કોર્પોરેશનની વર્તમાન બોડીની મુદત વધે તેવી પ્રબળ સંભાવના

વૈશ્વિક મહામારી કોરોના કોર્પોરેટરોને ફળશે !!!

વર્તમાન બોર્ડની મુદત આગામી ૧૪મી ડિસેમ્બરે પૂર્ણ: ચૂંટણી ત્રણ મહિના મુલત્વી રખાયા બાદ હવે વહીવટદાર નિમવાના બદલે બોર્ડની મુદત જ ૩ થી ૬ મહિના વધારવાની સરકારની વિચારણા: નિયમોની ચકાસણી

રાજકોટ સહિત રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની વર્તમાન બોડીની મુદત આગામી ૧૪મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે. વૈશ્ર્વિક મહામારી કોરોનાના કારણે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ ત્રણ મહિના સુધી પાછી ઠેલવાયા બાદ હવે મહાપાલિકા તથા જિલ્લા પંચાયતોમાં વર્તમાન બોડીની મુદત પૂર્ણ થયા બાદ નિયમોનુસાર વહીવટદાર મુકવાના બદલે બોડીની મુદત જ ૩ થી લઈ ૬ મહિના સુધી વધારવા રાજ્ય સરકાર દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બોર્ડની મુદત વધારવા માટે નિયમોની ચકાસણી હાલ ચાલી રહી છે. સંભવત: આવતા સપ્તાહે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.

રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી નવેમ્બર ૨૦૧૫માં યોજાઈ હતી. રાજકોટ મહાનગરપાલિકામાં વર્તમાન બોડીનું પ્રથમ બોર્ડ ૧૪મી ડિસેમ્બરના રોજ મળ્યું હતું. જેમાં અઢી વર્ષ માટે મેયર તરીકે ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર તરીકે ડો.દર્શિતાબેન શાહ અને સ્ટે.કમીટીના ચેરમેન તરીકે પુષ્કરભાઈ પટેલની અઢી વર્ષ માટે નિમણૂંક કરવામાં આવી હતી. અઢી વર્ષની પ્રથમ ટર્મ પૂર્ણ થયા બાદ જૂન ૨૦૧૮માં બીજા અઢી વર્ષ માટે મેયર તરીકે બીનાબેન આચાર્ય, ડે.મેયર તરીકે અશ્ર્વિનભાઈ મોલીયા અને સ્ટે.કમીટીના ચેરમેન તરીકે ઉદયભાઈ કાનગડની વરણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની મુદત પૂર્ણ થવાના ત્રણ મહિના અગાઉ સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષથી ગત માર્ચ માસથી દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આવામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી શકય ન હોવાના કારણે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા રાજકોટ સહિત ૬ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલવવાની જાહેરાત કરી હતી.

મહાપાલિકાની વર્તમાન બોડીની મુદત આગામી ૧૪મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે. ચૂંટણીપંચના નવા નિયમ મુજબ બોડીની મુદત વધારવાની જોગવાઈ નથી. જો કોઈ કારણોસર ચૂંટણી યોજી શકાય તેમ ન હોય તો થોડા દિવસ માટે વહીવટદારની નિમણૂંક કરી શકાય છે. પરંતુ દિવાળી બાદ રાજ્યભરમાં ફરી કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આવામાં જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં પણ ચૂંટણી યોજી શકાય કે કેમ તેની સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. બીજી તરફ છ મહાનગરપાલિકા ઉપરાંત અનેક જિલ્લા પંચાયતની પણ મુદત પુરી થઈ રહી છે. અહીં તમામ જગ્યાએ વહીવટદાર તરીકે સીનીયર આઈએએસ મુકવા પડે તેમ છે. હાલ મોટાભાગના સીનીયર આઈએએસને મુળભૂત કામગીરી ઉપરાંત કોરોનાની વધારાની કામગીરી સોંપવામાં આવી છે. આવામાં તેમને જો વહીવટદાર તરીકે વધારાની કામગીરી સોંપવામાં આવે તો ત્રણેય કામગીરી પર વિપરીત અસર પડી શકે તેમ છે. ઉપરાંત આટલી મોટી માત્રામાં સીનીયર આઈએએસ અધિકારી પણ રાજ્ય સરકાર પાસે હાલ ઉપલબ્ધ નથી.

નિયમોની હાલ ચકાસણી ચાલી રહી છે. જેમાં ખાસ કિસ્સામાં વૈશ્ર્વિક મહામારી કોરોનાના કારણે ચૂંટણી યોજી શકાય તેમ નથી અને તમામ આઈએએસ અધિકારીઓ ઉપર ડબલ કામનું ભારણ હોવાના કારણે તેઓને વહીવટદારની જવાબદારી સોંપી શકાય તેમ નથી તેવું ખાસ નોટીંગ કરી વર્તમાન બોડીની મુદત જ ત્રણ થી લઈ ૬ માસ સુધી વધારી દેવામાં આવે તેવું લાગી રહ્યું છે.

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા દિવાળી બાદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજી શકાશે કે કેમ ? તે અંગે યોજવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થતા ચૂંટણી યોજી શકાય તેવું લાગતું નથી. સામાન્ય રીતે રાજ્ય સરકાર ઓછો સમયગાળો હોય તો વહીવટદારની નિમણૂંક કરતી હોય છે પરંતુ હાલ ૩ થી ૬ મહિના સુધી કોરોનાનો માહોલ જોતા ચૂંટણી યોજી શકાય તેવું લાગતું નથી. તેવામાં વહીવટી સરળતા ખાતર વર્તમાન બોર્ડની મુદતમાં જ વધારો કરવાની ગંભીર વિચારણા ચાલી રહી છે. સંભવત: રાજ્ય સરકાર દ્વારા આવતા સપ્તાહે જ મહાપાલિકાઓની મુદત પૂર્ણ થાય છે તે પૂર્વે વહીવટદાર નિમવા કે વર્તમાન બોડીની મુદત વધારવી તે અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. પરંતુ હાલ જે રીતે ચર્ચા ચાલી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, નગરસેવકોને વૈશ્ર્વિક મહામારી કોરોના ફળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકામાં અગાઉ ૬ વખત વહીવટદાર શાસન આવ્યું છે.