- જમીન પચાવી પાડવા તેના જ ભાઈ દ્વારા ખોટું પ્રકરણ ઊભું કરાયું કે પછી રૂપિયા આપી ખોટા સોગંધનામાં કર્યા
બગસરા શહેરમાં જમીન પચાવી પાડવા માટે પોતાના જ ભાઈને મૃત બતાવવાનું ષડયંત્ર ઊભું કરાય હતું પરંતુ અખબારમાં નોટિસ પ્રસિદ્ધ થતા જ મૃતક સદેહે હાજર થતા મામલતદાર આશ્ચર્યમાં મુકાયા હતા. ખોટું સોગંદનામુ કરનાર વ્યક્તિ સામે કડક પગલાં લઈ દાખલો બેસાડવાને બદલે માફી પત્રો લખાવવામાં આવી આવવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે.
મળેલ વિગતો મુજબ બગસરાના ગોકુળપરા વિસ્તારમાં રહેતા એક ખેડૂત સુરેશભાઈ કેશુભાઈ ભુવા દ્વારા છેલ્લા 20 વર્ષથી સુરત રહેતા તેના ભાઈ દિનેશભાઈ ભુવાને મૃતક બતાવી પિતૃક જમીન સહિતની સંપત્તિ પોતાના નામે કરાવી લેવાનું ષડયંત્ર ઊભું કર્યું હતું જેમાં તેની સાથે ખોટું સોગંદનામુ અને આગળની કાર્યવાહી કરવા માટે નોટરી મુકેશભાઈ વઘાસિયા પણ જોડાઈ ગયા હતા. મૃતકના નામની આખરી અખબારી નોટિસ પ્રસિદ્ધ કરવામાં પણ આવી ગઈ હતી. આ નોટિસની સુરત રહેલા મૂળ વ્યક્તિને જાણ થતા તેઓ સીધા મામલતદાર સમક્ષ ઊભા રહી ગયા હતા. શા માટે મને મૃતક જાહેર કરો છો તેવો પ્રશ્ન પૂછતા મામલતદાર ઊભા થઈ ગયા હતા. તાત્કાલિક અરજદાર સુરેશભાઈ અને તેના વકીલ મુકેશભાઈ વઘાસિયા વિરુદ્ધ નોટિસ કાઢી હતી પરંતુ બંને વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે માફી પત્ર લખાવી સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હતું. બગસરા મામલતદાર પ્રશાંત ભીંડીના જણાવ્યા અનુસાર કચેરી ખાતે બંને ભાઈઓને બોલાવતા બંને રડી પડ્યા હતા અને માફી માગી લીધી હતીનું જણાવ્યું હતું. બગસરામાં નોટરીનું લાયસન્સ ધરાવતા અનેક લોકો દ્વારા ખોટી રીતે સોગંદનામાં કરવામાં આવી રહ્યા છે આ બાબતે પણ તપાસ થાય તે જરૂરી છે કલેકટર તપાસ કરે તો ઘણું બહાર આવે તેવી શક્યતા છે આવા ખોટા કાગળ ઉભા કરનાર ને તપાસ કરી આવું ફરીવાર બગસરા તાલુકામાં ન બને અને આવી પ્રવૃત્તિ કરવાવાળા લોકોને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.