Abtak Media Google News

ઈલેકટ્રીક ટુ વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને ૧૨ હજારની સહાય: ઈલેકટ્રીક રીક્ષા માટે ૪૮ હજારની સહાય

કલાયમેન્ટ ચેન્જ વિભાગના ૧૦ વર્ચ્યુઅલ એમઓયુ મુખ્યમંત્રીની ઈ-ઉપસ્થિતિમાં સંપન્ન

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે.  આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સરકાર ૧ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી ૧૦ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.  એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે.

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસની ઉજવણી રૂપે રાજ્યમાં પાંચ વિકાસ યોજનાઓની પંચશીલ ભેટ તરીકે આ પર્યાવરણપ્રિય ભેટ રાજ્યના નાગરિકોને આપી હતી. સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૫૦ લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૧૧ વર્ષ પહેલાં આજના દિવસે તેમણે ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. આ વિભાગના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા હતા.

વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલા આ સમારોહને સંબોધન કરતાં મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગ્રીન એનર્જી ક્લીન એનર્જી સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ સમક્ષ ક્લાયમેટ ચેન્જની અસરો પડકારરૂપ બની છે ત્યારે વર્ષો પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ ભવિષ્યમાં ઉભા થનારા પડકારોને લક્ષમાં રાખીને દેશમાં પહેલીવાર સમયસર ક્લાયમેટ ચેન્જ વિભાગની રચના કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં સોલાર સિસ્ટમમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત બારેય માસ મહત્તમ સૂર્ય પ્રકાશ મેળવતું રાજ્ય છે. સૂર્ય પ્રકાશથી વીજળી ઉત્પન કરી નાગરિકોને સસ્તી વીજળી આપવાનો આપણો ધ્યેય છે. સાથે જ પોતાના ઘરના રૂફટોપ પર વીજળી ઉત્પન્ન કરી વધારાની વીજળી વેચીને આવક પણ મેળવી શકે છે. એ માટે સોલાર રૂફટોપ યોજના ગુજરાતની આગવી ઓળખ બની છે. ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ક્રાન્તિ લાવવા રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વિવિધ ૧૦ સંસ્થાઓ સાથે વર્ચ્યુઅલ એમ.ઓ.યુ. પણ કર્યા હતા. વિભાગના અગ્ર સચિવ  એસ.જે. હૈદરની ઉપસ્થિતિમાં ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઈન્ફોર્મેટિકસ સાથે સ્પેશ ટેક્નોલોજી અને જીઓ ઈન્ફોર્મેટિક્સના ઉપયોગ દ્વારા ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા તથા પુન:પ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા અંગેની કામગીરી માટે એમ.ઓ.યુ. કરાયા હતા.  ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના નિયામક બીજલ શાહે આભાર વિધિ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.