જામનગર: અમદાવાદમાં થયેલી ભયાવહ પ્લેન દુર્ઘટનામાં જામનગરના પંચવટી વિસ્તારના દંપતી, નેહલબેન અને શૈલેષભાઈ પરમાર, તથા જાણીતા તબીબ ડો. હિમાંશુ પેશાવરીયાના માતાનું કરુણ મૃત્યુ થતાં સમગ્ર જામનગર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાએ પરિવારજનો અને મિત્રવર્તુળમાં ઊંડા આઘાતની લાગણી પ્રસરાવી છે.
મળતી માહિતી અનુસાર, જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા અને બે ટર્મ સુધી જામનગર જિલ્લા કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવનાર હરિહરભાઈ બક્ષીને પ્રોસ્ટેટનું કેન્સર થતાં લંડન રહેતી તેમની પુત્રી નેહલબેન પિતાને મળવા જામનગર આવી હતી. નેહલબેન ૩૧મી તારીખે પરત લંડન જવાની હતી, પરંતુ તેમના પતિ શૈલેષભાઈ પરમાર પણ તેમના સસરાની તબિયત જોવા જામનગર આવ્યા અને વહેલા પરત ફરવાનું કહેતાં નેહલબેને ૩૧મીની ટિકિટ કેન્સલ કરાવી પતિ શૈલેષભાઈ સાથે ૧૨મી તારીખે લંડન જવા રવાના થયા. દુર્ભાગ્યે, આ નિર્ણય તેમના માટે કાળ બની ગયો.
નેહલબેનના પતિ શૈલેષભાઈ પરમાર જામનગરની ડીકેવી કોલેજમાં પ્રોફેસર હતા. તેમના પ્રેમ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે. એક વર્ષ અગાઉ જ આ દંપતીના પુત્ર હિતનું લંડનમાં પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન થયું હતું. હિત કોમર્શિયલ પાયલોટ તરીકે ટ્રેનિંગ લઈ રહ્યો હતો અને તેની છેલ્લી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ થયું હતું. પુત્રના આઘાતમાંથી માંડ બહાર આવેલા આ દંપતી પર ફરી કાળનો પંજો ફર્યો અને બંનેનું પણ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું.
પ્લેનમાં બેસતાં પહેલાં નેહલબેને સોશિયલ મીડિયા પર મૂકેલો તેમનો છેલ્લો મેસેજ હૃદયદ્રાવક છે. તેમણે લખ્યું હતું કે, “જય સિયારામ, સામાન મૂક્યો, સિક્યુરિટી પછી હવે ગેઈટ નંબરની વાટ જોઈએ છીએ. તમારા બધાના પ્રેમ માટે હરિનો ખૂબ આભાર, સદાય આશીર્વાદ રાખજો અને જલદી પાછા મળીશું. હરિ તમને બધાને ખૂબ ખૂબ ખુશ રાખે. સારું સ્વાસ્થ્ય આપે તેવી પ્રાર્થના. લવ યુ સો મચ… જય સિયારામ, હરિ બોલ…” આ મેસેજે પરિવારજનોને રડાવ્યા છે.
આ દુર્ઘટનામાં જામનગરના જાણીતા તબીબ ડો. હિમાંશુ પેશાવરીયાના માતાનું પણ અવસાન થયું છે. તેઓ પણ લંડન રહેતી પોતાની પુત્રીને મળવા અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં રવાના થયા હતા. વિમાન ઉડ્ડાનની ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થતાં સર્જાયેલી દુર્ઘટનામાં તેઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટનાથી તબીબી આલમ સહિત સમગ્ર શહેરમાં શોક વ્યાપી ગયો છે.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના.