Abtak Media Google News

દશ હજારની નોકરી કરતો માણસ દર માસે બચત કરે ને 30 હજારની કમાણી વાળો આખર તારીખે તંગી અનુભવે ત્યારે માસિક આયોજનનું મહત્વ સમજાય

પહેલા કરિયાણાવાળાને ત્યાં ચોપડી રાખતાને જરૂર પડે તેટલી જ વસ્તુ લેવા જતા જ્યારે આજે મોલમાં જાય ત્યારે જરૂરી સાથે બિનજરૂરી વસ્તુઓ પણ લાવીએ છીએ: આપણાં ઘરમાં કેટલીય નવી નકોર વસ્તુ ઉપયોગ કર્યા વગર કબાટમાં પડી હોય છે

જૂના જમાનાના લોકોની નાની નાની વાતમાં કરકસરની ટેવ સાથે નકામાને ખોટા ખર્ચા ન કરતાં હોવાથી તેમની પાસે પૈસાની બચત રહેતી જ મુશ્કેલીના સમયે આવતી કામ આવતી એ લોકોએ પોતાના ચાર-પાંચ સંતાનોના લગ્ન પણ લોન લીધા વગર રંગેચંગે કર્યા હતાં. આજના એમ.બી.એ. કરતા પણ જૂના લોકોની બુધ્ધી અને આયોજન શ્રેષ્ઠ હતું. આજે માત્ર એક સંતાનમાં મસમોટો પગાર હોવા છતા પરિવારનો મોભી આખર તારીખે તાણમાં જ હોય છે. પરિવારનું માસિક આયોજન કુનેહ પૂર્વકની વાત છે. આપણી જૂની કહેવત ‘પછેડી હોય તેટલી સોડ તણાય’ આજના યુવાધનને સમજવાની જરૂર છે. આવક કરતાં જીવક વધવી ન જોઇએ. જો આ સિલસિલો સતત ચાલતો રહે તો તે પરિવાર દેણામાં આવી જાય છે ને ઘણીવાર આર્થિક તંગીને કારણે આપઘાત પણ કરે છે.

દશ હજારની નોકરી કરતો માણસ પણ સાદાઇથી રહેણીકરણી રાખતા માસના અંતે બધા ખર્ચા બાદ કરતાં બચત કરતો નજરે પડે છે ત્યારે 30 હજાર કમાતો માણસ આખર તારીખે તંગી અનુભવે છે. આ બંને વચ્ચેમાં માસિક આયોજનની વાત આવે છે. જૂના જમાનામાં કે આજે પણ ઘણા પરિવારો કરિયાણા વાળાને ત્યાં ચોપડી રાખે છે ને જેમ જેમ જરૂર પડે તેટલી જ વસ્તુ લેવાની ટેવ રાખતો હોવાથી તે ખોટી ખરીદીમાંથી બચે છે. હું- તમે કે આપણે સૌ આજે મોલમાં ખરીદી કરવા જઇએ ત્યારે ઘરેથી લીસ્ટ કરી ગયા હોવા છતાં નવી-નવી વસ્તુ દેખાય કે તરત જ ટ્રોલીમાં નાંખવા લાગી જાય છીએ. ઘણીવાર તો લાવેલી વસ્તુઓ દિવાળીએ ઘર સાફ કરીએ ત્યારે સિલબંધ જોવા મળે છે.

આપણા મોબાઇલમાં ઘણા સેવ નંબરોને છેલ્લા એક બે વર્ષથી ફોન જ કર્યો ન હોય પણ મોબાઇલમાં નંબર સેવ છે તેવી જ રીતે આપણાં ઘરમાં ઘણી વસ્તુઓ લેતા લઇ લીધા હોય પણ તેનો ઉપયોગ જ ન કર્યો હોય. આપણાં કબાટ કે સ્ટોરરૂમમાં ઘણી વસ્તુ ખરીદી સમયે બોક્સપેકની સ્થિતિમાં જ પડી હોવાનું સૌને જોવા મળે છે. એક પરિવારની પ્રારંભિક જરૂરીયાત કેટલે તે પતિ-પત્નિએ નક્કી કરીને સમજવું જરૂરી છે. આજે બંને કમાતા હોવા છતાં મુશ્કેલીના સમયે પૈસા માંગવા કે લોનનો સહારો લેવો પડે છે. આવા જ પ્રસંગે જૂના લોકો કેમ પુરૂં કરતાં હશે ત્યારે સૌ કહે મોંઘવારી ન હતી પણ ભાઇ ત્યારે પગાર પણ સાવ નાના હતા. આજે મોંઘવારી છે તેમ પગાર પણ મોટા થઇ ગયા છે.

