Abtak Media Google News

ત્રીજુ વિશ્વયુદ્ધ???

રૂ. ૧૦૦ લાખ કરોડની ખાઇ પુરવી વિશ્વ માટે મોટો પડકાર

કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થતંત્ર ઐતિહાસિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. ચીન, અમેરિકા જેવા મોટા દેશોના ઉદ્યોગ-ધંધાઓ પડી ભાંગતા નકારાત્મક અસરો પહોંચી છે. કોરોના વાયરસના સંક્રમણથી લાખો લોકોના મોત નિપજશે તેવી દહેશતના કારણે વિશ્વભરની શેરબજારો તૂટી પડી છે. વર્તમાન સમયે કોરોના વાયરસથી બચવા માટે વિશ્વભરમાં લોકડાઉન હોવાના કારણે વિશ્વના દેશોની તિજોરીઓ તળીયા ઝાટક થઈ જાય તેવી દહેશત છે. આગામી સમયમાં ૧૦૦ લાખ કરોડ જેટલી તોતીંગ રકમનું નુકશાન વિશ્વને જશે. આ ખાઈ પુરવી માનવ જાત માટે મોટો પડકાર સાબીત થશે તેવું માનવામાં આવે છે.

કોરોના વાયરસથી સંક્રમીત થયેલા ચીનના કેટલાક શહેરોમાં લોકડાઉન ઉઠાવીને કારભાર ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ હાલ કોરોના વાયરસના સંક્રમણના કેસ ફરીથી વધ્યા છે. વુહાન શહેરમાં જે લોકો કોરોના વાયરસથી સાજા થઈ ગયા હતા તેમના ફરીથી ટેસ્ટ થઈ રહ્યાં છે. કોરોના વાયરસ ચીનમાં ફરીથી ઉથલો મારે તેવી દહેશત છે. આવા સંજોગોમાં વાયરસને રોકવા માટે હજુ લોકડાઉન રહેશે તો અમેરિકા, જાપાન, ભારત, યુકે, ફ્રાન્સ, ઈટલી અને જર્મની જેવા મોટા વ્યાપારી દેશોની તિજોરીને ગંભીર અસર પડશે. લોકો અને ઉદ્યોગો માટે રાહત પેકેજ જાહેર કરવાથી તિજોરી પર ભારણ વધશે. અધુરામાં પૂરું આવક બંધ થઈ જતાં અર્થતંત્રની કમર ભાંગી જશે.

તાજેતરમાં કોરોનાના કારણે અમેરિકામાં ધર્મસંકટની સ્થિતિ ઉભી થઈ હતી. લાખો લોકોના જીવન ઉપર ખતરો ઉઠાવીને પણ બજારો ખુલી રાખવાની મજબૂરી ટ્રમ્પ સરકાર સામે આવીને ઉભી રહી હતી. જો બજારો બંધ રહે તો આર્થિક રીતે અમેરિકા પડી ભાંગે તેવી દહેશત છે. જો કે, કોરોના વાયરસની પેટર્ન તોડવા માટે લોકડાઉન આવશ્યક હોવાનું ચીનના દાખલા પરથી સાબીત થાય છે. અલબત ચીન જેવા કડક પગલા અમેરિકા લઈ શકે તેમ નથી. વાયરસ સામેના જંગમાં તમામ દેશોને મોટુ ચૂકવણુ કરવું પડશે. ફેડરલ રિઝર્વ, યુરોપીયન સેન્ટ્રલ બેંક, બેંક ઓફ જાપાન અને બેંક ઓફ ઈંગ્લેન્ડ સહિતની બેંકો ઉપર કરબોજ વધી રહ્યો છે. તેમની બેલેન્સ સીટમાં ૬.૮ ટ્રીલીયન જેવડુ ગાબડુ પડી શકે તેવી દહેશત મોર્ગન સ્ટેન્ડલી દ્વારા વ્યકત થઈ છે. લોકોને જેટલો મૃત્યુ પામવાનો ડર છે તેટલો જ ડર આર્થિક રીતે પડી ભાંગવાનો છે.

