Abtak Media Google News

ઝૂંપડપટ્ટીમાંથી બાવળિયામાં લઈ જઈ ધોકાથી માર મારતા મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ

રાજકોટમાં મોરબી રોડ પર ઝૂંપડપટ્ટીમાં રહેતા દંપતી ગઇ કાલે ઊંઘમાં હતા ત્યારે બે શખ્સોએ મહિલાને ઉઠાડી આગળ બાવળિયામાં લઈ જઈ ત્રીજા શખ્સ સાથે મળી ધોકાથી માર મારતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મોરબી રોડ પર આવેલા સિટી સ્ટેશન રોડ પર ઝૂંપડપટ્ટીમાં રહેતી શોભનાબેન સંજયભાઈ રાવળ નામની 32 વર્ષની મહિલા ગઇ કાલે રાત્રીના ઝૂંપડપટ્ટીમાં સૂતી હતી ત્યારે એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સો તેણીને ઉઠાવી ગયા હતા.

શોભનાબેનને બંને શખ્સો એક્ટિવા પર આગળ બાવળિયામાં લઈ ગયા હતા જ્યાં ત્રીજો શખ્સ પણ આવી ગયો હતો. આ ત્રણેય શખ્સોએ શોભનાબેનને ધોકાથી બેફામ માર મારતા તેણી બેશુદ્ધ હાલતમાં ઢળી પડી હતી. ત્યાર બાદ ઊંઘમાંથી ઉઠેલા પતિ સંજયભાઈ રાવળ પત્નીની શોધખોળ કરવા ગયા ત્યારે તે બાવળિયામાં બેશુદ્ધ હાલતમાં પડી હતી અને તેણીએ પતિને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાનુ જણાવ્યું હતું.

ત્યાર બાદ પતિએ તુરંત શોભનાબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. આ અંગે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મહિલા સાથે શું અજગતું થયું તે અંગે પણ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.