જાન્યુઆરીમાં વેકસીન આવી જશે: તંત્ર તૈયાર

વેકસીન ફરજીયાત કે મરજિયાત, પેઈડ કે ફ્રી એના ઉપર હજુ પ્રશ્ર્નાર્થ

વેકસીનેશન સેન્ટરો શોધવા પ્રાંતના અધ્યક્ષ સ્થાને ટાસ્ક ફોર્સની કવાયત, દરેક સેન્ટરોમાં ત્રણ રૂમ હશે

મતદાન મથકોને વેકસીનેશન સાઇટ બનાવવા તંત્રની વિચારણા, લોકોને દૂર સુધી જવું ન પડે તેના ઉપર ખાસ ધ્યાન મુકાશે

કોરોના સામેના જંગમાં હાલ વેકસીનની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. આ વેકસીન જાન્યુઆરી સુધીમાં તંત્ર સુધી પહોંચી જાય તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી આ વેકસીન ફરજિયાત હશે કે મરજિયાત અને પેઈડ હશે કે ફ્રી તેના પર હજુ પ્રશ્નાર્થ છે. હાલ વેકસીનેશન સેન્ટરો શોધવા પ્રાંતના અધ્યક્ષ સ્થાને ટાસ્ક ફોર્સે કવાયત હાથ ધરી છે. બીજી તરફ લોકોને વેકસીનેશન માટે દૂર સુધી જવુ ન પડે તેના ઉપર ભાર મુકવામાં આવ્યો છે. જેથી મતદાન મથકોને વેકસીનેશન સાઇટ બનાવવા તંત્ર વિચારણા કરી રહ્યું છે.

કોરોના સંક્રમણથી બચવા માટે યોજાનાર કોરોના વિરોધી રસીકરણ કાર્યક્રમની ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

કલેરટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને કોરોના વિરોધી રસીકરણ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને ટાસ્ક ફોર્સ કમિટીના સભ્યોના સતત સંપર્કમાં રહેવા, કો મોર્બિડ નાગરિકોની યાદી તૈયાર કરવા માટે મતદાર યાદીના ડેટાનો ઉપયોગ કરવા અને આ કામગીરીમાં સરપંચ, સ્થાનિક આગેવાનો, બિનસરકારી સંસ્થાઓ, હોમગાર્ડઝ, એન.સી.સી., નેહરુ યુવા કેન્દ્ર, સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વગેરેના સભ્યો, અને ધર્મગુરુઓને સાંકળવા તથા સમગ્ર વહીવટી તંત્રને સામેલ કરવા પર ભાર મૂક્યો હતો. કોરોના વિરોધી રસીકરણ અન્વયે કેન્દ્રીય સરકારી વિભાગ સાથે સંકલન સાધવા તથા આ અંગેની તમામ માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા આ બેઠકમાં ભાર મુકયો હતો.

જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયાએ કોરોના વિરોધી રસીકરણની પૂર્વ તૈયારી માટે સંપૂર્ણ સજ્જ થવા ટાસ્ક ફોર્સના સભ્યોને અપીલ કરી હતી અને જિલ્લા તથા બ્લોક લેવલે અન્ય સરકારી વિભાગોના સંકલન પર ખાસ ભાર મૂક્યો હતો. બે તબક્કામાં થનારી કોરોના વિરોધી રસીકરણની કામગીરીનો પ્રથમ અનુભવ સરળ બનાવવા તથા તે અંગેના તમામ ધારા ધોરણનો ચુસ્તપણે પાલન કરવા તેમણે ટાસ્ક ફોર્સના અધિકારીઓને તાકીદ કરી હતી. કોરોના વિરોધી રસીકરણ બાદ પણ સામાજિક અંતર જાળવવા, માસ્ક પહેરવા અને સેનિટાઇઝેશન ચાલુ રાખવા તેમણે નાગરિકોને ખાસ અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા અધિકારી ડો. મિતેષ ભંડેરીએ કોરોના વિરોધી રસીકરણ અંગેના રાજ્ય સરકારના માઈક્રો પ્લાનિંગની રજેરજ વિગતો રજૂ કરી હતી. ડો. ભંડેરીએ જણાવ્યું હતું કે, કોરોના વિરોધી રસી કરણ કાર્યક્રમ માટે લાભાર્થીઓનુ રજિસ્ટ્રેશન કરવામાં આવશે, જેની પ્રથમ તબક્કાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ માટે દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા કોવિડ એપ બનાવવામાં આવે છે. ટેકનોલોજી દ્વારા સમગ્રપણે સંચાલિત થનારી આ કામગીરી હેઠળ બે તબક્કામાં કોરોના વિરોધી રસી લાભાર્થીઓને મુકવામાં આવશે, જે અંગે તમામ સરકારી માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવશે અને તમામ કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. જે લોકો રજીસ્ટર્ડ થયેલા હશે તેમને જ રસી મૂકી શકાશે. વેક્સિનેશન થયા પછી અડધો કલાક ધ્યાન રાખવાનું રહેશે. રસીનો પહેલો ડોઝ મુકાયા પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવે પછી જ બીજો ડોઝ આપવામાં આવશે. રસીકરણ કામગીરી માટે  વેઈટિંગ રૂમ, રસીકરણ રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ તૈયાર કરવામાં આવશે, જે મોટા, હવા-ઉજાસવાળા, પીવાના પાણીની સગવડવાળા, હેન્ડ વોશ અને સેનિટેશનની સુવિધાવાળા હશે. એક ટીમમાં ચાર ઓફિસર હશે પહેલા ઓફિસર પોલીસ,એન.સી.સી., હોમગાર્ડના હશે જે લાભાર્થીનું રસી પહેલાંનુ પૂર્વ પરીક્ષણ કરશે. બીજા ઓફિસર આધારકાર્ડ અથવા ઓળખપત્રની ખરાઈ કરશે ત્રીજા ઓફિસર રસી આપશે અને ચોથા ઓફિસર સમગ્ર કાર્યવાહીનું યોગ્ય સંકલન કરશે અને ભવિષ્યની જરૂરિયાતો માટેનું કાઉન્સેલિંગ કરશે, કોરોના વિરોધી રસીકરણ કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામને ટ્રેનિંગ અપાશે. પહેલા તબક્કામાં આરોગ્યના અધિકારીઓ અને કર્મચારીઓને રસી અપાશે. ખાનગી ડોક્ટર્સને પણ રસી આપવામાં આવશે. આજથી પચાસ વર્ષ પહેલા આપણે શીતળાને રસીકરણથી નાબૂદ કર્યો હતો તેવી જ રીતે ૫૦ વર્ષ બાદ યોજાનારા કોરોના વિરોધી રસીકરણ કાર્યક્રમ બાબતે નાગરિરકોએ અફવાઓ ખોટી માહિતીઓ વગેરેથી ચેતીને ચાલવાનું રહેશે અને રસીકરણ વિરોધી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ પર કડક ધ્યાન રાખવામાં આવશે.

આ બેઠકમાં પોલિસ અધિક્ષક બલરામ મીના, નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા, પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી અને ચરણસિંહ ગોહિલ, મામલતદારો, બ્લોક હેલ્થ ઓફિસર્સ, સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

રસી આપ્યા બાદ વ્યક્તિને ૩૦ મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે

કોરોનાની રસી માટે સેશન સાઇટ તૈયાર કરવામાં આવશે. આ માટે મતદાન મથકો, સમાજની વાડીઓ અને શાળાઓને ઉપયોગમાં લેવામાં આવશે. દરેક સેશન સેન્ટરોમાં એક ઓબ્ઝર્વેશન રૂમ હશે. જેમાં તમામ લોકોને વેકસીન આપ્યા બાદ ૩૦ મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે. આ દરમિયાન તેઓ ઉપર ઓબ્ઝર્વેશન રાખવામાં આવશે. બાદમાં તેઓ ત્યાંથી જઈ શકશે.

વેકસીન અને બેનીફેસિયરીનું ટ્રેકિંગ કરાશે

કેન્દ્ર દ્વારા હજુ વેકસીન વિતરણની વ્યવસ્થા પ્રયોગિક ધોરણે જ ગોઠવવામાં આવી છે. દરેક જિલ્લાઓને વેકસીન મળ્યા બાદ વેકસીનેશન કરવાની તૈયારી જિલ્લા વહીવટી તંત્રોએ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર વેકસીનનું ટ્રેકિંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત વેકસીન લેનાર વ્યક્તિનું પણ મોબાઈલ નંબરના આધારે ટ્રેકિંગ કરવામાં આવશે.

ટાસ્ક ફોર્સની કામગીરી મહત્વની બની રહેશે

વેકસીનેશનની કામગીરીમાં ટાસ્ક ફોર્સની કામગીરી ખૂબ મહત્વની રહેવાની છે. કારણકે રસી અંગે જે ગેરમાન્યતા પ્રવર્તે છે તેની સામે ટાસ્ક ફોર્સ જાગૃતિ ફેલાવશે. આ ઉપરાંત ટાસ્ક ફોર્સ તમામ સ્થળોએ વેકસીનેશન સેન્ટર આઈડેન્ટિફાય કરવા સહિતની પણ કામગીરી કરશે. માટે વેકસીનેશનની કામગીરીમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાન વાળી ટાસ્ક ફોર્સ મહત્વનો ભાગ ભજવશે.