એસટીના પૈડાં ધીમા પડ્યા, ઠંડીએ આવકમાં તોતિંગ ઘટાડો

સામાન્ય દિવસોમાં એસ.ટી ડિવિઝન દૈનિક રૂ.૩૨ લાખની આવક કરતું જ્યારે છેલ્લા અઠવાડિયાથી દૈનિક આવક રૂ.૨૭ લાખ થવા પામી

રાજકોટમાં એસ.ટીના પૈડાં ધીમા પડી ગયા હોય તેમ ઠંડીના લીધે આવકમાં તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. હાલ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કડકડતી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે એકબાજુ રાત્રી કર્ફયુ અને બીજી બાજુ બોકાસો બોલાવતી ઠંડીને લઈ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી જેને લઇ રાજકોટ એસ.ટી ડિવિઝનની આવકમાં નોંધપાત્ર ધટાડો જોવા મળ્યો છે.

રાત્રી કર્ફયુ, કમુરતા અને ગાત્રો થિજાવતી ઠંડીને કારણે રાજકોટ એસ.ટીના પૈડાં પણ ઠંડા પડી ગયા છે. રાત્રી કર્ફયુને કારણે રાજકોટથી અમદાવાદ, સુરત અને વડોદરા જતી બસના રાત્રી રૂટ બંધ થયા છે જેને કારણે એસ.ટીની દૈનિક આવકમાં રૂપિયા ૪ લાખનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોની વાત કરવામાં આવે તો એસ.ટીને દૈનિક રૂપિયા ૩૧ લાખ જેટલી આવક થવા પામેં છે. જેની સામે અત્યારે રૂપિયા ૨૭ લાખની જ આવક થાય છે.

આ સંદર્ભે રાજકોટ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામક યોગેશ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ એસ.ટી નિગમની આવકમાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનું મુખ્ય કારણ રાત્રી કર્ફયું હોવાથી લાંબા રૂટની બસ બાયપાસ જાય છે. જેથી શહેરમાં આવતી નથી. ઊપરાંત ઠંડીનું જોર પણ છેલ્લા દિવસોમાં વધ્યું હોય, મુસાફરો સામાન્ય દિવસો કરતા ઓછા જોવા મળે છે. અને બીજીબાજું લગ્નની સિઝન પણ પુરી થઈ ગઈ છે કમુરતાની પણ ખાંસી અસર એસ.ટીને વર્તાઈ રહી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ તો સામાન્ય દિવસની આવક કરતા છેલ્લા અઠવાડિયાથી દૈનિક રૂપિયા ૪ લાખની ખોટ થઈ રહી છે. રાજકોટ ડિવિઝનની બસ દ્વારા અગાઉ દરરોજ રૂ. ૩૧ લાખની આવક થવા પામતી હતી જ્યારે હાલ કર્ફયું અને ઠંડીને કારણે દૈનિક આવક રૂ.૨૭ લાખ થવા પામી છે. જ્યારે કર્ફયુ હટશે અને ઠંડીમાં ઘટાડો થશે ત્યારબાદ પુન: સામાન્ય દિવસો મુજબ એસ.ટી પુરપાટ દોડશે.