Abtak Media Google News

રાજકોટમાં સિનેમા થિયેટરનો એક સમયે સુવર્ણકાળ હતો , 1950 પછી જન્મેલી વ્યક્તિએ રાજકોટમાં માત્ર અઢી આનામાં (એક આનો એટલે છ પૈસા) માં ટિકિટ ખરીદીને ” મેક – બીલીવ ” જૂઠી દુનિયાને મોજથી માણી છે . ભારતમાં 1990 ની મધ્યમાં મલ્ટિપ્લેક્સ આવ્યા એ સાથે ફિલ્મ જોનાર અને માણનાર દર્શક વર્ગની એક પેઢી પણ બદલાઈ ગઈ.

એક સમયે રાજકોટમાં 11 થિયેટરો ધમધમતાં હતાં આજે મલ્ટીપ્લેક્ષનો યુગ છે 

યાદ કરો એ દિવસો જયારે શ્રી કૃષ્ણ ટોકીઝમાં સરકતી સ્ક્રીન ઉપર કોઈ વિલન એક પિસ્તોલમાંથી સાઇલેન્સર લગાવ્યા વગર છ- છ ગોળીઓ છોડતો હોય , ગુંડાની ગાડીની પાછળ પોલીસની ગાડી સાયરન વગાડતી છૂટે અને જીપમાં બેસેલા પોલીસ ઇન્સ્પેકટર ધાંય ધાય કરતી ગોળી છોડે, એ વખતે ગુંડાની ગાડીના ટાયરમાં ગોળી મારી ‘બસ્ટ’ કરવાનું ન તો દર્શકોને યાદ રહેતું કે ન તો ફિલ્મના દિગ્દર્શકને !

અઢી આનાની ટિકિટમાં ” મેક બિલીવ” ની જૂઠ્ઠી દુનિયાને જૂની પેઢીએ માણી લીધી, હવે 300 થી 400 ની ટિકિટમાં ડિજિટલ સ્ક્રીનને માણી રહી છે નવી પેઢી !

વિલનની મારામારીમાં સ્પ્રે કરેલી હીરોની લટ પણ જરાય વિખાય નહિ તોય દર્શકો સીટીયું મારીને મોજ માણતા તા .સ્ક્રીન પર સિનેમામાં નાટક હતું , ચેટક હતું , ઓપેરા હતું , સર્કસ હતું , કુસ્તી હતી , મહેફિલ હતી , ઉત્સવ હતો , છતાં લાકડાના પાટિયા પર બેસીને (ગરમી થાય તો શર્ટ કાઢીને ગંજી પહેરેલી હાલતમાં) ફિલ્મને માણી હોવાનું 58 પ્લસ ને યાદ હશે.

રાજકોટના થિયેટરની વાત કરીએ તો અહીં હરિશ્ચંદ્ર ટોકીઝ, ડિલક્સ ટોકીઝ અને એનેક્ષી ટોકીઝની જગ્યા એક સમયે અલગ અલગ વ્હોરા પરિવારોની જગ્યા પર બનાવાઈ હતી , ડિલક્સ સિનેમાં (જ્યાં આજે હોટેલ ફર્ન છે એ પારેવડી ચોક ) નું નામ ડિલક્સ સુગરવાલા થિયેટર હતું.અલબત્ત , ટોકીઝના માલિકો અલગ હતા . સાંગણવા ચોકમાં આવેલી રાજ સિનેમામાં એક સમયે જૂની રંગભૂમિના નાટકો ભજવાતા હતા , કમલ કલા કેન્દ્ર નાટક કંપનીનું એક કોમેડી નાટક કેવડાવાડીમાં એક વાડીમાં ભજવાયા બાદ એવી સફળતા મળી કે આ કંપનીએ એ પછી રાજ ટોકીઝ ભાડે રાખી સતત બે વર્ષ સુધી આ નાટક ભજવ્યું હતું.

