- રૂ. 10 કરોડના ખર્ચે મીડિયા મોનિટરિંગ સેલ કાર્યરત થશે
દુનિયાભરની માહિતી એકત્ર કરવા માટે હાલના સમયમાં સાધનો અને સગવડો ઉપલબ્ધ છે. સમાચારપત્રોથી માંડીને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લાખો માહિતી પ્રસારિત થતી હોય છે. પરંતુ હાલના સમયમાં નકારાત્મક અને વાયરસ બનતા સમાચારો ફેલાવવાનું જોખમ વધ્યું છે. જે લોકોને ગેરમાર્ગે દોરે છે. આવા વાઇરસ બનતી માહિતીને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે અનોખી પહેલ કરી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા દસ કરોડના ખર્ચે મીડિયા મોનિટરિંગ સેન્ટર ઊભું કરવાનું નિર્ણય લેવાયો છે.
મહારાષ્ટ્ર સરકારે રાજ્ય સંબંધિત સમાચાર પર નજર રાખવા માટે અંદાજિત રૂ. ૧૦ કરોડના ખર્ચે મીડિયા મોનિટરિંગ સેન્ટર સ્થાપવાનો નિર્ણય લીધો છે. બુધવારે જાહેર કરાયેલા સરકારી પ્રસ્તાવ મુજબ, તે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં પ્રકાશિત થતા સમાચારોનું વિશ્લેષણ કરશે. જો કોઈ સમાચાર ગેરમાર્ગે દોરનારા હોવાનું જણાશે, તો તાત્કાલિક સ્પષ્ટતા જારી કરવામાં આવશે, અને નકારાત્મક સમાચારનો તાત્કાલિક જવાબ આપવામાં આવશે.
આ કેન્દ્ર દરરોજ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત રહેશે, અને તેનું સંચાલન માહિતી અને જનસંપર્ક નિયામકમંડળ દ્વારા કરવામાં આવશે. સરકારે આ પ્રોજેક્ટ માટે વહીવટી અને નાણાકીય મંજૂરી આપી દીધી છે.
સરકારી સમાચાર એકત્રિત કરવા અને વિશ્લેષણ કરવા માટે એક વ્યાવસાયિક સલાહકારની નિમણૂક એક વર્ષના સમયગાળા માટે ઇ-ટેન્ડર પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. જો કાર્ય સંતોષકારક જણાય, તો આ સમયગાળો બે વર્ષ સુધી લંબાવી શકાય છે, પરંતુ કુલ કાર્યકાળ ત્રણ વર્ષથી વધુ રહેશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલ સરકારી યોજનાઓ અને નીતિઓ સંબંધિત સમાચારોનું સંકલિત દેખરેખ સુનિશ્ચિત કરશે, જે ભ્રામક માહિતીના ફેલાવાને અટકાવશે અને જનતાને સચોટ માહિતી પૂરી પાડશે.