Abtak Media Google News

મોરબીના 16 અને થાનગઢનું એક વાહન ચોરીનો ભેદ ઉકેલાયો: રૂ.4.46 લાખનો મુદ્દામાલ કબ્જે

મોરબીમાં વાહનચોરીની ધોસ બોલાવી ત્રિપુટીએ થાનગઢ વિસ્તારમાં પણ બાઇક ચોરી કરી હતી. જેમાં પોલીસે થાનગઢના બે અને મોરબીના એક શખ્સને ઝડપી પાડી મોરબીના 16 અને થાનગઢમાં એક બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે ત્રિપુટી પાસેથી 17 ચોરાઉ બાઇક સાથે રૂ.4.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટ, ઘરફોડ સહિતના ગુનાઓ અટકાવવા અને આવા ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાએ સુચના આપી હતી. જે અન્વયે થાન પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

તે દરમિયાન ચોરીના બાઇક અંગે બાતમી મળતા રૂપાવટી ચોકડીએ વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાંથી શંકાસ્પદ 3 શખ્સોને બાઇક લઇ પસાર થતા અટકાવી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં બાઇકના કાગળિયા સહિત ચેકિંગ માટે માંગતા ન આપી શકતા વધુ પૂછપરછમાં વાહન ચોરીનું હોવાનું ખૂલ્યું હતું.જેથી પોલીસે ચોરી કરેલા બાઇક સાથે થાનગઢના વિકાસ ઉર્ફે વીકો ભરત પનારા, ગૌતમભાઇ ઉર્ફે ગગો ટપુભાઇ ડાભી અને મોરબીના ગૌરવભાઇ ઉર્ફે ગયો નિલેષભાઇ ખૈગારીયાને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે તેમની પાસેથી રૂ.4,46,000ની કિંમતના 17 બાઇક જપ્ત કર્યા હતા. આ બાઇક તેઓએ એક થાનમાંથી અને 16 મોરબીમાંથી ચોર્યાનું કબૂલ્યું હતું. જ્યારે પૂછપરછમાં વધુ એક થાનગઢના શખ્સ રાકેશભાઇ ઉર્ફે ભીમનું નામ ખૂલતા પોલીસે તેને પણ પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહીમાં પીએસઆઇ જે. બી. મીઠાપરા, જયરાજસિંહ ખેર, કરશનભાઇ લોહ, મનોજભાઇ ઝાલા, દિલીપભાઇ લકુમ સહિત થાનગઢ પોલીસ જોડાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.