Abtak Media Google News

જળાશયોના ઉપયોગનો વ્યાપ વધારવાની દિશામાં દેશમાં અખુટ ઉપલબ્ધીઓ હોવા છતાં આપણે હજુ ઘણુ જ કરવાનું બાકી છે. સામાન્ય રીતે સિંચાઈ યોજના અને ડેમનો ઉપયોગ માત્રને માત્ર પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીના ઉપયોગ માટે કરવામાં આવતું હોવાની પરંપરાગત માન્યતા હવે તેના આયામો બદલી રહી છે. ભારતની ભૌગોલીક પરિસ્થિતિ અને જળ સંશાધન અને પર્યાવરણની ઉપલબ્ધીઓનો ઉપયોગ કુલ ક્ષમતામાંથી હજુ માત્ર ૧૫ થી ૧૬ ટકા જ થાય છે. કૃષિ પ્રધાન ભારતમાં હજુ પણ જળ સંશાધન સ્ત્રોતના યોગ્ય ઉપયોગના અભાવે આપણી ખેતી સંપૂર્ણપણે મૌસમ આધારીત છે. દાયકામાં બે થી ત્રણ વાર અતિ વૃષ્ટિ કે અનાવૃષ્ટિનો ભોગ બનવું પડે છે. વિશ્ર્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતા ચેરાપુંજીના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પીવાના પાણીની અછતનો પ્રશ્ર્ન ઉકેલાયો નથી. વિશ્ર્વમાં જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્તો હોય ત્યાં જ પાણીની અછત હોય તે કેવી અવ્યવસ્થા ?

ભારતમાં દરેક પંચવર્ષીય યોજનાઓમાં જળાશયોના નિર્માણ અને વરસાદી પાણીના સંગ્રહ, જળ સંચયની પ્રવૃતિને મહત્વ આપવામાં આવી રહ્યું છે. દરેક વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણીના સ્ત્રોતો છે ત્યાં સિંચાઈ યોજનાઓનું નિર્માણ કાર્ય ચાલુ જ છે. ગુજરાતનું નર્મદા પર ઉભા થયેલા કલ્પસર સરોવરની પરિયોજના આ આયામના એક મહત્વપૂર્ણ સફળતા ગણવામાં આવે છે. સરકાર હવે જળાશયોની ઉપલબ્ધીનો ઉપયોગ અને તેના આયામો વિસ્તૃત કરવાની દિશામાં જે રીતે આગળ વધી રહી છે તે જોતા આવનાર દિવસોમાં કૃષિ ક્રાંતિની સાથે સાથે જળાશયોના વિકાસને લઈને અનેકવિધ પરિણામ‚પ કાર્યો મળશે. અત્યાર સુધી માત્ર પીવાના પાણી અને ખેતી માટે ડેમના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ભારતમાં પણ ચીન, અમેરિકા, સ્વીત્ઝરલેન્ડ અને વિશ્ર્વના અનેક પ્રવાસન ક્ષેત્રે વિકસીત દેશોની જેમ ભારતમાં પણ ડેમ, સિંચાઈ યોજના અને જળાશયોની સાઈટો અને જળ રાશીનો પ્રવાસન હેતુ ઉપયોગ કરવાની દિશામાં પ્રથમ ડગલુ ભરવામાં આવી રહ્યું છે. ડેમ સાઈટ પર પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કેવા પરિણામો લાવી શકે તે કેવડીયા પાર્ક ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં જે રીતે પ્રાણી સંગ્રહાલયથી લઈને વોટરપાર્ક અને વિકસીત પ્રવાસન ધામનો વિકાસ કરવામાં આવ્યો તે સમગ્ર વિશ્ર્વ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યું છે. ગુજરાતે આ દીશામાં એક નવી જ દિશા કંડારી છે.

રાજ્ય અને દેશમાં ઘણી એવી જગ્યાઓ, જળાશય, સિંચાઈ યોજના અને નાના મોટા ડેમ, જુનવાણી સરોવરોની અખુટ વિરાસત પડેલી છે. તેના પ્રવાસન યોગ્ય વિકાસ કરવાનો આ વિચાર જો અક્ષરસ: અમલમાં આવે તો ગુજરાત સહિત દેશમાં પ્રવાસન ક્ષેત્ર અને તેના સંલગ્ન ક્ષેત્રનો ભરપુર વિકાસ થાય. માનવજાતની પ્રકૃતિ, પાણી સાથેના પ્રેમ અને લગાવની કુદરતની દેણકી ધરાવે છે. જળ એ જ જીવન છે તેવી જ રીતે માનવીનો પાણી પ્રેમ તેની પ્રાકૃતિક તાસીર છે. નાનાથી લઈ મોટો માણસ પાણીના સંગાથે રહેવા, જીવવા અને તક મળે તેને માણવા આતુર જ રહે છે ત્યારે જળાશયોની પ્રવાસનની દ્રષ્ટિએ વિકાસ કરવાની સરકારની આ પહેલ પ્રવાસન ક્ષેત્રે અને સ્થાનિક વિકાસની દ્રષ્ટિએ ક્રાંતિકારી સાબીત થશે તેમાં બે મત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.