Abtak Media Google News

અબતક,રાજકોટ

યૂનાઇડેટ નેશને વિકસિત દેશોની મદદ કરવા અને તેમનું જીવન સ્તર સુધારવા માટે લોકોને મદદ કરવા માટેની અપીલ કરતાં ૫ સપ્ટેમ્બરનાં રોજ ઇન્ટરનેશનલ ચેરિટી ડે એટલે કે આંતરરાષ્ટ્રીય દાન દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૧૨માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઇન્ટરનેશનલ ચેરિટી ડેની સત્તાવાર જાહેરાત કરી. વર્ષ ૨૦૧૧માં હંગેરીનાં સંસદ અને સરકારનાં સમર્થનથી હંગેરીનાં નાગરિક સમાજની પહેલથી ઇન્ટરનેશનલ ચેરિટે ડે મનાવવાની શરૂઆત કરવામાં હતી. ૫ સપ્ટેમ્બરનાં રોજ મધર ટેરેસાની પુણ્યતિથિ પર ઇન્ટરનેશનલ ચેરિટી ડે મનાવવામાં આવ્યો. મધર ટેરેસાએ સમાજમાંથી ગરીબી દૂર કરવા, જરૂરતમંદ લોકોની મદદ કરવા અને તેમની તકલીફોને દૂર કરવાના કાર્યોમાં તેમણે અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. ઇન્ટરનેશનલ ચેરિટી ડે આપણા બધા વચ્ચે સામાજિક જવાબદારીઓ વધારવા, એકતા અને ધર્માર્થ કારણો માટે જનતાનું સમર્થન વધારવાનું કાર્ય કરે છે.

દાન આપવાની વાત કરીએ ત્યારે સૌથી પહેલા જો કોઈ નામ, વ્યક્તિ કે કાર્ય ધ્યાનમાં આવે તો તે છે દાનવીર કર્ણ દ્વારા અપાતું દાન. સંધ્યાકાળે એ જયારે સૂર્યદેવની અર્ચના કરતા ત્યારે કોઈ પણ વ્યક્તિ એમની પાસે જે કંઈ માંગે તે ખુશી ખુશી આપી દેતા. કહેવાય છે કે મહાભારતનાં યુદ્ધ દરમિયાન જયારે કર્ણ રણભૂમિ પર ઘાયલ પડ્યા હતા ત્યારે પણ ઈન્દ્રદેવ તેમનાં દાનવીર હોવા અંગેની તેમની પરીક્ષા કરવા દાન માંગવા આવી પહોચ્યા હતા અને અત્યંત ખરડાયેલી હાલતમાં પણ કર્ણે ઈન્દ્રદેવને પોતાનો સોનાનો દાત ભેટમાં આપ્યો હતો. આ તો હતી ઇતિહાસની વાત હવે જો વર્તમાન પરીસ્થિતિની વાત કરીએ તો આજે કોઈને કર્ણ બનવાની આવશ્યકતા નથી પરંતુ જો પોતાને કોઈ જરૂરીયાતમંદ દેખાય તો તેની બને તેટલી તેની મદદ થઈ રહે તેટલું તો શક્ય છે જ. ગાંધીજીએ પણ ટ્રસ્ટીશીપનાં સિદ્ધાંત અંગે જણાવ્યું હતું કે જેટલી આવશ્યકતા હોય તેટલું જ માણસે પોતાની પાસે રાખવું જોઈએ બાકીનું દાનમાં આપી દેવું જોઈએ. પ્રવર્તમાન કોરોના કાળને કારણે ઘણાનાં ધંધા રોજગાર ખોરવાયા છે ત્યારે આપણાથી બની શકે તેટલી મદદ, થઈ શકે તેટલું દાન અવશ્ય કરવું જોઈએ. થઈ શકે તો પોતાની આવકનાં દસ ટકા કાયમ દાનમાં આપવા જોઈએ એવું શાસ્ત્રોમાં પણ લખ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.