નીલંકઠ ટોકિઝ રાજકોટનું સૌથી મોટું તો ગિરનાર ટોકિઝનું પરિસર સૌથી વિશાળ હતું

57F90512 2200 46A3 910F 6Fee913Afa6E

તો ભૂપેન્દ્ર રોડ પર આવેલા રાજશ્રી સિનેમાનું એક સમયે નૂતન ટોકીઝ નામ હતું , જૂના દર્શકોને યાદ હશે કે અહીં ફિલ્મનો શો શરૂ થાય એ પહેલા ધૂપની સુગંધ આવતી , અમને એવી દંતકથા જાણવા મળેલી કે અહીં સિનેમાના ભોંયરામાં કોઈ નાગદેવતા રહે છે , એટલે એને ધૂપ આપ્યા પછી જ શો શરૂ થાય છે . (સાચું ખોટું નાગદેવતા જાણે ) જો કે અત્યારે તો રાજેશ્રી સિનેમામાં હિન્દી અને અર્બન ગુજરાતી ફિલ્મો જોવાની મજા આવે તેવું રીનોવેશન થઇ ગયું છે.એક સમયે અહીં ગુજરાતી ફિલ્મો નિહાળવા રાજકોટની આસપાસના ગામડાંઓમાંથી છકડો રીક્ષા ભરીને દર્શકો જોવા આવતા.

માત્ર ફિલ્મો જ નહિ આ ટોકીઝોમાં ઓર્કેસ્ટ્રાના પ્રોગ્રામો પણ હાઉસફુલ જતા હતા , વરિષ્ઠ કલાકાર મન્સુર્ ત્રિવેદીના જણાવ્યા અનુસાર કે કિશોર નામના કલાકારે એક મહિના સુધી રાજકોટના લગભગ તમામ સિને થિયેટરમાં ઓર્કેસ્ટ્રાં ના કાર્યક્રમો કર્યા હતા.

રાજકોટના નીલકંઠ થિયેટર્ની એક રસપ્રદ વાત એ પણ છે કે કદાચ એ સમયે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ટોકીઝ હતું . વિસ્તારની દ્રષ્ટીએ જોઈ એ તો ગિરનાર સિનેમાં પરિસર પણ સૌથી મોટું કહેવાય. હાલ જ્યાં આર.વર્લ્ડ મલ્ટીપ્લેક્સ સિનેમા છે ત્યાં સૌથી પહેલા ઉષા ટોકીઝ હતી એ પછી ધરમ સિનેમાં નામ બદલ્યું.આમ જુવો તો એક સમયે રાજકોટમાં કુલ 11 થિયેટર હતા , શ્રી કૃષ્ણ , એનેક્ષી , હરિશ્ચંદ્ર , પ્રહલાદ , ગેસફોર્ડ , નીલકંઠ , રાજેશ્રી શ્રી રાજ કે રાજ ટોકીઝ , ડિલક્સ , ગિરનાર અને ગેલેક્ષી , ધરમ / ઉષા ટોકીઝ જેમાં એ સમયે આધુનિક અને નમ્બર વન થિયેટર ગેલેક્ષી હતું ,
જો કે હવે ગેલેક્ષી ટોકીઝમાં પણ રીનોવેશન થઇ રહ્યું છે , અહીં પણ સ્ક્રીનની સંખ્યા વધશે તેવું ફિલ્મ રસિકોનું માનવું છે.

નવા યુગની શરૂઆત કોસ્મોપ્લેક્સથી થઇ હોવાનું માનવામાં આવે છે, એ પહેલા આ જ વિસ્તારમાં ડ્રાઇવ ઈન સિનેમા આવી ગયું હતું , હાલ આ સિનેમા પણ બંધ છે. દરમિયાન મોલ ક્લચર સાથે મલ્ટિપ્લેક્સ પણ બનવા લાગ્યા, જેમાં ક્રિસ્ટલ મોલમાં કાર્નિવલ, જ્યાં ધરમ ટોકીઝ હતી ત્યાં આર.વર્લ્ડ , રિલાયન્સ મોલમાં ઇનોક્સનો સમાવેશ થાય છે.
અહીં હવે 150 થી 400 રૂપિયાનિ ટિકિટ ખરીદીને લોકો ફિલ્મ જોવા જાય છે.

ધી એન્ડ : ભારતમાં સૌથી વધુ અંદાઝે 2800 થિયેટર દક્ષિણભારતમાં છે , તો સૌથી જૂનું સિંગલ સ્ક્રીન સિનેમા કોલકત્તામાં આવેલું ચેપલીન સિનેમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.