કોરોનાના કહેર કરતા મંદીથી ડરીને ઇટલી, ચીન, નોર્વે સહિતના દેશોએ બજારો ખુલ્લી મુકી!!!

કોરોના મહામારી વચ્ચે આર્થિક સંકટ ન ઉભુ થાય તેવા ડરથી ચીન, નોર્વે અને ઈટલી સહિતના દેશોએ બજારો ખુલ્લી મુકવાનો નિર્ણય લીધો છે. એક તરફ ઈટલી અને ચીન કોરોનાના કહેરનો ભયંકર નજારો જોઈ ચૂકયું છે. લાંબા સમયથી આ દેશોની બજારો બંધ છે. જેથી આર્થિક રીતે હવે વધુ મોટુ લોકડાઉન પોસાય નહીં તેવું ત્યાંના નિષ્ણાંતો માની રહ્યાં છે. આવા સંજોગોમાં ઓસ્ટ્રીયા, ડેન્માર્ક અને નોર્વે દ્વારા બજારો ખુલ્લી મુકાઈ છે.  ચીનમાં પણ વુહાન જેવા મોટા સિટીમાં ફરીથી જનજીવન થાળે પાડવાનો પ્રયાસ સરકાર દ્વારા થઈ રહ્યો છે. અર્થતંત્ર પરના બોજને ઘટાડવા કોરોના વાયરસના ખૌફ વચ્ચે પણ બજારો ખુલ્લી રાખવાની મજબૂરી ઇટલી, ચીન અને નોર્વે જેવા દેશોની છે. આ દેશોને લાંબો સમય સુધી લોકડાઉનની સ્થિતિમાં રહેવુ પોશાય તેમ નથી. પરિણામે બજારો ખુલ્લી મુકવાની ક્વાયત હાથ ધરાઇ છે.

૧૯૩૦ની મહામંદી કરતા પણ વધુ ભયાનક મંદીની દહેશત: ૧૬૦ના બદલે ૧૭૦ દેશો મહામારીનો ભોગ બનશે

કોરોના વાયરસના કારણે આખુ વિશ્ર્વ ૨૦૦૮ જેવી મંદીમાંથી પારીત થશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ નવા આંકડા મુજબ વિશ્વના ૧૭૦ જેટલા દેશ ૧૯૩૦માં જોવા મળેલી ભયંકર મંદીમાંથી પારીત થશે તેવું સામે આવી રહ્યું છે. વર્ષ ૧૯૩૦માં ૧૬૦ દેશોના અર્થતંત્રને મરણતોલ ફટકયા પડ્યા હતા. વર્તમાન સમયે ૧૭૦ દેશોના અર્થતંત્રના શ્ર્વાસ ધીમા પડી ગયા છે. તે સમયે મંદીની અસર લોકોની માનસીકતા પર પણ પડી હતી. લોકો હોટેલમાં ભોજન માટે ફરીથી આવતા થાય તેવા હેતુથી વિનામુલ્યે પાસ ઘેર ઘેર પહોંચાડવામાં આવતા હતા. આવી મંદી ફરીથી ટૂંક સમયમાં જોવા મળશે તેવું ઈન્ટરનેશનલ મોનીટરી  ફંડનું માનવું છે. લાખો લોકોને કોરોના વાયરસ ભરખી જશે તો આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર ભાંગી જશે જે ૨૦૦૮ નહીં પરંતુ ૧૯૩૦ જેવી મંદીના પરિણામો આપશે તેવું ફલીત થાય છે.  કોરોના વાયરસના કારણે ભારત ચીન જેવા મોટા અર્થતંત્રને ગંભીર અસર પડી છે. ૧૯૩૦માં પણ મહામંદીના કારણે અમેરિકા સહિતના મોટા દેશોના અર્થતંત્ર ધીમા પડી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.