Abtak Media Google News

 

રાજ્યમાં કોરોનાના કેસમાં જબરો ઉછાળો નોંધાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાની જાહેરાત કરી

 

અબતક, ગાંધીનગર

કોરોના સંક્રમણને પગલે સરકારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022 સમિટ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.  ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને પગલે આ નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10 મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટના આયોજન માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી હરહંમેશ માનવજાતના કલ્યાણ, સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારીના હિત ચિંતક રહ્યા છે

વાયબ્રન્ટ સમિટને ઉત્સાહભેર પ્રતિસાદ આપનાર તમામનો આભાર: મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ગુજરાત વિકાસનું વૈશ્વિક મોડેલ છે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના મૂડીરોકાણ કારો, ઉદ્યોગકારો, નિવેશકો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહી છે. આ સમિટમાં વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતના સંચાલકોએ સહભાગિતા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું  હતું. આ 10 મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યને વિશ્વ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પાર કરાવે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારે તેનું સમયબદ્ધ આયોજન કર્યું હતું. આ સમિટમાં પાર્ટનર ક્ધટ્રી તરીકે જોડાયેલા રાષ્ટ્રો તથા સમિટમાં આવનારા મહાનુભાવો, ડેલિગેશન પ્રત્યે મુખ્યમંત્રીએ આભારની લાગણી વ્યક્ત કરી છે અને તેમના તરફથી આવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ ભવિષ્યમાં પણ મળશે તેવી અપેક્ષા દર્શાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટના પૂર્વાધ રૂપે યોજાયેલી

પ્રિ-વાયબ્રન્ટ સમિટની સફળતામાં સહયોગી કેન્દ્ર સરકારના મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓનો આભાર માન્યો છે. તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, વેપાર-ઉદ્યોગ મંડળોએ ખૂબ જ ટૂંકાગાળામાં આવી સમિટના આયોજનને સફળ બનાવવા માટે આપેલા સહકારને બિરદાવ્યો છે.

અગાઉ વર્ચ્યુઅલ સમિટ યોજવાની પણ વિચારણા કરાઈ હતી

સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમીટનું જાજરમાન આયોજન કરવામા આવ્યું હતું. પણ સામે કોરોનાના વધતા જતા કેસ પડકારરૂપ બન્યા હતા. ત્યારે સરકારને વર્ચ્યુઅલ વાઈબ્રન્ટ યોજવાનો ઓપ્શન આપવામાં આવી રહ્યો હતો પણ આ માફક ન હોય સરકાર મચક આપતી નહોતી. જો કે અંતે વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદનો ફ્લાવર શો પણ રદ

અમદાવાદ રિવરફ્રન્ટ પર મહાનગરપાલિકા  દ્વારા ફલાવર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પણ અમદાવાદમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેને ધ્યાને લઇ મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શો પણ રદ કરવાની જાહેરાત કરાઈ છે. જેની સત્તાવાર જાહેરાત બપોરે સ્ટેન્ડિંગ કમિટીમાં કરાશે.

પતંગોત્સવના આયોજનની શકયતા પણ નહિવત

રાજ્યમાં 14 જાન્યુઆરી પૂર્વે રાજયકક્ષાના તેમજ જિલ્લા કક્ષાના પતંગોત્સવ યોજાતા હોય છે. જેમાં દેશ વિદેશથી પતંગબાજો આવતા હોય છે. ત્યારે કોરોનાના કેસ વધતા આ પતંગોત્સવને પણ ગ્રહણ લાગે તેવી શકયતા સેવાઇ રહી છે. હાલની સ્થિતિ મુજબ પતંગોત્સવના આયોજનની શકયતા નહિવત લાગી રહી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.