Abtak Media Google News

બધું સબસલામત છે તો, હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈન ઘટવાની બદલે કેમ વધી રહી છે?? હાઈકોર્ટ લાલઘુમ

ગ્રાઉન્ડ રિઆલીટી કેમ રજુ નથી કરતા?? સરકારની ઝાટકણી કાઢતી હાઈકોર્ટ

કોરોના વાયરસને કારણે ગુજરાત સહિત સમગ્ર ભારતની સ્થિતિ કથળતી બની છે. વૈશ્વિક મહામારીના આ મહાસંકટમાં રાજ્યમાં આરોગ્ય સેવાને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠ્યા છે. મહામારી સામેના આ યુદ્ધમાં અસ્ત્ર સમાન ગણાતા રેમડેસીવીર ઈન્જેક્શન અને ઓક્સિજનની ઘટ ઉભી થતા દરરોજ સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. રાજ્યમાં વણસતી જઈ રહેલી આ સ્થિતિને લઇને હાઇકોર્ટે ચિંતા જતાવી સરકારની ઝાટકણી કાઢી છે.

એક તરફ કેસ ઝડપભેર વધી રહ્યા છે તો દર્દીઓના મોતનો આંકડો પણ દરરોજ નવી સપાટી પાર કરી રહ્યો છે. લોકોને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા, રેમડેસીવીર ઈન્જેક્શનો માટે આમતેમ ભટકી રહ્યા છે, ઓક્સિજનના નવા બાટલા તેમજ રિફીલિંગ માટે લાંબી લાઈનો લાગી છે. આ પરિસ્થિતિ છતાં સરકાર સબ સલામતના દાવાઓ કરી રહી છે. હાઇકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં પણ સરકારે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો છે. સરકારનું આ પ્રકારનું હાઇકોર્ટમાં સોગંદનામું વાસ્તવિક સ્થિતિ કરતા જુદું તરી આવે છે. સરકારની કરણી અને કથનીમાં ઘણો ફેર હોવાનું આ પરથી જણાઈ આવે છે.

ઓક્સિજન, રેમડેસિવિર ઈન્જેકશનોના ઉપલબ્ધ જથ્થા મુજબ દરેક હોસ્પિટલની બહાર
વિગતો આપતા બોર્ડ લગાવો: હાઈકોર્ટનો નિર્દેશ 

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર કેસ તેમજ મોતના આંકડા છુપાવી રહી હોવાના ઘણાં આક્ષેપ ઉભા થયા છે. આ વચ્ચે હાઈકોર્ટે પણ નોંધ લઈ સરકારને ફટકાર લગાવી છે. ગઈકાલે શરૂ થયેલી સુઓમોટોની અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું  કે રાજ્યમાં આખરે બધું સબ સલામત છે તો હોસ્પિટલની બહાર 108 એમ્બ્યુલન્સની લાઇનો ઘટવાને કેમ વધતી જઈ રહી છે ?? બેડ માટે પણ લોકોએ શા માટે ફાંફા મારવા પડી રહ્યા છે ?? હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપતા કહ્યું છે કે રેમડેસીવીર ઈન્જેક્શન અને ઓક્સિજનના પુરવઠા મુજબ દરેક હોસ્પિટલની બહાર માહિતી આપતા બોર્ડ લગાવવા જોઈએ કે જેથી કરીને દર્દીઓને જાણ રહે.

સરકારે સુઓમોટો મામલે 74 પેજનું સોગંધનામુ કર્યું છે. આ સોગંધનામામાં રેમડેસિવિર અને કોરોના ટેસ્ટ મામલે રજુઆત કરી છે. હાઈકોર્ટમાં હાલ ઓનલાઈન સુનાવણી શરૂ છે. સુનાવણીમાં મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથએ સરકારને સવાલ કર્યો કે, અમદાવાદની 4 હોસ્પિટલમાં 108 માં જ આવતા દર્દીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કેમ પ્રાઇવેટ વેહિકલને પ્રવેશ નથી આપતાં? છેલ્લી સુનવણીમાં પણ આ મુદ્દા પર અમે સ્પષ્ટતા માંગી હતી. તો સોગંદનામાંમાં કેમ કોઈ સ્પષ્ટતા ન કરાઈ. સાથે જ હાઈકોર્ટએ સરકારની ઝાટકણી કાઢીને કહ્યું કે, એબ્યુલન્સ મામલે પણ તમારું સ્ટેન્ડ વિરોધાભાસ છે. તમારી તૈયારી શુ છે? તમે માત્ર અમદાવાદની વાત કરો છે, રાજ્ય માટે શું પ્લાન છે. તેમણે કહ્યું કે સરકારની ગાઈડલાઈન કરતા અલગ ગાઈડલાઈનના હોવી જોઈએ. કોઈ વ્યક્તિ નજીકના ગામમાં રહેતું હોય તો કેમ અમદાવાદમાં સારવાર ના કરાવી શકે. તમે હકકિત છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છોવ. આ ગ્રાઉન્ડ રિયાલિટી નથી. હવે આ મામલે વધુ સુનાવણી આગામી 8મીના રોજ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.