રસોઇમાં ઉપયોગી વસ્તુઓ ઘઉ, ચોખા, દાળ, તેલ સાથે દૂધ, ઇલે.બીલ, કેબલ બીલ, ગેસ બીલ જેવા ખર્ચા દર માસે લગભગ નક્કી જ હોય છે એ ઉપરાંત બાળકોની ફી, શિક્ષણ ખર્ચા સાથે બહાર જવા કે ફરવાનો, પેટ્રોલ ખર્ચ વિગેરે સાથે 20 થી 25 હજાર તો સામાન્ય ગણતરી થાય છે તો કારખાનામાં કામ કરતો માણસ માત્ર 10 થી 15 હજાર કમાતો કારીગર તેના પરિવારનું કેમ પુરૂં કરી શકતો હશે. ઘણા તો આટલા પગારમાં ભાડું પણ ભરતા હોય છે.

આ બધાના પ્રશ્ર્નોના જવાબમાં ખોટા ખર્ચાને ખોટી ખરીદી ન કરો તો તમો આનંદથી જીવન જીવી શકો છો. ગુણવત્તાસભર જીવન કેને કહેવાય તે બચત કરી શકતો હોય તે બહુ સારી રીતે સમજાવી શકે છે. આજના સંતાનોને પણ આર્થિક મૂલ્ય સમજાવું પડશે કારણ કે તે કાલ સવારે સંસાર યાત્રામાં આવે ત્યારે તેને મુશ્કેલી ન પડે તે જોવાની જવાબદારી તેના મા-બાપની છે. ઘર ચલાવવામાં સમજદારી જરૂરી હોય છે. પતિ-પત્નિની આપસની સમજ જ પરિવારને સ્વર્ગ બનાવી શકે છે.

21મી સદીના આજના યુગમાં આયોજન વગરનો માણસ છેવટે તો દુ:ખી થતો જ જોવા મળે છે. કોરોના કાળમાં લોકડાઉન વખતે ઘણા પરિવારો નબળી સ્થિતિમાં પણ હેમ-ખેમ પરિવારનું ગાડું બગડાવતા ગયા હતા પણ આડેધડને દેખાદેખીમાં ખોટા ખર્ચઓ કરનારા ઘણા પરિવારો બચત ન હોવાથી દુ:ખી-દુ:ખી જોવા મળતા હતાં. લાઇટના વપરાશમાં માત્ર થોડી કાળજી રાખવાથી તમે બસો કે પાંચસો રૂપિયા બચાવી શકો છો આ માત્ર એક વસ્તુની વાત થઇ આવી ઘણી બધી વસ્તુઓમાં થોડી તકેદારી રાખવાથી માસાંતે મસમોટી રકમ બચાવી શકો છો.

સ્ત્રી ઘરને ઉજાડી શકે ને ઉખેડી પણ શકે. સમજુ સ્ત્રી તેના 5તિની આવકમાંથી શ્રેષ્ઠ આયોજન કરીને થોડી કરકસર કરીને સુંદર ઘરનું સંચાલન કરી શકે છે. આજના યુવા વગમાં દેખાદેખીએ એવી માઝા મુકી છે કે પાડોશી એ લીધુ એટલે આપણે પણ લેવું જોઇએ. જેને કારણે લોન-હાથ ઉછીના કે વ્યાજે પૈસા લઇને મોજશોખ પુરા કરતો પરિવાર અંતે મુશ્કેલીમાં મુકાય જ જાય છે. બહારનો આડેધડ ખોરાક ખાવાની ટેવે માંદગી આવતાં ડોક્ટરના બિલો ભરતો પરિવાર જો થોડી સમજ સાથે ઘરમાં જ બહાર જેવો ઉત્સવ ઉજવે તો બંને સાઇડથી પૈસાની બચત થાય છે.

નાના બાળકોના માતા-પિતાએ દર માસે તેના નામે બેંકમાં પૈસા મુકવાની ટેવ પાડવી જ પડશે. જેમ ટીપેટીપે સરોવર ભરાય તેવી જ રીતે અમુક વર્ષો બાદ મોટી રકમ થઇ જતી હોય છે. આજના યુગમાં સૌ કોઇ બચત શબ્દ ભૂલી જ ગયો છે. આજે બે છેડા ભેગા કરીને ઘર ચલાવવું લોઢાના ચણા ચાવવા બરાબર છે. ઘરનો આસરો કરનાર માનવી તેના જીવનની અડધી પરીક્ષા પાસ કરી ગણાય છે. ઘરનું ઘર હોય પછી તો ગમે તે ખાઇને દિવસો પસાર થઇ જાય કોઇ કાંઢીનો ના મૂકે ? આયોજન વગરનો માણસ આજના યુગમાં ટકી જ ન શકે ત્યારે સૌ એ માઇક્રોપ્લાનીંગ કરીને આકસ્મીક સંજોગો માટે થોડી બચત રાખીને જીવન જીવવું જ પડે છે. આજના યુગમાં જરૂરી છે.

