Abtak Media Google News

સામાન્ય આવકના દાખલાથી લઈને ખાતેદારના પ્રમાણપત્ર અને કોરોનાથી થયેલા મૃત્યુ સુધી અરજદારોને તકલીફો, આવું શું કામ ?

ડિજિટલાઈઝેશન આવ્યું પણ અરજદારોની હેરાનગતિ ઠેરની ઠેર, વ્યવસ્થાનો અભાવ અને જૂનવાણી સિસ્ટમ આવું થવામાં કારણભૂત

પ્રજાને પુરાવા માટે ચકડોળે ચડાવવાની પરંપરા હવે નાથવી જરૂરી છે. અત્યારના યુગમાં પણ સામાન્ય આવકના દાખલાથી લઈને ખાતેદારના પ્રમાણપત્ર અને કોરોનાથી થયેલા મૃત્યુ સુધી અરજદારોને તકલીફોનો જ સામનો કરવો પડે છે. આવું શુ કામ? અરજદારોને આવી રીતે હેરાન કરીને તંત્રને શુ મળે છે?

સરકારી કામ એટલે સામાન્ય માણસ માટે માથાનો દુ:ખાવો. આ છાપ હજુ સુધી સરકારી તંત્ર સુધારી શક્યું નથી. આ વાત એક ઉદાહરણથી સ્પષ્ટ રીતે સમજાઈ શકે છે. એક આવકનો દાખલો કઢાવવા માટે મોટી રામાયણ થાય છે. પ્રથમ તો આધારકાર્ડ, રેશનકાર્ડ, લાઈટબિલ અને કોર્પોરેટર કે ધારાસભ્યનો આવકનો દાખલો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. હવે આવા ડોક્યુમેન્ટેશન શુ સમજીને નક્કી કરાયું હશે તે મોટો પ્રશ્ન છે.

વિધાનસભા અને વોર્ડનો એટલો મોટો વિસ્તાર હવે તેમાં ધારાસભ્ય કે કોર્પોરેટ કઈ રીતે કોઈની આવકની ખાતરી આપી શકે? આ દાખલાની વિશ્વાસનીયતા કેટલી ? બીજું એક ડોક્યુમેન્ટ બીજા ડોક્યુમેન્ટ સાથે જોડાયેલા જ હોય છે. જેમ કે આધારકાર્ડ અને રેશનકાર્ડ. તો પછી બન્ને ડોક્યુમેન્ટ માંગવાનો અર્થ શું? હવે આ બધું ઠીક છે.ડોક્યુમેન્ટેશનને એક તરફ મૂકીએ હવે બીજો પ્રશ્ન એ થાય છે કે આ દાખલો કઢાવવા માટે તમારે કચેરીએ જવાનું, કતારમાં ઉભું રહેવાનું, ત્યાનો સ્ટાફ ગમે તે બોલે એ સાંભળવાનું અને પછી જ્યારે કહે ત્યારે આવવાનું.

આ દરમિયાન જો જે અધિકારીની સહીની જરૂર પડે તે અધિકારી જો ડાંડાઈ કરે તો એક-બે દિવસ વધુ રાહ જોવાની. આ દાખલાની પ્રક્રિયા અરજદાર માટે કોઈ દંડથી ઓછી નથી. આમાં કેમ ડિજિટલાઇઝેશન આવતું નથી? આતો ખાલી ઉદાહરણ છે. આવા તમામ સરકારી કામોમાં કોઈને કોઈ પ્રકારની હેરાનગતિ હોય જ છે. બીજું ઉદાહરણ ખાતેદાર તરીકેના પ્રમાણપત્ર છે.

જે કઢાવવા માટે તમારે નાયબ કલેકટર સમક્ષ 1955થી આજ સુધીની વીગતો આપવી પડે. હવે સરકારી પગાર અરજદારોને મળે છે? તો અરજદારો આવી પળોજણ કરે. સરકારી રેકોર્ડ સરકારી પગારદારે સાચવવો જોઈએ અને તેમાંથી અરજદારની વિગત શોધવી જોઈએ. સરકારી કામોમાં આ હેરાનગતિ પાછળ ક્યાંકને ક્યાંક વ્યવસ્થાનો અભાવ અને સરકારની પરંપરાગત પ્રણાલી પણ કારણભૂત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.