ખાલીસ્તાની આંદોલનનો આતંકી ઝડપાયો

સોશિયલ મીડિયા મારફત શીખ યુવાનોને ખાલીસ્તાનની વિચારધારા સાથે જોડાવવા દુષ્પ્રેરણ આપતા આતંકીની એનઆઈએ કરી ધરપકડ

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)એ મંગળવારે ખાલીસ્તાની આંદોલનનાં આતંકી ગુરજીતસિંગ નિજ્જરની ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરી છે. નિજ્જર પૂણે ખાલીસ્તાન કેસનો મુખ્ય આરોપી છે જે છેલ્લા ઘણા સમયથી નાસતો-ફરતો હતો. આ કેસમાં મહારાષ્ટ્ર એટીએસએ ૨ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ નિજ્જરના સાગરીત હરપાલસિંગની પૂણે ખાતેથી ગેરકાયદેસર હથિયાર તેમજ કાર્ટીસો સાથે ધરપકડ કરી હતી. હરપાલે પુછપરછ દરમિયાન કબુલ્યું હતું કે, તે આતંકી સંગઠન બાબર ખાલસા ઈન્ટરનેશનલ (બી.કે.આઈ.) સાથે સંકળાયેલો છે. સાથોસાથ ગુનાનો અન્ય એક આરોપી મોઈનખાનની ૨૪ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ પંજાબ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી જે બાદ મોઈનખાનની કસ્ટડી મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવી હતી.

ખાલીસ્તાની આંદોલનને ભારતની ધરાને ધ્રુજાવી નાખી હતી. અનેક ખાલીસ્તાની આતંકીઓ પંજાબ, હરિયાણા સહિતના રાજયોમાં ડેરો નાખીને બેઠા હતા એ સમયે જો આ આતંકીઓને નિયંત્રણમાં રાખવામાં સરકાર ઉણી ઉતરી હોત તો આજે ભારતના ભાગલા બીજીવાર પડી ચુકયા હોત. ખાલીસ્તાનની આતંકીઓ ભારતમાંથી ખાલીસ્તાન નામનો અલગ દેશ કરવાની માંગણી સાથે આંદોલન કરી રહ્યા હતા.  તે સમયે અનેકવિધ ગેરકાયદેસર હથિયારોનો વેપલો પણ કરાઈ રહ્યો હતો. ખાલીસ્તાની આતંકવાદીઓ તેમના રસ્તામાં આવતા તમામ લોકોને જાનથી મારી નાખતા હતા જેથી દેશમાં અંધાધૂંધી ફેલાવવાની દહેશત ઉભી થઈ હતી. ખાલીસ્તાની આંદોલનને યેનકેન પ્રકારે સરકારે નિયંત્રણમાં લઈ મોટાભાગના આતંકીઓનો ખાત્મો કર્યો હતો. એ દરમિયાન નાસી છુટેલા આતંકીઓને પકડી પાડવા દેશભરની પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ કામે લાગી હતી. આ આંદોલનમાં ભાગ ભજવતા તેમજ ખાલીસ્તાની માનસિકતા ધરાવતા આતંકીઓ હજુ પણ આતંકી સંગઠનો સાથે જોડાઈ તેમના નાપાક ઈરાદાને સાર્થક કરવા ફાફા મારતા હોય છે. તેવા જ એક આરોપીની ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી મંગળવારે ધરપકડ કરવામાં આવી છે.

ગુરજીતસિંગ નિજ્જર પૂણે-ખાલીસ્તાન કેસનો મુખ્ય આરોપી છે જેમાં નિજ્જર, હરપાલ અને મોઈન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી સક્રિય ભૂમિકા ભજવી લોકોને દુષપ્રેરવાની કોશિષ કરી હતી. ત્રણેય આરોપીઓએ સોશિયલ મીડિયા મારફત ખાલીસ્તાની આતંકવાદી જગતારસિંગ હવારા કે જેને પંજાબનાં પૂર્વ મુખ્યમંત્રી બીંતસિંગની હત્યા કરી હતી. તેની વિચારધારા સાથે લોકોને જોડાવવા અપીલ પણ કરી હતી. ઉપરાંત ઓપરેશન બ્લુ સ્ટાર સમયના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકોને બાબર ખાલસા ઈન્ટરનેશનલ આતંકી સંગઠન સાથે જોડવા પ્રેરયા હતા. શીખ યુવાનોને ટાર્ગેટ કરી ત્રણેય આરોપીઓએ ખાલીસ્તાન આંદોલનમાં જોડવા મુખ્ય ભૂમિકા ભજવી હતી તેવું એનઆઈએ બુધવારે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. નિજ્જરની જો વાત કરવામાં આવે તો તે અમૃતસર પાસેના અજનાલા ગામનો વતની છે જેને ઓકટોબર-૨૦૧૭માં ભારત છોડી દીધું હતું. તેના પરીવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તે એક મજુર તરીકે કામ કરતો હતો પરંતુ તેનાથી પુરતી કમાણી ન થતી હોવાથી તે ખાલીસ્તાની ચળવળ સાથે જોડાયો હતો. નિજ્જરનો સાગરીત મોઈનખાન વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ સુધી તિહાર જેલ ખાતે જગતારસિંગ હવાડા સાથે કામ કરવાની ઈચ્છા વ્યકત કરવાના ગુનામાં સજા કાપી ચુકયો હતો. ખાને ખાલીસ્તાની જીંદાબાદ ખાલીસ્તાનના ફેસબુક આઈડી પર રીકવેસ્ટ પણ મોકલી હતી જે બાદ તે હરપાલ અને નિજ્જરના સંપર્કમાં આવ્યો હતો. નિજ્જરે મુસિલમો અને શીખો પર એટ્રોસીટીના ગુના અંગે દુષપ્રેરણ કરી યુવાનોને અલગ ખાલીસ્તાન રાજય આપવાની માંગણી કરી હતી. ઉપરાંત નિજ્જરે મોઈનને ગેરકાયદેસર હથિયાર ખરીદવા વર્ષ ૨૦૧૮માં નાણા પણ પુરા કર્યા હતા. એનઆઈએ દ્વારા ૨૩ મે ૨૦૧૯ના રોજ નિજ્જર, હરપાલસિંગ, મોઈનખાન અને સુંદરલાલ પારસર વિરુઘ્ધ ચાર્જશીટ રજુ કરી દેવામાં આવી હતી.