ગોંડલની નગર રચના બેનમુન હતી, આજે પણ ઉપલબ્ધ નથી તેવી સુવિધાઓ દાયકા પૂર્વે હતી

લંડનની થેમ્સ નદીનાં કાંઠે હેરો અને ઈટન બિલ્ડીંગની પ્રતિકૃતિ એટલે સંગ્રામસિંહજી હાઈસ્કૂલ

ગોંડલના પ્રજાવત્સલ્ય મહારાજા સર ભગવતસિંહજી તબીબી જ્ઞાનની ડીગ્રી સાથે માહીર તો હતા જ સાથોસાથ એક કુશળ એન્જીનીયરમાં હોય તેવી સુઝબુઝ પણ ધરાવતા હતા.

રાજવી કાળમાં ટાઉન પ્લાનીંગને ખાસ્સુ મહત્વ અપાયું હતુ મહારાજા ભગવતસિહજીનાં વિદેશ પ્રવાસો દરમિયાન તેમણે ત્યાંના નગરો ઉત્કૃષ્ટ પ્રકારની વ્યવસ્થા વાળા જોયા હતા આ નગરોમાં પહોળા અને સ્વચ્છ રસ્તાઓ હતા, પગપાળા ચાલનારા માટે ફૂટપાથોની અદભૂત વ્યવસ્થા હતી આ સુંદર વ્યવસ્થા મહારાજાનું દિલ જીતી ગઈ આ વ્યવસ્થા મારા નાગરીકોને પણ મળવી જોઈએ તેમણે દાખવેલી દ્દઢ ઈચ્છા શકિત એ ગોંડલની જાણે રોનક ફરી ગઈ. તેમણે પોતાની ઈજનેરી કળાનો ઉપયોગ ગોંડલ સહિત રાજયનાં ધોરાજી, ઉપલેટા, મોટી પાનેલી, ભાયાવદર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કર્યો યકાઓ પછી પણ એ નગર રચના અડીખમ ઉભી છે. આજે ગોંડલ ધોરાજી કે ઉપલેટામાં જાઓ તો પહોળા રાજમાર્ગો જોવા મળે.

ઉપલેટા ધોરાજીમાં તો રસ્તા પર એક જ સરખા બારી બારણા વાળા મકાનો નજરે પડે છે. સરકાર દ્વારા ગૌરવપથ કે સ્માર્ટરોડની યોજનાં હજુ થોડા વર્ષ પૂર્વે અમલમાં મૂકાઈ, પણ રાજાશાહીના સમયમાં તમામ પથ ગૌરવપથ હતા એ સમયે મકાનોની રસ્તા પરની દિવાલો પાકા પથ્થરોની બનાવવાની રહેતી જેથી રસ્તાપરનાં મકાનોનું સુશોભન જળવાઈ રહે. આજે ગોંડલના સ્ટેશન પ્લોટ કે ભોજરાજપરા ભગવતપરામાં આ પ્રકારનાં મકાનો નજરે પડે છે. સૌરાષ્ટ્રનાં રજવાડાઓમાં ગોંડલ રાજયનું ટાઊન પ્લાનીંગ બેનમુન હતુ. મહારાજાએ શહેરનુંવિસ્તરણ કરવાનું નકકી કર્યું ત્યારે એક યોજના અમલમાં મૂકી હતી રેલવે સ્ટેશન વિસ્તારમાં જમીન ફાળવી વસ્તી અને વિસ્તાર વિકાસવાનું નકકી કરાયું. જેમાં રાજયનાં કર્મચારીઓએ વિશાળ પ્લોટ ફાળવામાં આવ્યા હતા. તેમાં હપ્તા સિસ્ટમ હતી જેની રીકવરી પગારમાંથી ત્રુટક રીતે કરવામાં આવતી હતી ત્યારે પણ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં મોટા પ્લોટવાળા મોજુદ મકાનો રાજાશાહીના સમયની ગવાહીપુરે છે. એ સમયે સ્ટેશન પ્લોટને ‘સુવર્ણ મહોત્સવનગર’ નામ અપાયું હતુ અને હાલનાં કોલેજચોકને પણ ‘સુવર્ણ મહોત્સવ ચોક’ નામ અપાયું હતુ ઈ.સ. ૧૯૩૫ સુધીમાં મહારાજાએ ગોંડલ રાજયમાં બાર મોટા પુલો ૧૦૦૦ નાળાઓ અને ૩૬૦ માઈલની પાકી સડકો બનાવી બે કરોડથી પણ વધુ ખર્ચ કરી પ્રજાની સુખાકારી ને ‘સુખમય’ બનાવી હતી.

