માલવીયા ચોકથી ત્રિકોણબાગ સુધીનો રોડ પહોળો કરવાનું કોકડુ વધુ ગુંચવાયું

કપાતમાં આવતી ૨૦ મિલકત ધારકોને એક વર્ષ પૂર્વે નોટિસ અપાતા નવ આસામીઓએ વાંધો ઉઠાવ્યો: હિયરીંગ માટે કમિશનરની ઢીલ

રાજકોટમાં સતત વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે શહેરના અલગ અલગ રાજમાર્ગોને પહોળા કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત મહાપાલિકા દ્વારા મિલકત કપાતમાં લેવા લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ દાખલ કરવામાં આવેલી છે. શહેરના હાર્દસમા યાજ્ઞીક રોડને માલવીયા ચોકથી ત્રિકોણબાગ સુધી ૩ મીટર પહોળો કરવા ૧૦ વર્ષ પૂર્વે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ લાગુ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ રોડ પહોળો થયો નથી. એક વર્ષ પૂર્વે કપાતમાં આવતી મિલકતોને નોટિસ ફટકારાયા બાદ કોકળુ વધી ગુંચવાઈ ગયું છે. ૨૦ પૈકી ૯ મિલકત ધારકોએ કપાત સામે વાંધો ઉઠાવી રૂબરૂ સાંભળવા બોલાવ્યા છે. બીજી તરફ કમિશનર દ્વારા કપાત ધારકો પાસે હિયરીંગ માટે મીટીંગ બોલાવવામાં ભેદી ઢીલ દાખવવામાં આવી રહી છે.

આ અંગે કોર્પોરેશનના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના માલવીયા ચોકથી લઈ ત્રિકોણબાગ સુધીનો રસ્તો જેને શહેરીજનો યાજ્ઞીક રોડ તરીકે ઓળખે છે પરંતુ આ રાજમાર્ગનું મુખ્ય નામ સર લાખાજીરાજ રોડ છે. રોડની હયાત પહોળાઈ ૧૬.૫૦ મીટરથી જેને ૨૨ મીટર સુધી પહોળો કરવા બન્ને સાઈડ ૩-૩ મીટર મિલકત કપાતમાં લેવા કોર્પોરેશન દ્વારા તા.૨૬-૬-૨૦૧૦ના રોજ ઠરાવ કરી લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરવામાં આવી હતી. એલઓપી જાહેર કરાયા બાદ તંત્ર ૯ વર્ષે જાગ્યુ હતું અને રોડ પહોળો કરવા માટે કપાતમાં આવતી જી.ટી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, રાજકોટ જીમખાના કલબ, સાનિધ્ય એપાર્ટમેન્ટ, ટીવીએસ શો-રૂમ, કોરોના મોટર્સ, અધિક્ષક ઈજનેરની કચેરી, એડન ઈલેકટ્રોનિકસ, જર્નાદન ટાઈમ્સ, જય એસ્ટેટ, માંગરોળનો ઉતારો અને રવા વિલા સહિત ૨૦ મિલકત ધારકોને ગત વર્ષે ૨૦૧૯માં કપાતની નોટિસ આપવામાં આવી હતી. કપાતની નોટિસ મળ્યા બાદ એડન ઈલેકટ્રોનિકસ, જર્નાદન ટાઈમ્સ, કોરોના મોટર્સ, અર્જૂનસિંહ એમ.જાડેજા (રવા વિલાસ), માંગરોળનો ઉતારો, જી.ટી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ અને જય એસ્ટેટ સહિતના ૯ મિલકત ધારકોએ કપાતનો એક તરફી નિર્ણય લીધા પૂર્વે પોતાને રૂબરૂ સાંભળવા એવો વાંધો રજૂ કર્યો હતો. જેને પણ મહિનાઓ વિતી ગયા છતાં મ્યુનિ.કમિશનર દ્વારા કપાતમાં અસરગ્રસ્તો સાથે હિયરીંગ બેઠક યોજવામાં આવી નથી. શહેરના યાજ્ઞીક રોડ ઉપરાંત અમીન માર્ગ, કાલાવડ રોડ સહિતના રાજમાર્ગો પહોળા કરવા માટે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ દાખલ કરાયા બાદ મિલકત ધારકોને નોટિસ પણ આપી દેવામાં આવી છે. કપાતમાં અસરગ્રસ્તોએ કપાત સામે વાંધા ઉઠાવ્યા છે પરંતુ મહાપાલિકા દ્વારા તેઓની સાથે હિયરીંગ મીટીંગ યોજવામાં ભેદી ઢીલ દાખવવામાં આવી રહી છે. જેના કારણે મુખ્ય રાજમાર્ગો પહોળા કરવાનું સતત પાછુ ઠેલવાય છે અને કપાતનું કોકળુ સતત ગુંચવાતું જાય છે.