે શરિયા કાયદા કેવી રીતે લાગુ કરશે? જોકે, સ્ત્રીઓ અગાઉના સમયમાં પાછી ફરતા ડરી રહી છે.

તાલિબાન શરિયાને પોતાની સર્વોચ્ચ વ્યવસ્થા ગણાવે છે. તાલિબાન કહે છે કે મુસ્લિમો પાસેથી તેના પાલનની આશા રખાય છે. જોકે, તાલિબાન જ્યારે એમ કહે છે કે તે શરિયા કાયદો સ્થાપિત કરી રહ્યું છે તો તેનો અર્થ એ નથી કે તે જે કરશે તેની સાથે ઇસ્લામિક વિદ્વાનો સહમત થશે.

તાલિબાને 1996થી 2001 દરમિયાન શાસન વખતે ટીવી-સંગીત પર પ્રતિબંધ લાદયો હતો. પિકઅપ ટ્રકમાં ફરતા તેના સભ્યો આંદોલનો રોકતા, જાહેરમાં લોકોને અપમાનિત કરતા, મહિલાઓને મારતા. 1996માં કાબુલમાં તાલિબાને નેઇલ પોલિશ લગાવવા બદલ એક મહિલાનો અંગૂઠો કાપી નાખ્યો હતો.

નિષ્ણાતો તાલિબાન નેતાઓનું વર્તન સમજી રહ્યા છે. હાલ બે પ્રકારનું વર્તન દેખાય છે. ઉદાર પણ અને નિયંત્રણવાળું પણ. તાજેતરમાં કાબુલમાં એક તાલિબાની નેતાએ મહિલા પત્રકારને ઇન્ટરવ્યૂ આપ્યો, જે તાલિબાનનો ઉદાર ચહેરો રજૂ કરવાના અભિયાનનો એક ભાગ હતો. થોડા કલાકો બાદ સરકારી ટીવી પર મહિલા એન્કરને કાઢી મુકાઇ. તાલિબાનના પ્રવક્તા કહે છે કે મહિલાઓને કામ કરવાની, ભણવાની મંજૂરી હશે. જોકે, કાબુલ બહાર કેટલીક મહિલાઓને પુરુષ વિના ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે. મહિલા બાબતોનાં પૂર્વ નાયબ મંત્રી હોસ્ના જલીલ કહે છે કે તાલિબાન શરિયાની જુદી વ્યાખ્યા કરે તેવો તેમને બહુ ઓછો ભરોસો છે. શરિયામાં ચોરી, વ્યભિચારને ગુનો ગણાવેલા છે. આરોપ સાબિત થાય તો સજાની જોગવાઇ છે. જોકે, તે મહિલાઓને પુરૂષ વિના બહાર જવા કે મોટા ભાગની નોકરીઓ કરવાથી રોકતો નથી.

શરીયતના નામે આવા નિયમો બનાવાયા છે

મહિલાઓ કોઈપણ નજીકના સંબંધી વગર રસ્તા પર નીકળી નહીં શકે.

  • મહિલાઓ બહાર નીકળે તો તેમણે બુરખો પહેરવો જ પડશે.
  • મહિલાઓ આવી છે, તે પુરુષને ખબર ન પડે તે માટે મહિલાઓ હીલ્સ પહેરી નહીં શકે.
  • સાર્વજનિક સ્થળો પર અજાણ્યા લોકો સામે મહિલાઓનો અવાજ ન આવવો જોઈએ.
  • ગ્રાઉન્ડ ફ્લોરના ઘરમાં બારીઓને કલર કરેલો હોવો જોઈએ, જેથી ઘરની અંદરની મહિલાઓ જોવા ન મળે.
  • મહિલાઓ ફોટોઝ ન પડાવી શકે, મહિલાઓના ફોટોઝ છાપા, પુસ્તરો અને ઘરમાં લગાવેલ ન હોવી જોઈએ.
  • કોઈપણ સ્થળના નામમાં મહિલાનું નામ હોય તો તેને હટાવી દેવામાં આવે.
  • મહિલાઓ ઘરની બાલ્કની અને બારી પર ન દેખાવી જોઈએ.
  • કોઈપણ સાર્વજનિક એકત્રીકરણમાં મહિલા ભાગ નહીં લઈ શકે.
  • મહિલાઓ નેઈલ પેઈન્ટ નહીં લગાવી શકે અને તેમની મરજી અનુસાર લગ્ન નહીં કરી શકે.
  • મહિલાઓ નિયમ નહીં માને તો થશે સજા