- આરોપી અમદાવાદથી ઝડપાયો, જુના અ*ક*સ્મા*તનો ખાર કારણભૂત
મોરબી: મોરબી તાલુકાના ખાખરાળા ગામે ૨૧ વર્ષીય યુવાન કિશન કરોતરાની થયેલી હ*ત્યાના બનાવમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને અમદાવાદથી ઝડપી પાડી ભેદ ઉકેલી નાખ્યો છે. મૃતક અને આરોપી વચ્ચે છ મહિના અગાઉ થયેલા સામાન્ય બાઇક અ*ક*સ્મા*તની બોલાચાલીનો ખાર રાખી આ હ*ત્યાને અંજામ અપાયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
બનાવની વિગત મુજબ, ખાખરાળા ગામના રબારીવાસમાં રહેતા અને રાજકોટમાં બી.એડ.નો અભ્યાસ કરતા કિશન જગદીશભાઈ કરોતરા વેકેશન હોવાથી બે દિવસ પૂર્વે જ વતન આવ્યા હતા. તે દરમિયાન ગામના જ મૂળુ ઉર્ફે સાગર ઉર્ફે આયદાનભાઈ ડાંગર નામના શખ્સે જૂની અદાવતમાં કિશન પર હુમલો કર્યો હતો.
ફરિયાદી જગદીશભાઈ કરોતરાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, આરોપી મૂળુએ પ્રથમ કિશન પર બંદૂક તાકી ફાયર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંદૂક ન ચાલતાં તેણે પોતાની પાસે રહેલી છરી વડે કિશન પર હુમલો કરી દીધો હતો. આરોપીએ કિશનના છાતી, વાંસા, જમણા ખભા, કાંડા અને જમણા હાથના પોંચા પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા કિશનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી એક કારતૂસ પણ મળી આવ્યું હતું. પોલીસે હ*ત્યા, આર્મ્સ એક્ટ અને જીપી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન આરોપીની ગાડી મોરબી નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી, જેમાંથી વધુ બે કારતૂસ કબ્જે કરવામાં આવ્યા હતા.
મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે આરોપી મૂળુ ડાંગર અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને અમદાવાદથી દબોચી લીધો હતો.
પોલીસ પૂછપરછમાં આરોપી મૂળુએ કબૂલાત કરી હતી કે આશરે છ મહિના પહેલા મૃતક કિશન સાથે બાઇક અ*ક*સ્મા*ત બાબતે તેને બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનો ખાર રાખી તેણે કિશનની હ*ત્યા કરવાનું મન બનાવી લીધું હતું. કિશન વેકેશનમાં ઘરે આવતાં જ બીજા દિવસે તેણે આ હ*ત્યાને અંજામ આપ્યો હતો.
હાલ પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર દરમિયાન આરોપી ક્યાં-ક્યાં રોકાયો હતો અને હ*ત્યામાં વપરાયેલ હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે સહિતના મુદ્દે પોલીસ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. આશાસ્પદ યુવાનના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
અહેવાલ: ઋષિ મહેતા