ઉપરાષ્ટ્રપતિ કાર્યકાળના અંતિમ દિવસોમાં ખેડશે સૌરાષ્ટ્રનો પ્રવાસ

6 ઓગસ્ટે સોમનાથ અને દ્વારકાની મુલાકાત લેશે, રાજકોટ એરપોર્ટ ઉપર ટૂંકું રોકાણ કરે તેવી શકયતા

ઉપરાષ્ટ્રપતિ કાર્યકાળના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્રનો પ્રવાસ ખેડવાના છે. તેઓ 6 ઓગસ્ટે સોમનાથ અને દ્વારકાની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ રાજકોટ એરપોર્ટ ઉપર ટૂંકું રોકાણ કરે તેવી પણ શકયતા સેવાઇ રહી છે.

દેશમાં 6 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે.  વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.  ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ પણ 6 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. 6 ઓગસ્ટના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા ચાલશે.ત્યારબાદ ચૂંટણીના પરિણામો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે.  ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ સમાપ્ત થશે. તેના ચાર દિવસ પહેલા નવા ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે બંધારણના અનુચ્છેદ 66 મુજબ ઈલેક્ટોરલ કોલેજમાં કુલ 788 સાંસદો છે.  તેમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સભ્યો અને 12 નામાંકિત સભ્યો તેમજ લોકસભાના 543 સભ્યોનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીની જેમ આમાં પણ વોટનું મૂલ્ય અલગ-અલગ નથી હોતું, પરંતુ દરેક સાંસદના વોટનું મૂલ્ય એક જ હોય આ વખતે ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે મતદાન અધિકારી લોકસભાના મહાસચિવ હશે.  કારણ કે નિયમો મુજબ લોકસભા અને રાજ્યસભાના મહાસચિવ રોટેશન દ્વારા પોલિંગ ઓફિસર હોય છે.

મહત્વની વાત એ છે કે જે દિવસે મતદાન થવાનું છે. તે જ દિવસે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સૌરાષ્ટ્રનો પ્રવાસ ખેડવાના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ 6 ઓગસ્ટના રોજ સોમનાથ અને દ્વારકાની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ રાજકોટની પણ ટ્રાન્ઝિટ વિઝીટ કરે તેવી પ્રબળ શકયતા છે. બીજી તરફ આ સંભવિત વિઝીટને લઈને જિલ્લા કલેક્ટર પણ તૈયારી શરૂ કરવાનું છે. આ સંદર્ભે તેઓ સોમવારના રોજ બેઠક પણ યોજવાના હોવાનું જાણવા મળ્યું છે.