કેનેડાના નાયેગ્રા વોટરફોલની લહેરો પણ કરશે ત્રિરંગાના રંગોમાં સ્નાન

13 ઓગસ્ટ, નવી દિલ્હી: આ વખતે સ્વતંત્રતા દિવસના અવસરે દુનિયા ભારતના ત્રિરંગાનો જલવો જોશે, તેનું કારણ ત્રિરંગાની રોશનીમાં ઝગમગી ઉઠેલા વિશ્વના અનેક દેશોની પ્રસિદ્ધ બિલ્ડીંગો તેમજ પ્રવાસન સ્થળો બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇચ્છા અનુસાર ભારતીય વિદેશ મંત્રાલયે આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના એક ભાગરૂપે આયોજિત થનારા આ કાર્યક્રમ માટે મંત્રાલયે વિશ્વના અનેક દેશોના પ્રસિદ્ધ બિલ્ડીંગો અને પર્યટન સ્થળો પસંદ કરી લીધા છે અને તેને સંબંધિત તમામ ઔપચારિકતાઓ પણ પૂરી કરી દીધી છે.

મંત્રાલયના નિર્દેશ અનુસાર આ વખતના આઝાદીના પર્વ માટે દુનિયાભરમાં સ્થિત ભારતીય દૂતાવાસોએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમેરિકા, બ્રિટન, દુબઈ સહિત અનેક મોટા દેશોની 75 પ્રસિદ્ધ બિલ્ડીંગો અને પર્યટન સ્થળો 15 ઓગસ્ટની સાંજથી 16 ઓગસ્ટની સવાર સુધી ભારતીય ત્રિરંગાની રોશનીમાં ઝગમગાટ કરતા જોવા મળશે. આ ઉપરાંત, કેનેડા સ્થિત વિશ્વપ્રસિદ્ધ નાયેગ્રા વોટરફોલ્સની લહેરો પણ ત્રિરંગાના રંગોમાં સ્નાન કરતી જોવા મળશે. જે મુખ્ય બિલ્ડીંગોને ત્રિરંગાની રોશનીવાળી લાઇટોથી સજાવવામાં આવશે તેમાં જિનિવા સ્થિત સંયુક્ત રાષ્ટ્રસંઘનું હેડક્વાર્ટર, અમેરિતાની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ, દુબઈનું બુર્જ ખલિફા, રશિયાનો ઇવોલ્યુશન ટાવર, સાઉદી અરેબિયાના અબુધાબી શહેરનો પ્રસિદ્ધ એડીએનઓસી ગ્રુપ ટાર અને યુનાઇટેડ કિંગડમનો બર્મિંઘમ પુસ્તકાલય ભવનનો સમાવેશ થાય છે.

વિદેશ મંત્રાલયના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવ જનભાગીદારીનું અભિયાન છ. તેનો ઉદ્દેશ ગૌરવની એ ક્ષણોને યાદ કરવાનો છે, જેની સાથે ભારતની આઝાદીનો ઇતિહાસ સંકળાયેલો છે. તેની શરૂઆતની સાથે જ મોટી સંખ્યામાં વિદેશોમાં રહેતા ભારતીયો ખૂબ ઉત્સાહથી આ મહોત્સવમાં જોડાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ 15 ઓગસ્ટે સમગ્ર દેશ આઝાદીનો 75મો પર્વ ઉજવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચ, 2021ના રોજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાન શરૂ કર્યું હતું. આ એ જ તારીખ છે, જે દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 1930માં દાંડી યાત્રા શરૂ કરી હતી. 12 માર્ચ, 2021થી શરૂ થયેલું આ અભિયાન 15 ઓગસ્ટ, 2022 સુધી ચાલશે.