Abtak Media Google News

અમેરિકા, બ્રિટન, રશિયા અને ઇઝરાયલ સહિતના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં

ભારતમાં દરરોજ ૧૩ લાખ લોકોને રસી આપવાની યોજના

પ્રથમ તબક્કામાં ૩૦ કરોડ ભારતીયોને ડોઝ આપવાનો ખર્ચ ૨૭ હજાર કરોડ જ્યારે બીજા તબક્કામાં ૫૦ કરોડના રસીકરણનો ખર્ચ ૪૫ હજાર કરોડમાં પડશે!!

કોરોના વાયરસના કારણે છવાયેલી વૈશ્વિક મહામારીમાંથી મૂકત થવા દરેક રાષ્ટ્રની સરકારો, વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સંગઠનો તેમજ વૈજ્ઞાનિકો અથાગ પ્રયાસો કરી રહ્યા છે. જટ કોરોનામાંથી ઉગરવું કેમ?? તે માટે મથામણ અવિરતપણે ચાલુ છે. આ માટે અમેરિકા, બ્રિટન, રશિયા, ઈઝરાયેલ તેમજ સાઉદી આરબનાં દેશોમાં મોટાપાયે રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. જયાં ફાઈઝર અને મોડર્ના રસીનાં ડોઝ અપાઈ રહ્યા છે. કોરોનાને નાથવા વિશ્વ આખું રઘવાયું બન્યું છે. ત્યારે હવે, આગામી ૭ થી ૧૦ દિવસમાં ભારતમાં વિશ્ર્વનુય સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. જેને લઈ તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. તેમ છતાં આ તૈયારીઓ અને વ્યવસ્થાની ચકાસણી કરવા આવતીકાલે દેશભરમાં ફરી એકવાર ડ્રાયરન થવાનું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રસીકરણ ઝુંબેશ એક વખત શરૂ થઈ ગયા બાદ દેશમાં દરરોજ ૧૩ લાખ લોકોને રસી અપાશે. એસબીઆઈ દ્વારા કરાયેલા સર્વે મુજબ, પ્રથમ તબકકામાં જે ૩૦ કરોડ હેલ્થ વર્કરો અને જરૂરિયાતમંદોને રસીનાં ડોઝ આપવાના છે. તેમાંથી દરરોજ ૧૩.૨૭ લાખ લોકો રસીકરણ કરાશે. ૩૦ કરોડને રસીનાં ડોઝનું લક્ષ્યાંક ઓગષ્ટમાસ સુધીમાં પૂર્ણ થાય તેવી ધારણા છે. આ માટે રૂપીયા ૨૧ થી ૨૭ હજાર કરોડનો ખર્ચ થશે. જયારે બીજા તબકકામાં ૫૦ કરોડને રસીનાં ડોઝ આપવા માટે રૂપીયા ૩૫ થી ૪૫ હજાર કરોડનો ખર્ચ વેઠવો પડશે.

એસબીઆઈનાં અહેવાલ પ્રમાણે જો ભારત દરરોજ માત્ર ૧૫,૬૪૫ લોકોને રસીના ડોઝ આપશે તો પણ મહામારી સામે સરળતાથી લડી શકશે. માત્ર ૧૫,૬૪૫ લોકોને રસી આપી પણ ભારત એન્ડેમીક ઈકવેલીબ્રીયમ (ઈઈ) હાંસલ કરી શકવા સક્ષમ છે. એન્ડેમીક ઈકવેલીબ્રીયમ એટલે વાયરસના ફેલાવા પર સો ટકા કાબુ મેળવી લેવો. રસીકરણ પાછળ અબજો રૂપીયાનો ખર્ચનો આંકડો જીડીપીના ૦.૩ થી ૦.૪ ટકા છે.વહીવટી ખર્ચની વાત કરીએ, તો સીરમ ઈન્સીટયુટ સરકારને ૨૫૦ થી ૩૦૦ રૂપીયામાં ડોઝ આપશે જયારે ભારત બાયોટેક માત્ર રૂ.૧૦૦માં ડોઝ આપશે.

લોકોની માનસિકતા બદલવી તે પણ સરકાર માટે મોટો પડકાર

કોરોના વાયરસને રોકવા માટે રસીકરણની તૈયારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તડામાર ચાલી રહી છે. જોકે તૈયારીઓની સાથોસાથ લોકોની માનસિકતા બાબતે પણ પડકાર ઉભા થયા છે. કોરોનાની રસી મુદ્દે ઉડેલી અફવા અને ગેરસમજણના કારણે મોટા પ્રમાણમાં લોકો રસી લેવા ઇચ્છતા નથી, તેવું જાણવા મળે છે. આવી સ્થિતિમાં કોરોના વકરે નહીં તે માટે લોકોને સમજાવવાના અભિયાન ચલાવવા પડશે તેવી સ્થિતિ ઉભી થઇ છે.  તંત્રને લોકો સુધી પહોંચવું પડશે. કોરોના રસીથી આડઅસર થશે કે કેમ? તે મોટો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. જેનો યોગ્ય જવાબ તંત્રને આપવો જ પડશે. ત્યારબાદ જ લોકોને રસિક માટે તૈયાર કરી શકાશે અને વિશ્વનું આ સૌથી મોટું રસીકરણ અભિયાન સફળ બનશે. કોરોના મહામારીમાં જેટલો પડકાર લોકોને સાવધ અને સતર્ક રાખવાનો હતો એટલો જ પડકાર રસી મુકાવવા માટે તૈયાર કરવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.