Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મહત્વનો નિર્ણય

દહેજ અને હજીરામાં LNG ટર્મિનલ પછી વિશ્વનું આ પ્રથમ CNG ટર્મિનલ ભાવનગરમાં બનતા વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો પ્રસ્થાપિત થશે

પ્રથમ તબક્કામાં પ્રોજેકટમાં રૂ.૧૩૦૦ કરોડ અને ત્યારબાદ રૂ.૧૯૦૦ કરોડનું મૂડીરોકાણ થશે : પ્રતિ વર્ષ ૧૫ લાખ ટનની ક્ષમતા ધરાવતા સીએનજી ટર્મિનલથી લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન અને વેર હાઉસિંગ ક્ષેત્રે વિશાળ રોજગારીની તકો ખુલશે

ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ બનવાની જાહેર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ભાવનગર  ખાતે સીએનજી ટર્મિનલ સ્થાપવા મંજૂરી  આપી છે. ત્યારે હવે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપવામાં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર સાઇટ ગ્રૂપ કોન્સોર્રીયમ- (ફોર સાઇટ ગૃપ પદ્મનાભ મફતલાલ ગૃપ અને નેધરલેન્ડ સ્થિત બોસ્કાલિસ)ને પ્રોજેક્ટ ડેવલપર તરીકે મંજૂરી આપશે. ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે. પ્રથમ તબક્કામાં રૂપિયા ૧૩૦૦ કરોડનું મૂડીરોકાણ થશે. પ્રોજેકટ પૂર્ણ થતાં કુલ ૧૯૦૦ કરોડનું મૂડીરોકાણ CNG ટર્મિનલ પ્રોજેક્ટમાં થશે.

રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ તરીકે ભાવનગરમાં આ CNG ટર્મિનલ આકાર પામશે. પ્રતિ વર્ષ ૧૫ લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે. પ્રતિ વર્ષ ૪પ લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ, ક્ધટેઇનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન છે. શિપબ્રેકીંગ-શિપ રિસાઈક્લિંગ ઊદ્યોગમાં વિશ્વના સૌથી મોટા શિપબ્રેકીંગ યાર્ડ તરીકે પ્રખ્યાત અલંગ-ભાવનગરની ખ્યાતિમાં વધુ એક યશકલગી સમાન વિશ્વનું સૌ પ્રથમ CNG ટર્મિનલ બનશે.

ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોક ગેટસનું બાંધકામ અને કિનારા ઉપર CNG ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટીઝ વિકસાવવામાં આવશે. CNG ટર્મિનલ કાર્યાન્વીન્ત થતાં ભાવનગર પોર્ટની વાર્ષિક કાર્ગો કેપેસિટી ૯ મિલીયન મેટ્રિક ટન થશે.

હવે વિઝનરી લિડરશીપમાં ગુજરાત LNG અને CNG બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય હોવાનું ગૌરવ મેળવશે. રાજ્યમાં દહેજ અને હજીરામાં LNG ટર્મિનલ પછી વિશ્વનું આ પ્રથમ CNG ટર્મિનલ ભાવનગરમાં થતાં વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો પ્રસ્થાપિત થશે.

તાજેતરમાં જ જામનગરના સચાણા પોર્ટને પૂન: ધમધમતું કરવા મંજૂરી આપવામાં આવી હતી.

હવે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલને ભાવનગરમાં નિર્માણની મંજૂરી અપાઈ છે. આમ સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારાની પૂરાતન જાહોજલાલીને અદ્યતન પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટસથી પૂન: ધબકતી કરવાની મુખ્યમંત્રીની નેમ સાકાર થશે. સીએનજી ટર્મિનલ પ્રોજેક્ટના પરિણામે ભાવનગર અને આસપાસના વિસ્તારોના યુવાઓ માટે લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગના ક્ષેત્રે વિશાળ રોજગારીની તકો ખૂલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.