શહેરી વિસ્તારોમાં જૂની ઇમારતો અને એપાર્ટમેન્ટ્સની જાળવણીનો અભાવ ક્યારેક ગંભીર દુર્ઘટનાઓ નોતરી શકે છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પીઓપીનો પોપડો પડતા નીચે રમી રહેલા એક બાળકનું ગંભીર ઇજાને કારણે દુઃખદ અવસાન થયું છે. ૧૧ દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે માસૂમ બાળકે દમ તોડી દેતા પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટના ઇમારતોની સુરક્ષા અને જાળવણીના મુદ્દા પર ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
સુરતના સરથાણા સીમાડા વિસ્તારમાં આવેલા બ્લુસીટી એપાર્ટમેન્ટમાં ગત ૧૧ એપ્રિલના રોજ એક કરૂણ ઘટના બની હતી, જેમાં પાંચમા માળેથી પીઓપીનો પોપડો નીચે રમી રહેલા ધોરણ-૬ ના વિદ્યાર્થી મંત્ર કેતનભાઇ અકબરી (ઉંમર ૧૨ વર્ષ) ના માથા પર પડ્યો હતો. આકસ્મિક દુર્ઘટનામાં મંત્રને ગંભીર ઇજા પહોંચી હતી અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો.
મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની અને હાલ સરથાણા સીમાડાના ભગવાન નગરમાં આવેલ બ્લુ સીટી એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતા મંત્ર, પિતા કેતનભાઇનો એકનો એક પુત્ર હતો. પિતા નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંત્ર પોતાના ઘર નજીક આવેલી સ્કૂલમાં ધોરણ-૬ માં અભ્યાસ કરતો હતો.
ઘટના સમયે મંત્ર સોસાયટીના મિત્ર સાથે એપાર્ટમેન્ટના નીચેના ભાગમાં રમી રહ્યો હતો. દરમિયાન, અચાનક ઉપરથી પીઓપીનો પોપડો પડતા તેના માથામાં ગંભીર ઇજા થઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા મંત્રને તાત્કાલિક સારવાર માટે સૌપ્રથમ એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
માથામાં થયેલી ગંભીર ઇજાને કારણે મંત્રની હાલત નાજુક હતી. પરિવારે પોતાના એકના એક પુત્રના જીવ બચાવવા બે હોસ્પિટલમાં સારવાર કરાવી. છેલ્લા ૧૧ દિવસથી મંત્ર હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો. જોકે, આજે આખરે તેની જિંદગીએ દમ તોડી દીધો હતો.
એકના એક પુત્રના અકાળે અવસાનથી અકબરી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. પરિવારજનો અને સગા-સંબંધીઓમાં શોકનો માહોલ છવાયો છે. આ દુઃખદ બનાવ અંગે સરથાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એપાર્ટમેન્ટની જાળવણી અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે દિશામાં નક્કર પગલાં ભરવાની જરૂરિયાત આ ઘટનાએ ફરી એકવાર ઉજાગર કરી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય