આતુરતાનો અંત… નવલકથાકાર મોહનલાલ ધામીના હસ્તે કંડારાયેલી લોકકથા “પ્રેમનો મારગ સૂરાનો” અબતકમાં પ્રસિધ્ધ થશે

ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત નવલકથાકાર વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામીના વરદ હસ્તે કંડારાયેલી લોકકથા “પ્રેમનો મારગ સૂરાનો” અબતકમાં પ્રસિધ્ધ થશે. આંસુ, વેદના, શૌર્ય અને સમર્પણના ભાવોથી ઉભરાતી લોકકથા વાચકો માટે પ્રેરણાદાયી બનશે.

સૌરાષ્ટ્રનું લોકસાહ્ત્યિ માત્ર અમર છે એમ નથી અપૂર્વ અને પ્રેરણાના પીયુષ સમુ પણ છે. ગુજરાતના અને ગુજરાતી ભાષાના પ્રસિધ્ધ નવલકથાકારો, લેખકોમાં ગૌરવવંતુ એક નામ એટલે મોહનલાલ ચુનિલાલ ધામી કે જેઓની એકસો પંચોતેરથી વધુ નવલ કથાઓ પ્રસિધ્ધ થઈ ચૂકી છે.

ઉતર ગુજરાતનાં પાટણ ખાતે જન્મેલા મોહનલાલ ચુનિલાલ ધામી કે જેઓમાં બાલ્યકાળથી જ લોકસાહિત્યનો નાદ ગુંજી રહ્યો હતો તેનું બાળપણ ચોટીલામાં પસાર થયું હોવાથી ગ્રામ્ય જીવનના સંસ્કારો તેના જીવનના પાયામાં સીંચાયેલા હતા. ધામીએ યુવાનીના પ્રથમ પગથીયે ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છની વિરાટ પદયાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન ત્રણેય પ્રદેશની લોકયાત્રાનો પરિચય થયો. જેમાં ઘણી કથાઓ, ગીતો, દુહા-સોરઠા વગેર પ્રાપ્ત થયા. જેના સંગ્રહની નાની-મોટી અનેક પુસ્તીકાઓ આજપણ તેના યૌવનના મધુર સ્મરણ રૂપે જોવા મળે છે. તેના સૌ પ્રથમ લોકવાર્તાના પુસ્તકમાં ‘પ્રણયના પંથે’ નામની લોકવાર્તા લખેલી અને ત્યારબાદ લોક લડતમાં ગુંથાયા હતા.

સૌરાષ્ટ્ર-ગુજરાતનાં અનેક પ્રસિધ્ધ અખબારોમાં તથા સામયિકોમાં નવલકથા ઉપરાંત વાર્તાઓ, અગ્રલેખો તેમજ આરોગ્ય વિષયક લેખો નિયમિત રૂપે પ્રસિધ્ધ કરી આયુર્વેદની પ્રતિષ્ઠા દિપાવી હતી.

તેઓનું સદાચાર, આર્ય સંસ્કૃતિ, ધર્મ અને સાદાયભર્યું જીવન એ તેમની એક ખાસ વિશેષતા હતી. આવા પ્રખર લેખક મોહનલાલ ચુનિલાલ ધામીનો તા. 2/4/1981ના રોજ દેહ વિલય થયો હતો. પરંતુ તેઓએ રચેલી નવલકથાઓ, લોકવાર્તા કે જેમાં આંસુ, વેદના, શૌર્ય અને સમર્પણની ઝાંખી કરાવતા પુસ્તકોના વાંચન રસીઆઓનાં હૃદયમાં આજ પણ જીવંત હોય તેવી પ્રતિતિ થયા વિના રહે નહીં.