Abtak Media Google News

રસીના કાચા માલથી લઈ પીપીઈ કીટ, વેન્ટિલેટર અને ઓક્સિજનની મદદ માટે મહાસત્તાઓ તત્પર 

કોરોના કટોકટીના આ કપરા કાળમાં વિશ્ર્વભરમાં માનવ સંવેદનાની હેલી ઉભી થઈ હોય તેમ ભારત પર આવી પડેલા આફતના આ દૌરમાં પ્રાણવાયુ પુરવા વિશ્ર્વના મહાસત્તાઓએ દોટ મુકી છે. ઈંગ્લેન્ડ સરકારે રવિવારે જ તબીબી સાધનો અને જરૂરી સાધન સામગ્રી મોકલીને ભારતને કોરોના યુદ્ધમાં મદદરૂપ થવાની જાહેરાત કરી છે. વિદેશ કોમનવેલ્થ અને વિકાસ વિભાગ દ્વારા વેન્ટિલેટર, ઓક્સિજન સંશાધનો અને જરૂરી ચીજવસ્તુઓ મોકલવાનું ઈંગ્લેન્ડે નક્કી કર્યું હતું. લંડન દ્વારા 600થી વધુ વેન્ટિલેટર અને જરૂરી સંશાધનો સાથેના 11 ક્ધટેનરો રવાના કરવામાં આવશે.

ઈંગ્લેન્ડના વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતને મદદરૂપ થવા શક્યત: તમામ પ્રયાસો કરવામાં આવશે. અમે મિત્ર ભાવે ભારતની સાથે ઉભા છીએ. આ કપરી ઘડીમાં અમે તેમને તમામ મદદ કરશું. ઓક્સિજન કીટ, વેન્ટિલેટર સહિતના જરૂરી સંશાધનો સાથે ઈંગ્લેન્ડે માલ અને સાધન સહાય રવાના કરી દીધી છે. વૈશ્ર્વિક મહામારીમાં બ્રિટન તમામ દેશો સાથે પડખે ઉભુ રહ્યાંનું જણાવ્યું હતું. બીજી તરફ અમેરિકાએ પણ ભારતને સાધન સહાય મોકલવા માટે કવાયત હાથ ધરી છે. રેપીડ ડાયોગ્નેસ્ટીક કીટ, વેન્ટિલેટર, પીપીઈ કીટ અને આરોગ્ય કર્મચારીઓને સુરક્ષીત કરવા માટેના જરૂરી

સંશાધનોની સહાયને અમેરિકાએ જાહેરાત કરી છે. ઓક્સિજન સંબંધી ચીજવસ્તુઓની જેટલી જરૂર પડશે તેટલી મદદ કરવા અમેરિકાએ જાહેરાત કરી છે.

અમારા હૃદય ભારતની સંવેદના સાથે ધડકી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેને જણાવ્યું હતું કે, કપરી ઘડીમાં અમે ભારતની સાથે છીએ. સાત દાયકાની ભારત અમેરિકાની મૈત્રીનો આ મિત્રતા નિભાવવાનો અવસર છે. અમેરિકા ઉપરાંત ઈંગ્લેન્ડે પણ માનવી સહાયની તત્પરતા દર્શાવી છે. વિશ્ર્વની મહાસત્તાઓ ભારતને કોરોના કટોકટીના આ કપરા સમયમાં સધીયારો આપવા માટે તત્પર બન્યા છે અને જરૂરી ચીજવસ્તુઓ, પીપીઈ કીટ, વેન્ટિલેટર અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટેની સાધન સામગ્રી ભરીને જહાજ રવાના કરી દીધા છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, જર્મન, જાપાન સહિતના દેશો દ્વારા ભારતને મદદ માટે તત્પરતા દર્શાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.