Abtak Media Google News

આંદોલનને પંજાબના રાજકારણની ભારે અસર થશે, હિંસા બાદ હવે ટૂંક સમયમાં આંદોલનનો અંત આવે તો નવાઈ નહિ

અબતક, નવી દિલ્હી : નબળું પડેલું કિસાન આંદોલન હવે હિંસક બની ગયું છે. ઉત્તરપ્રદેશમાં આંદોલનને લઈને હિંસા પ્રવર્તી છે. બીજી તરફ આંદોલનને પંજાબનું રાજકારણ ભારે અસર કરવાનું છે. હિંસા થયા બાદ હવે ટૂંક સમયમાં આંદોલન ટાઢું પડે અને તેઓ અંત આવે તો નવાઈ નહિ.

કૃષિ બીલના વિરોધમાં લાંબા સમયથી કિસાન આંદોલન શરૂ છે. આ આંદોલનમાં અનેક પક્ષોએ રાજકીય રોટલા પણ શેકી નાખ્યા છે. પણ હવે તો એવો ઘાટ સર્જાયો છે કે ખેડૂત સંગઠનો પણ આ આંદોલન પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ પણ ખેડૂત સંગઠનોને આડે હાથ લીધા હતા. તેઓના વિરોધને લઈને સુપ્રીમે તેઓને ખખડાવ્યા હતા. કારણકે હવે ખેડુત આંદોલનથી સામાન્ય પ્રજાને પરેશાની થવા લાગી છે.

બીજી તરફ આ ખેડુત આંદોલને હિંસક સ્વરૂપ પણ ધારણ કર્યું છે. ઉત્તરપ્રદેશમાં ખેડૂતોના વિરોધને પગલે મોટો હોબાળો થયો હતો. જેમાં 4 ખેડૂત અને ભાજપના 4 કાર્યકરોના મોત પણ નિપજ્યા હતા. આ આંદોલનમાં પંજાબનું રાજકારણ પણ મહત્વનો ભાગ ભજવવાનું છે. કોંગ્રેસથી છુટા પડેલા કેપ્ટન આ આંદોલનનો અંત લઈ આવે તેવી સરકારને આશા છે. જો કે કેપ્ટન તેનો જશ ન લઈ જાય એટલે બીજા નેતાઓએ પણ આંદોલનનો અંત લઈ આવવા માટે દોટ મૂકી દીધી છે. આ ઘટના બાદ આંદોલનમાં હિંસક સ્વરૂપ પણ આવ્યું એટલે હવે આ આંદોલનના અંતિમ દિવસો બને તેવી શક્યતાઓ છે.

પંજાબમાં કેપ્ટન પછી કેપ્ટન બનવાની સિઝન જામી

પંજાબમાં કેપ્ટને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી કોંગ્રેસ સાથે છેડો ફાડયા બાદ હવે નવા કેપ્ટન બનવા માટે સિઝન જામી છે. સિદ્ધુ પણ આ જ દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ નવી બનેલી ચન્ની સરકાર પર શાબ્દીક હુમલો કર્યો છે. આ વખતે પણ સિદ્ધુના નિશાન પર ડીજીપી ઇકબાલપ્રીત સહોતા અને એડવોકેટ જનરલ  એપીએસ દેયોલ જ છે.

સિદ્ધૂએ કહ્યું હતું કે તેમની નિમણૂંક કરીને પંજાબ સરકારે પીડિતોના ઘા પર મીઠું નાંખ્યું છે. સિદ્ધૂએ વધુમાં કહ્યું કે આ બંનેને કોઈપણ સંજોગોમાં બદલવા જ પડશે નહિતર અમે પંજાબના લોકોને મોઢું પણ નહીં બતાવી શકો. સિદ્ધુ સતત આ બંને અધિકારીઓને દૂર કરવા માટે મક્કમ છે. સિદ્ધુએ તેમની નિમણૂંક બાદ જ રાજીનામું આપ્યું છે.

યુપીમાં મંત્રીના કોન્વે સામે ખેડૂતોના વિરોધથી હંગામો, 4 ખેડૂતો અને 4 ભાજપના કાર્યકરોના મોત

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના તિકુનિયા વિસ્તારમાં ભારે હંગામો થયો છે. અહીં મંત્રીના પુત્રએ ખેડૂતો પર વાહન ચલાવ્યુ હોવાનો આરોપ લાગ્યો છે. ખેડૂતો મંત્રી વિરુદ્ધ વિરોધ કરવા જઇ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના ગામની મુલાકાતને ધ્યાનમાં રાખીને ભાજપના નેતાના પુત્ર નાયબ પ્રધાનને રિસીવ કરવા જઇ રહ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ ભાજપ નેતાના પુત્ર આશીષ મિશ્રાનો વિરોધ કર્યો અને ત્યારે ઘર્ષણ થયું.

વાહનના અડફેટે આવતા કેટલાક ખેડૂતો ઇજાગ્રસ્ત થયા, તે પછી નારાજ ખેડૂતોએ સાંસદના પુત્ર તથા એક અન્ય વાહનને આગ ચાપી દીધી હતી.લખીમપુર ખીરીના તિકુનિયા ખાતે યોજાનારા કુસ્તી કાર્યક્રમમાં નાય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના આગમન પહેલા કૃષિ કાયદાના વિરોધમાં કાળા ઝંડા બતાવીને ખેડૂતો સાથે ઘર્ષણ થયું હતું. ભાજપના નેતાઓ સામે વાહન ચઢાવવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ બનાવમાં 4 ખેડૂતોના મોત નિપજ્યા છે. સામે ખેડૂતોએ 4 ભાજપના કાર્યકરોને મારી નાખ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આમ આ દુર્ઘટનામાં કુલ 8ના જીવ ગયા છે.

દુર્ઘટના સ્થળે જતા પ્રિયંકાની પોલીસે કરી અટકાયત

લખીમપુર ખીરી મામલે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાઈ ગયું છે અને અલગ અલગ પાર્ટીઓના નેતા લખીમપુર ખીરી આવવાની કોશિશમાં છે. યુપી પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે. પ્રિયંકા ગાંધી કાલે રાતે લખનઉથી લખીમપુર ખીરી માટે રવાના થયા હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાનો કાફલો પોલીસને ચકમો આપીને લખીમપુર ખીરી માટે નીકળ્યો હતો. બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીની સીતાપુરના હરગાંવથી અટકાયત કરી અને તેમને પોલીસ લાઈન લઈ જવાયા હતા. આ સાથે જ કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડાની પણ અટકાયત કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.