Abtak Media Google News

મંદિરના વિકાસ કામો માટે ફાળવાયેલી રૂા.4.52 કરોડની ગ્રાન્ટમાંથી મોટાભાગની ગ્રાન્ટ વપરાઈ ગયાનો ઘટસ્ફોટ: હવે વધુ ગ્રાન્ટ ફાળવવી પડશે: સમગ્ર પ્રોજેકટ કોર્પોરેશનને સોંપાતાની સાથે જ બે અધિકારીઓની નિમણૂંક કરતા મ્યુનિ. કમિશનર

રાજકોટના ગામદેવતા એવા રામનાથ મહાદેવ મંદિરના વિકાસ કામનો પ્રોજેકટ રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. રૂા.4.52 કરોડની ગ્રાન્ટમાંથી મોટાભાગની ગ્રાન્ટ વપરાઈ ગઈ છે. છતાં હજુ ઉડીને આંખે વળગે તેવું કોઈ જ પ્રકારનું કામ થયું નથી. બીજી તરફ હવે આ પ્રોજેકટ કલેકટર વિભાગ પાસેથી કોર્પોરેશનને સોંપી દેવામાં આવ્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડે રામનાથ મંદિરે ખડકેલુ બાંધકામ તોડવું પડે તેવી નોબત આવી પડી છે. મહાપાલિકાને પ્રોજેકટ સોંપાતાના સાથે જ મ્યુનિ.કમિશનર દ્વારા બે અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે.

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા 2017માં રાજકોટમાં આજી નદીના કાંઠે આવેલા શ્રી રામનાથ મહાદેવ મંદિરના વિકાસ કામ માટે રૂા.4.52 કરોડની ગ્રાન્ટને મંજૂરી આપવામાં આવી હતી.

પ્રથમ તબક્કામાં મંદિરના વિકાસ કામ માટે ફેબ્રુઆરી 2018માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. સ્થાનિકો દ્વારા અવાર-નવાર કામના પ્રશ્ર્ન તથા નદીમાં મંદિર હોવાના કારણે ચોમાસાની સીઝનમાં મંદિરની સાઈટ પાણીના વહેણમાં ડુબી જતાં હોવાના કારણે કોન્ટ્રાકટર દ્વારા કામગીરી સમયસર પૂર્ણ કરવામાં ન આવતા જાન્યુઆરી 2020માં કલેકટર દ્વારા એક કમીટીની રચના કરવામાં આવી હતી.

સમીતી દ્વારા નિર્ણયોનુસાર કામગીરી પૂર્ણ કરવામાં પ્રશ્ર્નો ઉભા થતાં હતા. જેના કારણે ફરી શરૂ કરાયેલી કામગીરી પણ પૂરી થઈ ન હતી. તાજેતરમાં રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ આ અંગે એક બેઠક બોલાવી હતી અને સમગ્ર પ્રોજેકટ કોર્પોરેશનમાંથી મહાપાલિકામાં તબદીલ કરવા સુચના આપી હતી. જેને અનુસંધાને હવે આ પ્રોજેકટ કોર્પોરેશન સંભાળશે.

રામનાથ મહાદેવ મંદિરના વિકાસનો પ્રોજેકટ કોર્પોરેશનને મળતાની સાથે જ મ્યુનિ.કમિશનર અમીત અરોરા દ્વારા ઈન્ચાર્જ સિટી એન્જીનીયર એચ.એમ.કોટક અને વોર્ડ નં.7ના કાર્યપાલક ઈજનેર વી.પી.પટેલીયાને આ કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રોજેકટને લગત તમામ સાહિત્ય, રેકોર્ડ, ડ્રોઈંગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પાસેથી મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ એવું જાણવા મળી રહ્યું છે કે રામનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે જે રૂપિયા 4.52 કરોડની ફાળવણી કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગની ગ્રાન્ટ ખર્ચાઈ ગઈ છે. આ ઉપરાંત યાત્રાધામા બોર્ડે જેટલું કામ કર્યું છે તેમાં પણ મોટાપાયે તોડફોડ કરવાની જરૂરીયાત દેખાઈ રહી છે.

પ્રોજેકટ ઝડપથી પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે વધારાની ગ્રાન્ટ ફાળવવી પડશે અથવા કોર્પોરેશને વધારાનો ખર્ચ કરવો પડશે. છેલ્લા ચાર વર્ષથી પણ વધુ સમયથી માત્ર ફાઈલોમાં જ આગળ ધપી રહેલા રામનાથ મહાદેવ મંદિરના વિકાસ કામના પ્રોજેકટને ખરેખર સાકાર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.