Abtak Media Google News

વોકલ ટુ લોકલ, ગ્રીન ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન મળે તે માટે કાર્યરત એવો તરવરીયો યુવાન ભાવિન કવૈયા

અબતક,રાજકોટ

ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાતના યુવાનો નવી વિચારધારા અપનાવીને સાતત્યપૂર્ણ વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે. આજે વાત કરવી છે, જસદણની…. જસદણ એ રાજકોટ જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે, જે કુલ 103 ગામોનો સમુદાય ધરાવે છે. જસદણ તાલુકો ખાસ કરીને ટેક્નીકલી બાબતોમાં વિકસિત છે. જસદણ તાલુકામાં વર્ષોથી થ્રેસર, ટ્રેકટરની ટ્રોલી તથા ખાસ કરીને પટારા ઉદ્યોગ સહિતના ઉદ્યોગો વિકસીત થયા છે. ઉપરોક્ત ઉદ્યોગોમાં ઈ-બાઈક પ્રોડક્શના ઉદ્યોગનો નવો પાયો નાખવા આતુર નવલોહિયો અને તરવરીયો યુવાન ભાવિન કવૈયા છે, જે પોતાના કૌશલ્ય અને કોઠાસુઝથી જાતે બાઈક ડિઝાઈન કરીને બનાવ્યું ઈ-બાઈક અને આ એક બાઈક છે, મોપેડ કે સ્કુટર નહીં.

જાત મહેનતે તૈયાર કરેલ ઈ-બાઈક અંગે જણાવતા ભાવિન કવૈયા કહે છે કે, મેં આઈ.ટી.આઈ-જસદણમાંથી વર્ષ 2019માં કોમ્પ્યુટર ઓપરેટર અને વર્ષ 2020માં મિકેનિકલ ડીઝલનો કોર્ષ કર્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેટ ઝીરોના અભિયાનને આગળ ધપાવવા માટે મારા મગજમાં ઘણા સમયથી ઈ-બાઈકનો વિચાર હતો. કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન થતા આ સમયના સદુપયોગના ભાગરૂપે મેં જાતે જ મારા બાઈકની ડિઝાઈન તૈયાર કરી. મારા પિતાજી ફેબ્રીકેશનનો વ્યવસાય કરે છે. તેમના તરફથી મને ખુબ જ મદદ મળી છે.

બાઈક બનાવવા માટે મેં ભંગાર બજારમાં જઈને જરૂરી સામાનની ખરીદી કરી. મારી ડિઝાઈન મુજબ તેને ફીટ કરીને બાઈકનું સ્ટ્રકચર બનાવી લીઘું હતું. તેમાં આખા બાઈકની કરોડરજ્જુ સમાન એવી લીથીયમ ફોસ્ફેટની બેટરીને જોડીને તેને કાર્યરત કરવાનું હતું, જે થતા તેની સાથોસાથ તેમાં ઘણાં બધા પ્રયોગો પછી તેમાં રીવર્સ ગીયર સિસ્ટમ પણ કાર્યરત કરી શક્યો જેનો અનેરો આનંદ છે. આવી રીવર્સ ગીયર સિસ્ટમ ધરાવતું બાઈક આખા ભારતમાં માત્ર મારી પાસે જ છે તેમ તેમનું કહેવું છે.બાઈક વિશે માહિતી આપતા ભાવિને કહ્યું કે,

મારૂ આ ઈ-બાઈક સંપુર્ણ ચાર્જ થયા બાદ ત્રણ કલાક સુધી પ્રતિ કલાક 80 કી.મી.ની સ્પિડ આપે છે. તેમાં ત્રણ પ્રકારની ગીયર સિસ્ટમ છે. મારૂ બાઈક સંપુર્ણપણે વોટરપ્રૃફ છે. સમગ્ર ચોમાસાના 4 મહિના દરમ્યાન મારૂ બાઈક ક્યારેય બંધ નથી થયું. તેમાં એન્ટી થેફ્ટ સિસ્ટમ લગાવેલી છે, જેથી બાઈક ચોરી કરવાની કોઈ કોશીષ કરે તો તુરંત ખબર પડી જાય. બાઈક વિશે માહિતી આપતી મોબાઈલ એપ્લીકેશન વિકસાવી રહ્યો છું. જેથી આવનારા સમયમાં બાઈકને લગતી તમામ વિગતો એક સિંગલ ક્લિક પર ઉપલબ્ધ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.