Abtak Media Google News

કોરોના મહામારીમાં યોજાયેલી ચૂંટણીથી વકરેલા મહામારીના મુદ્દે પંચને જવાબદાર ઠેરવવાની જાહેરહિતની અરજી અને કોર્ટની પંચ સામે હત્યાનો ગુનો નોંધવાની ટીપ્પણીથી સુપ્રીમમાં પહોંચેલો મામલો અંતે થાળે પડ્યો: માધ્યમોને કોર્ટની કાર્યવાહી છાપવાનો અધિકાર હોવાનું ઠેરવાયું

લોકતંત્રના ચોથા સ્થંભ માધ્યમો, અખબારોને મુકઅભિવ્યક્તિના અધિકારને વિસ્તૃત છણાવટ સાથે રજૂ કરતા સુપ્રીમના એક ચુકાદામાં સુનાવણી દરમિયાન ટીપ્પણી કરવાનો મીડિયાને અબાધિત અધિકાર હોવાનું સુપ્રીમ કોર્ર્ટે ચૂકાદામાં જણાવ્યું હતું. 9 વર્ષ પહેલાના ચુકાદાને તાકીને અદાલતે જણાવ્યું હતું કે, અદાલતની કાર્યવાહી અને સુનાવણી દરમિયાન ટીપ્પણીને સમાચારના રૂપમાં પ્રસિધ્ધ કરવાની મીડિયાને અબાધિત અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જણાવ્યું હતું કે, મીડિયાને સુનાવણી દરમિયાનની ટીપ્પણીઓ પ્રસારીત કરવાનો અધિકાર છે. કોર્ટે ચૂંટણીપંચની એ અરજી ફગાવી દીધી જેમાં પંચે સુપ્રીમ કોર્ટની ટીપ્પણીઓ નહીં માત્ર ચુકાદાઓ જ પ્રસિધ્ધ કરવાની અખબારોને સ્વાયતતા આપવાની દાદ માગી હતી.

ન્યાયમુર્તિ ડી.વાય.ચંદ્રચુડ અને એમ.આર.શાહની ખંડપીઠે માધ્યમોની સ્વાયતતા અને સ્વતંત્ર્તાના અધિકારને લક્ષમાં રાખી જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે માધ્યમોને વાણી સ્વતંત્ર્તાનો અધિકાર છે. કોણ શું બોલે છે તે જોવું જોએ. સાથે સાથે ન્યાયતંત્રની ગરીમાનું પણ ધ્યાન રાખવું જોઈએ પરંતુ મીડિયાને કોર્ટની કાર્યવાહી અને ટીપ્પણી પ્રકાશિત કરતા રોકી ન શકાય. બંધારણની જોગવાઈનું પાલન કરવું જોઈએ.

પશ્ર્ચિમ બંગાળમાં કોરોનાના વાયરા દરમિયાન ચૂંટણી યોજવા અને ચૂંટણીના કારણે સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની જવાબદારી ચૂંટણીપંચની ઠેરવીને અદાલતે ટીપ્પણી કરી હતી કે, આવી બાબતમાં ચૂંટણીપંચ સામે હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ. મદ્રાસ હાઈકોર્ટની આ ટીપ્પણી અંગે ચૂંટણીપંચે સુપ્રીમમાં અરજી કરી હતી કે, ચૂંટણીપંચની પ્રતિષ્ઠા અને કાર્યઢબ પર અવળી અસર કરતી આવી ટીપ્પણી કરતા અખબારોને રોકવા પડે. સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચની માધ્યમો પર કોર્ટની ટીપ્પણીઓના રિપોર્ટીંગ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે પંચની સ્વાયતતા અને ગરીમાની દુહાઈ આપી હતી.

અમેરિકા અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં અખબારની સ્વતંત્ર્તાની ચર્ચા કરી હતી. ન્યાયમૂર્તિએ ત્રણ વર્ષ અગાઉ સોપનીલ ત્રિપાઠી કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણીના લાઈવ પ્રસારણની આધુનિક યુગની પરંપરા ગણી હતી. અખબારોના કોર્ટ કાર્યવાહીના રિપોર્ટીંગ અને ટીપ્પણીઓને રોકી ન શકાય, મીડિયાનો આ અબાધિત અધિકાર હોવાનું તેમણે જણાવ્યું હતું. એડવાન્સ ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના આ યુગમાં લોકો વધુને વધુ અદાલતની કાર્યવાહીથી વાકેફ થાય તો માધ્યમોને ટીપ્પણી કરતા રોકી ન શકાય. ન્યાય તંત્ર અને બંધારણની મુળભૂત જોગવાઈનો ભંગ ન થતો હોય તો માધ્યમોને સુનાવણી દરમિયાન ટીપ્પણી કરવાનો અબાધિત અધિકાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.