ભગવતસિંહજીનાં કુંવર કિરીટસિંહજી રાજયનાં માર્ગાધિકારી તરીકે રાજયનાં તમામ રસ્તાઓની જાળવણી અને બાંધકામનું કામ સંભાળતા હતા રસ્તા માટે એટલી ચોકકસાઈ રખાતી કે ગમે તેટલો વરસાદ ડે તો પણ રસ્તાઓ બગડતા નહીં મહારાજા ભગવતસિંહજી રસ્તા અને પુલોનું બાંધકામ કરનાર કોન્ટ્રાકટર પાસેથી પુલ માટે સો વર્ષનાં અને રસ્તા માટે વીસ વર્ષનાં બોન્ડ લખાવી લેતા હતા. મહારાજાની દૂરદેશી સમી નગરરચનાની વાત આગળ ધપાવીએ તો શહેરમાં કયાંય ખૂલ્લી ગટર હતી નહી લોકોએ ઘર વપરાશનું પાણી ફરજીયાત પોતાના ઘરનાં ફળીયામાં ઢોળવાનું રહેતું વધે તે પાણી બગીચામાં કે શેરીમાં છાંટી દેવાતું પરિણામે કયાંય ગંદા પાણીના ખાબોચીયા ભરાતા નહી વરસાદના પાણીનાં નિકાલ માટે ડ્રેનેજની વ્યવસ્થા હતી.

રાજયની શાળાઓ, પોલીસ ચોકી, કુવા, અવેડા, સુશોભીત દરવાજા અને ગામના પાદર આંખે ઉંડીને વળગે તેવા હતા માટીના જર્જરીત મકાનોને બદલે ગામડાઓમાં પથ્થર અને વિલાયતી નળીયાનાં માળવાળા સુંદર મકાનો રાજયની શોભા હતી.

મહારાજાના વિદેશ પ્રવાસો વિકાસની દ્રષ્ટીએ અનેક રીતે ઉપયોગી બન્યા હતા.

મહારાજા ભગવતસિંહજીએ લંડનના પ્રવાસ દરમ્યાન થેમ્સનદીના કાંઠે હેરો અને ઈટન નામની બે શૈક્ષણીક સંસ્થાઓ નિહાળી, ગોથીક સ્ટાઈલસાથેની સંસ્થાઓની ઈમારતો તેમના મનમાં વસી ગઈ ગોંડલ પરત ફરી ગોંડલ નદીનાંકાંઠે તેમણે સ્થાપત્ય શિલ્પકલા અને ગોથીક સ્ટાઈલની સંસ્થાઓનું નિર્માણ કર્યું જે સંગ્રામસિંહજી હાઈસ્કુલ તથા બીજી મોંઘીબા ગર્લ્સ સ્કુલના નામે જાણીતી છે.

સૌરાષ્ટ્રમાં ગોથીક શૈલીનું બાંધકામ રાજકોટમાં પણ જોવા મળે છે. રાજકોટનું વોટસન મ્યુઝીયમ, રાજકુમાર કોલેજનું બિલ્ડીંગ નેસોનિક હોલની બાંધણી ગોથીક શૈલી ગણી શકાય ઉપરાંત મુંબઈન હાલની હાઈકોર્ટનું બિલ્ડીંગ પણ ગોથીક શૈલીનું બનેલું છે.

સંગ્રામસિંહજી હાઈસ્કુલ મુળ ગરાસીયા કોલેજ હતી અહી હોસ્ટેલ પણ હતી. રાજકુમારો ક્ષત્રીય યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવે અને શિક્ષણનો વ્યાપ વધે તે હેતુથી ગરાસીયા કોલેજનું નિર્માણ કરાયું હતુ અંગ્રેજ ગવર્નર પ્રો. મરનાં હસ્તે તેનું ખાતમૂહૂર્ત કરાયું હતુ હાઈસ્કુલનું ભવ્ય બિલ્ડીંગ કાળમીંઢ અને સફેદ પથ્થરથી બંધાયુ છે. વચ્ચે લોખંડના સળીયાઓની દાબડી બાંધવામાં આવી છે.જેની ધરતીકંપમાં ઈમારત સુરક્ષીત રહે બાંધકામમાં ચુનો, ગોળ અને ગુગળનો ઉપયોગ કરાયો છે. ચિવટ એવી રખાઈ હતી કે બળદ એકસો આટા ફરે તે પછી ચુનો પિલાઈને તૈયાર થાય તે પછી બાંધકામમાં ઉપયોગમાં લેવાતો હતો. બાંધકામમાં માર્બલ અને ગ્રેનેટનો પણ ઉપયોગ થયો છે. ખૂબીના વાતતો એ છે કે સંગ્રામસિંહજી હાઈસ્કુલનાં બિલ્ડીંગમાં પથ્થરો પણ ગોંડલ રાજયનાં જ વપરાયા છે. મસીતાળા ગામ આસપાસથી આ પથ્થરો લવાયા હતા.