આજે માણસો મોજશોખ, કપડા-લત્તા સાથે હોટલોમાં જમવાના મસમોટા ખર્ચા કરે છે ત્યારે જ્ઞાન માટે ક્યારેય પૈસા વાપરતો નથી. પોતાના કે કુટુંબના મનોરંજન માટે પૈસા વાપરતો પરિવારનો મોભી અંતે તો લોનના શરણે જ જાય છે. બેંકના ઉંચા વ્યાજ ભરીને જીંદગી પુરી કરી નાંખે છે પણ સમજદારીથી બચત કરીને જરૂરીયાત ઓછી કરીને જીવન જીવવું જ નથી તેથી જ મુશ્કેલી આવતી જ રહે છે.

ફોર વ્હીલ, એ.સી., ખાનગી શાળામાં બાળકોને ભણાવવા જેવી ઘણી બાબતોમાં જો કાપ મુકાય તો દરેક માનવી ગુણવત્તાસભર જીવન જીવી શકે છે. સંયુક્ત કુટુંબમાં સૌના સાથ સહકારથી નબળો ભાઇ પણ તરીજતોને બધા જ પ્રસંગો પણ વિના વિધ્ને ઉકેલી જતા હતા પણ આજે કોઇને ભેગું રહેવું ગમતું ન હોવાથી જ્યારે જુદા રહેવા જાય ત્યારે પહેલા સારૂ લાગે પણ બાદમાં જ્યારે ઘર ચલાવવાની વાત આવે ત્યારે પારાવાર મુશ્કેલી આવતા ઘણા લોકો  મૂળ પરિવારમાં પાછા ફર્યા છે.

પરિવારના સુખાકારી માટે માસિક આયોજન ચિવટથી બનાવીને તે પ્રમાણે જરૂરિયાતો ઓછી કરતાં કરવો પડે તેવો જ ખર્ચ કરો તો આજના યુગમાં સંસાર યાત્રામાં સારી રીતે જીવી શકો છો. આજે કોઇને નબળું ગમતું ન હોવાથી બધાની ઇચ્છ લક્ઝરી લાઇફ જીવવાની ઇચ્છા હોય છે ત્યારે મુશ્કેલી વગરને નિરાંતે ટ્રેસમુક્ત વાતાવરણમાં રાત્રે મીઠી નીંદર માણવી હોય તો પારિવારિક આયોજન સાથે ખોટા ખર્ચા બંધ કરીને જીવન જીવતાં શિખવું પડશે.

પરિવારના માસિક આયોજન સાથે બચતનું મહત્વ સમજો

આજની મોંઘવારીમાં સવારથી સાંજ સુધી મહેનત-મજૂરી કરીને માંડ માંડ બે છેડા ભેગા કરતા માનવી સાથે દેખાદેખીને કારણે ખોટા ખર્ચાને ખોટી ખરીદી કરીને મુશ્કેલીને સામેથી આમંત્રણ આપનાર પણ સમાજમાં જોવા મળે છે. એક પરિવાર 10 થી 15 હજારની માસિક આવકમાં આનંદીત જીવન જીવી શકે છે ત્યારે 25 થી 30 હજાર મહિને કમાતો માણસ આખર તારીખે તણાઇ જતો જોવા મળે છે. આ બંને વિરોધાભાષી પરિવારની સ્થિતિમાં પરિવારનું માસિક આયોજન સાથે બચતનું મહત્વ સમજતો હોય છે.

આજે તમો જેટલી ઓછી જરૂરીયાતમાં જીવી શકો તેટલા તમો વધુ સુખી બની શકો છો. આજના મા-બાપો પણ સંતાનોને આર્થિક મૂલ્ય સમજાવવું પડશે. આજે તો પતિ-પત્નિ બંને કમાતા હોવા છતાં પરિવાર આર્થિક મુશ્કેલીમાં આવી જાય ત્યારે અણઆવડતને ખોટા ખર્ચા જ મુખ્ય કારણ હોય છે. ક્રેડીટ કાર્ડ ફેસીલીટી સંકટ સમયની સાંકળ હોય છે પણ આજે તો આડેધડ ખરીદી કરીને તેના ઉપયોગથી હપ્તા ચડી જાય ત્યારે વ્યાજે ગોતવા જવા પડે તેવો ખેલ થાય છે. આજે સમજું પરિવાર સિવાય લગભગ બધા પરિવારોની આવક કરતાં જાવક વધુ જ જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.