ઈતિહાસની આરસી સમી અને જાજરમાન નજારા સાથે નજરે પડતી સંગ્રામસિંહજી હાઈસ્કુલમાં પ્રખ્યાત લેખક ગૌરીશંકર જોશી ‘ધુમકેતુ’ શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકયા છે. તો દેશનાં મહાન ચિત્રકારો પૈકીનાં રવિશંકર રાવલે ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવી છે. આજે સંગ્રામસિંહજી હાઈસ્કુલનું બિલ્ડીંગ હેરીટેઈજ ગણાય છે. ગુલમહોર રોડ પર આવેલું તાલુકા સ્કુલનું બિલ્ડીંગ પણ ગરાસીયા કોલેજ તરીકે ઓળખાતું હતુ આજે આ બિલ્ડીંગમાં મહિલા કોલેજ બેસે છે.

જે રીતે નગર રચના લાજવાબ અને બેનમુન હતી તે પ્રકારે સંગ્રામજી હાઈસ્કુલ, મોંઘીબા ગર્લ્સ સ્કુલ, તાલુકા શાળાનું બિલ્ડીંગ પણ કલાત્મક શૈલીમાં બંધાયા હતા હોસ્પિટલનું બિલ્ડીંગ પણ આજ પ્રકારનું હતુ. મહારાજા ખુદ તબીબી જ્ઞાન ધરાવતા હતા એ સમયમાં પ્રજાની આરોગ્ય સુખાકારી આજ કરતા અનેક ગણી ઉમદા હતી. આરોગ્ય લક્ષી સુવિધાઓ પણ સવિશેષ હતી.

આજનાં સમયમાં ઈમરજન્સી ૧૦૮ સેવા લાઈફ લાઈન બની રહી છે. પણ જાણીને આશ્ર્ચર્ય થાય કે મહારાજા એ એ સમયમાં હરતી ફરતી મોબાઈલ ડિસ્પેન્સરી કાર્યરત કરી હતી.ખરેખર મહારાજાને ઈમરજન્સી ૧૦૮ના પ્રણેતા ગણીએ તો તે વધુ પડતું નહી ગણાય, ભગવતસિંહજીએ ૧૮૮૫માં મોબાઈલ ડિસ્પેન્સરીની યોજના અમલમાં મૂકી હતી જે લોકોને આરોગ્યની સારી સુવિધાઓ પૂરી પાડતી હતી. મુંબઈનાં લોર્ડ ગર્વનર લોર્ડ હરીશે આ યોજનાની પ્રસંશા કરતા કહેલું કે ‘મહારાજાના આ સચ્યુત કાર્યનો દાખલો બીજા દેશી રજવાડાઓ એ લેવો જોઈએ.

આજના કોરોના કાળમાં આરોગ્ય અંગે સરકાર ઉંધા માથે થવા પામી છે. આરોગ્ય જાળવણી માટે સરકાર કરોડોનાં ધુવાડા કરતી હોવા પ્રજાને યોગ્ય સંતોષ આપી શકી નથી ત્યારે મહારાજા ભગવતસિહજીએ નમુનેદાર હોસ્પિટલનું નિર્માણ કર્યું હતુ.અંગ્રેજોએ પણ નોંધ લઈ જાહેર કરવું પડયું હતુ કે ગોંડલની આ હોસ્પિટલ હિન્દુસ્તાનની શ્રેષ્ઠ ત્રણ હોસ્પિટલ પૈકીની એક છે.રાજવીકાળમાં આ હોસ્પિટલમાં નસિર્ંગનું શિક્ષણ અપાતું હતુ એ સમયે મહીલાઓ નર્સ બનીને લોકોની સેવા પણ કરી શકે અને પરિવારનાં ગુજરાનમાં પણ મદદરૂપ બની શકે. કુંવર ભુપતસિંહજી રાજયનાં ચીફ મેડીકલ ઓફીસર તરીકે નોકરી કરતા હતા ત્યારે હડકવા વિરોધી રસી અને સાપના ઝેર વિરોધી રસી હોસ્પિટલમાં ફરજીયાત બનાવી હતી.   (ક્રમશ:)